• Gujarati News
  • Local
  • Gujarat
  • This Decision Was Taken To Monitor Government Grain; Know How Much Debt Gujarat Has?; The Streets Of Amreli Turned Into Rivers

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:અમરેલી જિલ્લાની શેરીઓ નદીઓમાં ફેરવાઈ, કયા-કયા જિલ્લામાં માવઠું થઈ શકે? દારૂની ભઠ્ઠીઓ પર સપાટો બોલ્યો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી અનાજની દેખરેખ માટે SITની રચના
ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવવા અને આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા કરાવવા રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવાનો નિર્ણય લીધો છે. SIT ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. CID ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં 6 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

ગુજરાતના માથે કેટલું દેવું?
ગુજરાત રાજ્ય પર કુલ 3 લાખ 20 હજાર 812 કરોડ દેવું છે. જેનો ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઇએ લેખિતમાં સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં વર્ષ 2021-22ના સુધારેલા અંદાજ પ્રમાણ દેવાની વિગતો જાહેર કરાઈ હતી. એટલે કે ગુજરાતમાં જન્મ લેતું બાળક 50,000 રૂપિયાની આસપાસના દેવા સાથે જન્મે છે. તો સરકારે કેટલું વ્યાજ ચૂકવ્યું તેના જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2021 - 22માં સરકારે દેવા પેટે 23 હજાર 63 કરોડનું વ્યાજ અને 24 હજાર 454 કરોડ મુદ્દલ પેટે ચૂકવ્યા હતા.

અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર આજે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અમરેલી જિલ્લામાં તો ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડતાં શેરીઓમાં નદીઓ જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં આવતા ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતનાં ગામડામાં વરસાદ છૂટોછવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ ધરતીપુત્રોમાં જોવા મળી રહી છે.

મોહનથાળ પ્રસાદ બંધ કરવાની વાતને લઈને વિરોધ
અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદને બંધ કરવાની હિલચાલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં સ્થાનિક લોકો આ મોહનથાળ પ્રસાદ બંધ કરવાની વાતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષોથી પરંપરા ચાલી આવે છે, મોહનથાળ પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનારા લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મોહનથાળ પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ આપવાની જે વાત છે તે યોગ્ય નથી. મોહનથાળ પ્રસાદ જ રાખવો જોઈએ તેવી અંબાજીના ભૂદેવ પણ માગ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સતત આ વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ આપવામાં આવે અને તેને લઈને મોહનથાળ પ્રસાદ બંધ કરવાની જે હિલચાલ ચાલી રહી છે, તેની સામે અંબાજીના ભૂદેવો સહિત લોકો પણ વિરોધ કરી રહ્યા છે.

ક્રેને દંપતીને કચડ્યું-મહિલાનું મોત
વલસાડમાં મોપેડ ઉપર ઘરે પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. ધરમપુર ચોકડી પાસે કોઈક કારણોથી આ દંપતી ઊભું હતું. આ દરમિયાન અચાનક એક ક્રેનચાલકે આ દંપતીને અડફેટે લીધું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. જેને પગલે સ્થાનિક લોકો અને રાહદારીએ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108ની મદદ લઈને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત થયું હતું. તેમજ ક્રેનચાલક પણ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

યાત્રીઓ બારીમાંથી ટ્રેનમાં ઘૂસવા મજબૂર
સુરતથી ઉપડતી ટ્રેનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યાત્રીઓ જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર બન્યા હતા. હોળી પર વતન જવા ધસારો જોવા મળી રહ્યો છે. પુરી સહિતની ટ્રેનોમાં ભારે અફરાતફરીનો માહોલ સામે આવ્યો છે. તંત્ર ફરીવાર વામણું પુરવાર થયું છે. જેને કારણે યાત્રી જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર થયા છે. રિઝર્વ કોચમાં ભીડ વધતાં બુકિંગ હોવા છતાં ઘણા યાત્રીઓ રહી ગયા અને બીજી બાજુ મેગા બ્લોક ચાલી રહ્યો છે.

દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસનો સપાટો
સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસ મથકની હદમાં આવતા કાંઠા વિસ્તારનાં ગામોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા રેડ કરી 58 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 18 પુરુષ અને 49 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે દારૂનું વેચાણ કરતા બૂટલેગરો સામે લાલ આંખ કરી હતી. ઓલપાડ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ઓલપાડ પોલીસ મથકની હદમાં આવતા ટુંડા, લવાછા, સાયણ, દેલાડ, ગોથાણ, કમરોલી, જીણોદ, કરંજ, પારડી, ઝાંખરી, ગોલા, ઓરમા, તળાદ વગેરે ગામોમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...