રાજકોટમાં ભારત Vs શ્રીલંકા, ચડ્યો ક્રિકેટ ફીવર
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ આજે રાજકોટમાં રમાવાની છે. એને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સિરીઝમાં એક મેચ ભારત અને એક શ્રીલંકા જીત્યું છે, ત્યારે આજે રાજકોટમાં રમાનારી ત્રીજી મેચ નિર્ણાયક સાબિત થશે. ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની ત્રીજી મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી
ભાવનગરમાં ગુરુવારથી અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ (ABVP)ના 54મા અધિવેશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અમર આચાર્યની અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીની આભારવિધિ સમયે જીભ લપસી હતી. CM ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવ્યા બાદમાં ભૂલ સ્વીકારી સોરી...સોરી...કહેતાં કાર્યક્રમ સ્થળ પર હાસ્ય રેલાયું હતું. ખુદ મુખ્યમંત્રી પણ હસી પડ્યા હતા.
ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી
સુરત એસઓજી પોલીસે રેલવે સ્ટેશન પાસેથી એક બંગલાદેશી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ-તપાસમાં બાંગ્લાદેશ બોર્ડર પર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી તેણે ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને બોગસ ડોક્યુમેન્ટના આધારે તેણે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. વધુમાં મહિલા સુરતના કામરેજ વિસ્તારમાં રહીને દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું.
46 નવયુવાને પાર્ષદી દીક્ષા લીધી
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં ગુરુવારે દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનોના હૈયે અનેરો ઉત્સાહ-ઉમંગ અનુભવાતો હતો. પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને સગાં–સ્નેહીઓનાં હૈયામાં પણ અનેરો ઉમંગ હતો. આ દીક્ષા સમારોહમાં કુલ 46 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી હતી, જેમાં IIMથી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રીધારકો છે. એ સિવાય 4 અનુસ્નાતક , 22 સ્નાતક , 18 એન્જિનિયર, 1 શિક્ષક અને 1 ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે.
સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ
ચાઈનીઝ દોરીને કેટલાક લોકોની જીવનની દોર કાપી નાખી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીઓ કરાઈ છે. જીવલેણ ચાઈનીઝ દોરીના પ્રતિબંધ હોવા છતાં વેચાણ થાય છે. ત્યારે આ પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે જાહેરનામું બહાર પાડીને ન રોકાઈને તેના યોગ્ય અમલીકરણ માટે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. ત્યારે ગઈકાલે હાઈકોર્ટમાં થયેલી સુનવાણી દરમિયાન સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેમ નથી તેમજ હુકમસરનું સોગંદનામું ન હોવાથી આજે ગૃહસચિવને નવેસરથી સોગંદનામું રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.
સાસણમાં સીનસપાટા કરવા ભારે પડ્યા
ગીરમાં વસવાટ કરતા સિંહની પજવણીના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે સાસણમાં ત્રણ સિંહની પજવણી કરતા કેટલાક વીડિયો પંદર દિવસ પહેલાં વાઈરલ થયા બાદ વન વિભાગ દ્વારા ત્રણ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનો નોંધી ત્રણેય યુવકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે 6 જાન્યુઆરી-2023 ગુરુવારના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઊજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારે ભાવીભક્તો દ્વારા ગબ્બર ખાતે આવેલી અખંડ જ્યોત લાવીને મા જગતજનની અંબાના નિજ મંદિરમાં આવેલી જ્યોતિથી મળાવી મંદિરના શક્તિદ્વાર આગળ માતાજીની આરતી કરવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા-જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. અંબાના પ્રાગટ્ય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.