ઈસુદાન ગુજરાત AAPના નવા પ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં આજે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહપ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમાલ વાળા, મધ્ય ગુજરાત ઝોનમાં જેવલ વસરા અને કચ્છ ઝોનમાં કૈલાસ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
પવનના સુસવાટા સાથે ઠંડીનું સામ્રાજ્ય
નવા વર્ષથી રાજ્યમાં ઠંડીએ માહોલ જમાવ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમાં પણ આજે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં હાડ થિજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યનાં 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યનું સૌથી ઠંડુંગાર નગર નલિયામાં 8.1 ડિગ્રી રહ્યું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
પતંગની દોરીએ ગળું કાપ્યું, ભયાનક CCTV
વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતાં ગઈકાલે સાંજે બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTC હવે સામે આવ્યા છે.
રિવરફ્રન્ટ બન્યો અસામાજિક તત્ત્વોનો અડ્ડો
અમદાવાદની શાન ગણાતી એવી સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ વિદેશના વડાપ્રધાનોથી લઈ અને નેતાઓ પણ મુલાકાત ચૂક્યા છે. અમદાવાદના ફરવાલાયક સ્થળોમાંથી સૌથી જાણીતું એવું સાબરમતી રિવરફ્રન્ટ હવે સહેલાણીઓ માટે ફરવાલાયક સ્થળો નહીં પરંતુ નશો કરતા લોકો અને અસામાજિક તત્ત્વો માટેનું સ્થળ બની ગયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ પર સિક્યુરિટી અને પોલીસ માત્ર નામની જ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દારૂ અને ડ્રગ્સ લેનારા લોકોનો હવે અડ્ડો બની ગયો છે ત્યારે દિવ્ય ભાસ્કરે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને છેડા પર ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં રિવરફ્રન્ટ પર નશો કરવા માટે વપરાતી કફસીરપની બોટલો, દેશી દારૂની થેલીઓ અને વિદેશી દારૂની બોટલો તેમજ ડ્રગ્સ લેવા માટે થઈ અને જે ગોલ્ડન પેપર વાપરવામાં આવે છે તેના માટેનાં બોક્સ વગેરે જોવા મળ્યાં હતાં. રિવરફ્રન્ટ પર સિક્યુરિટી તો માત્ર નામની જ હોય છે, તેમાં પણ સિક્યુરિટી ગાર્ડ ત્યાં બેસી રહેલા જોવા મળ્યા હતા.
રાજકોટ AIIMSનું કામ પુરજોશમાં
મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટમાં AIIMS રૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. રાજકોટની ભાગોળે પરાપીપળિયા ગામે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195 કરોડના ખર્ચે 201 એકરમાં બની રહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડથી સજ્જ હશે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની OPD શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ IPD પણ શરૂ કરવામાં આવશે.
પાટનગરમાં દીપડાની દહેશત
ગાંધીનગરના સરિતા ઉદ્યાનથી રાજભવન વિસ્તારમાં 30મી ડિસેમ્બરની રાત્રે દીપડાએ લટાર મારતાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ તંત્રના રાત-દિવસના ઉજાગરા વધી ગયા છે. એવામાં આજે સેકટર - 20 અક્ષરધામ પાછળના રહેણાક વિસ્તારમાં સવારના સમયે દીપડાએ સાક્ષાત્ દર્શન દેતાં અહીં કામ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ કર્મચારી યુવતી ફફડી ઊઠી હતી. આ અંગે જાણ થતાં આજ સવારથી વનતંત્ર દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરીને દીપડાને પૂરવા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. જોકે અત્રેનો જંગલ વિસ્તાર ખૂંદી નાખી પાંજરા મૂકી નાઇટ વિઝન કેમેરાથી તપાસ કરવા છતાં હજી સુધી સત્તાવાર રીતે દીપડાના કોઈ સગડ મળ્યા નથી.
વડોદરાના બૂટલેગરનો VIDEO વાઇરલ
31 ડિસેમ્બરે રાત્રે વાડી પોલીસે બૂટલેગરને બિયરની 12 બોટલ સાથે ઝડપ્યો હતો. એ બાદ 50 હજાર રૂપિયા લઈને તેને છોડી મૂક્યો હોવાનો આરોપ બૂટલેગર દ્વારા લગાવતો વીડિયો વાઇરલ થયો છે. એને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પોલીસે બૂટલેગર પાસે દોઢ લાખની માગણી કરી હતી. અંતે, 50 હજારમાં પતાવટ થઈ હોવાનો આરોપ લગાવતો વીડિયો વાઇરલ થયો છે. એમાં પોલીસે બિયર ભરેલી બોટલ પણ લઇ લીધી હોવાનો આરોપ લગાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.