• Gujarati News
  • Local
  • Gujarat
  • Thunderstorm Forecast In The State; Shocking Statistics On Unemployment Surfaced; This Bridge Collapsed Before It Started!

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી; કયાં મહિલા નેતા દારૂના કેસમાં પકડાયાં? અમદાવાદમાં આજથી બે દિવસ પાણીકાપ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં તા. 4, 5 અને 6 માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં કેરીનો પાક થતો હોવાથી મોટા પ્રમાણમાં એના પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં માવઠું થવાની સંભાવના છે.

બેરોજગારીને લઈ રાજ્યના ચોંકાવનારા આંકડા આવ્યા સામે
ગુજરાત વિધાનસભામાં બજેટસત્રના છઠ્ઠા દિવસે બેરોજગારીને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યના ફક્ત 6 જિલ્લામાં 61,058 બેરોજગાર નોંધાયા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 61,058 બેરોજગાર નોંધાયા છે. અમદાવાદ શહેરમાં જ 12 હજાર કરતાં વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જ્યારે 1205 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં 10,323 બેરોજગાર, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 9, 956 બેરોજગાર નોંધાયા છે. આ ઉપરાંત પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3,707 શિક્ષિત બેરોજગાર, જ્યારે 617 અર્ધશિક્ષિત બે રોજગાર નોંધાયા, જ્યારે ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગાર અને 114 અર્ધશિક્ષિત બેરોજગાર નોંધાયા છે.

બ્રિજ શરૂ થાય એ પહેલાં જ તૂટી પડ્યો!
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પસાર થાય છે. આ રસ્તા પર હાલ બ્રિજ બનાવવાની કામગીરી પણ ગતિમાં છે. રાજુલા તાલુકાના દાતરડી પાસે નિર્માણાધીન બ્રિજ બનીને તૈયાર થાય એ પહેલાં જ એનો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડતાં પુલના કામની ગુણવત્તાને લઈ સવાલો ઊઠ્યા છે. દાતરડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજ બે દિવસ પહેલાં ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. જે-તે સમયે એક જાગ્રત નાગરિક દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે એમાં જવાબદારી નક્કી કરવા માટે અલગ અલગ સરકારી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે, પરંતુ દાતરડી પાસે બ્રિજ ધરાશાયી થયા બાદ ઘટનાસ્થળ પરથી તૂટી પડેલા બ્રિજનો કાટમાળ પણ દૂર કરી દેવામાં આવતાં સવાલો ઊઠ્યા છે.

અમરેલીનો બ્રિજ ધરાશાયી મુદ્દે અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી પાસે નિર્માણાધીન બ્રિજ બનીને તૈયાર થાય એ પહેલાં જ એનો સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસનેતા અમિત ચાવડાએ કહ્યું, "આ પહેલો બ્રિજ નથી, જે ધરાશાયી થયો છે. આ પહેલાં આણંદ જિલ્લામાં પણ શરૂ થાય એ પહેલા બ્રિજ તૂટી પડ્યો..મોરબીમાં જે અકસ્માત સર્જાયો એ આપણેસૌ જાણીએ જ છીએ. એમાં દુઃખદ રીતે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સરકારમાં ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય એની પણ સરકારને ચિંતા નથી. સરકારને ફક્ત ને ફક્ત તેમના માનીતા લોકોને કોન્ટ્રેક્ટ આપવામાં જ રસ છે, કોન્ટ્રેક્ટમાંથી જે મલાઈ મળે છે એમાં તેમને રસ હોય છે. એ કોન્ટ્રેક્ટ આપ્યા પછી ગુણવત્તાવાળું કામ થાય, ટકાઉ કામ થાય, એનું મોનિટરિંગ કરવાની કોઈ ચિંતા નથી. આ સરકારને કોઈનો ડર નથી રહ્યો. પોલીસ ખાતામાં કોઈ પરીક્ષા આપ્યા વગર પૈસા આપી નોકરીમાં ઘૂસી જાય છે. એ જ રીતે કોન્ટ્રેક્ટરોને પણ સરકારનો ડર નથી રહ્યો, એનું એક જ કારણ છે કે એનો સીધો હપતો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે, એટલે કોઈને પણ ડર નથી રહ્યો અને એનો ભોગ ગુજરાતની જનતા બને છે."

દારૂના કેસમાં ઝડપાયાં મહિલા નેતા
ગુજરાતમાં દારૂબંધી છે. એમ છતાં અવારનવાર દારૂ પકડાવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક મહિલા નેતા જ દારૂના કેસમાં સંડોવાયાં હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરા પોલીસને માહિતી મળતાં પીપલોદના ચાંદની ચોક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યાં કારમાં દારૂનો જથ્થો આવતો હોવાની બાતમી મળતાં કિશનને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ થતાં માલૂમ પડ્યું કે તેમાં એક મહિલાની પણ સંડોવણી છે. પોલીસે તાત્કાલિક મહિલા સહિત એક ઈસમની ધરપકડ કરી છે. ઝડપાયેલાં મહિલા નેતા પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના 11 વોર્ડમાં આજથી પાણીકાપ
અમદાવાદ શહેરના 11 વોર્ડમાં આજ સાંજથી 5 માર્ચ સુધી પાણીકાપ રહેવાનો છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ રિપેરિંગના કામ માટે આજ સાંજથી બે દિવસ પાણી બંધ રહેશે, જેથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં પાણીકાપ રહેશે, જેની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતાં પાણીપુરવઠા પર પડશે. આગામી બે દિવસ એટલે કે 5 માર્ચ સુધી થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રેમપ્રકરણમાં વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ગઈકાલે બપોરના સમયે સગીર વયના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ગઈકાલથી ફાઈનલ પરીક્ષા શરૂ થઈ હતી છતાં વિદ્યાર્થી પરીક્ષા આપવા ના ગયો અને પ્રેમપ્રકરણમાં આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલાં મૃતકે મોબાઈલ પણ ફોર્મેટ કરી દીધો હતો. મૃતક પાસેથી સુસાઈડ નોટ પણ મળી નથી. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...