જૈનોનાં તમામ પ્રશ્નો-માગણીઓ સરકાર ઉકેલવા તૈયાર
જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતનાં શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નીકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઊમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરીને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા આહ્વાન કર્યું છે. સામે જૈન સમાજના આ પ્રશ્ન અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. હવે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકારે સ્પેશિયલ ટાસ્કફોર્સની રચના કરી છે
પ્રતિબંધનું જાહેરનામું પૂરતું નહીં, અમલવારી જરૂરી
ગુજરાતમાં ઉત્તરાયણ આવે ને ટૂ-વ્હીલરચાલકોના માથે યમદૂત ઝળૂંબવા લાગે છે. ગઈકાલે વડોદરામાં વધુ એક યુવાને ચાઈનીઝ દોરીને કારણે ગળું કપાતાં જીવ ગુમાવ્યો છે. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાઈનીઝ દોરીએ ત્રણ યુવાનનાં ગળાં કાપ્યાં છે. હવે તો ખુદ ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની ઢીલી નીતિની આકરી ઝાટકણી કાઢી છે. રોજ ગુજરાતમાં ચાઈનીઝ દોરી એક-એક યુવાનના ગળા કાપી રહી છે ત્યારે સરકારી તંત્રની ઉપેક્ષિત કામગીરી સામે સવાલો કરતાં હાઈકોર્ટે ચોખ્ખું પરખાવ્યું છે કે સરકાર રાહ શેની જુએ છે? માત્ર જાહેરનામા બહાર પાડવાથી કશું નહીં થાય, નક્કર કામગીરી પણ થવી જોઈએ.
પતંગની દોરીએ જિંદગીની દોર કાપી
ઉત્તરાયણ નજીક આવતા પતંગની દોરીથી ગળાં કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલાં જ પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું હતું, ત્યારે ગઈકાલે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે. વડોદરા પાસે રણોલીમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર સિક્યોરિટીનો કોન્ટ્રેક્ટ ચલાવે છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા-મૂકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે ગળાના ભાગે પતંગના દોરાથી તેમને ગંભીર ઇજા થતાં 108 મારફત સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહેશ ઠાકુરને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
હનીટ્રેપ કેસમાં 5ની ધરપકડ
અમરેલીના બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એક યુવાનને અમદાવાદની યુવતીએ જમીન લે-વેચના નામે ફોન પર વાતચીત કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી અન્ય ચાર શખસની મદદથી કારસામાં ફસાવ્યો હતો અને દોઢ કરોડ વસૂલવા ધમકીઓ આપી હતી. તેણે યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યો છે, એવો આક્ષેપ કરી અંતે 5 લાખ વસૂલવા તેની પાસેથી ચેક પણ લઇ લીધા હતા. એ મામલે યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવતી સહિત 5 શખસને દબોચી લીધા છે.
આપઘાતના હચમચાવતા CCTV
અમેરિકાથી ચાર દિવસ પહેલાં સંબંધીને ત્યાં આવેલા એનઆરઆઈ યુવકે સાતમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છે ને ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન થવા માટે કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.
આખી કાર ભડકે બળી
વડોદરાના સરદાર એસ્ટેટ પાસે એક કારચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને કાર ઊભી રાખી નીચે ઊતર્યો હતો. જેવો કારચાલક કારમાંથી નીચે ઊતર્યો કે કારમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર કાર ભડકે બળી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ધારાસભ્ય મન મૂકીને નાચ્યા
પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વધુ એકવાર પોતાના આગવા અંદાજમાં નાચતા જોવા મળ્યા હતા. રાધનપુરમાં યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની શોભાયાત્રામાં લોકોની સાથે લવિંગજી ઠાકોર નાચતા જોવા મળ્યા હતા. ભૂતકાળમાં પણ લવિંગજી ઠાકોર નાચતા અને ભજનના કાર્યક્રમમાં ભજન ગાતા પણ જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.