ભારતમાં 20 હાથવાળી એકમાત્ર પ્રતિમા!:18 હાથવાળાં માતાજીએ મહિષાસુરનો વધ કરવા બે હાથ વધાર્યા ત્યારે કહેવાયાં વીસભુજેશ્વરી, સાયલામાં છે દુર્લભ મૂર્તિ

અમદાવાદ2 મહિનો પહેલા

સ્કંદપુરાણ કે માર્કંડેયપુરાણમાં માતાજીના અલગ અલગ અવતારોનો ઉલ્લેખ છે અને એમાં 18 હાથવાળાં કે એક હજાર હાથવાળાં માતાજીનું વર્ણન છે, પણ આ પુરાણોમાં વીસ હાથવાળાં માતાજીનું વર્ણન મળતું નથી, પણ જાણીને આશ્ચર્ય થશે કે સુરેન્દ્રનગરના સાયલામાં વીસ હાથવાળાં માતાજીની અલૌકિક-દુર્લભ પ્રતિમા છે. માતાજીને વીસ હાથ હોય ેવી પ્રતિમા ભારતભરમાં આ એક જ છે. આ માતાજી વીસભુજેશ્વરીના નામથી પૂજાય છે.

વીસ હાથના અવતારની કથા
માતાજીના અઢાર હાથ છે અને તેમનું વર્ણન સ્કંદપુરાણ અને માર્કંડેયપુરાણમાં છે, પણ માતાજીને વીસ હાથ હોય એવું વર્ણન એકમાત્ર વરાહપુરાણમાં છે. માતા વીસભુજેશ્વરી એ કોઈ કલ્પિત મૂર્તિ નથી. એ તો લક્ષ્મીજીનો અવતાર છે. ભંડાસુર નામના રાક્ષસને મારવા શ્વેતાગિરિ ઉપર શ્વેતા માતાજીએ ધનુષ્ય ધારણ કર્યું હતું, ત્યારે શ્વેતા માતાજીનું નામ ધનુષ્યધારી માતાજી પડ્યું, એવું જ રીતે અષ્ટાદસ (અઢાર) હાથવાળાં મહાલક્ષ્મીએ વિકરાળ રાક્ષસ મહિષાસુરને મારવા બે હાથ વધારી દીધા અને અઢારમાંથી વીસ હાથ કર્યા, એટલે મહાલક્ષ્મીનું આ રૂપ વીસભુજેશ્વરી કહેવાયું. આનું પ્રમાણ વરાહપુરાણના શ્લોક 40થી 57 સુધી મળે છે. વરાહપુરાણમાં લખ્યું છે કે...
तत्रवसोअसुर: प्रायाद्यत्रदेवी व्यवस्थिता।।
साचदष्टवा तमायातं विशद्वस्ता बभुवं: ।।
धनुः खड्गं तथा शक्ति शरानुं शलेन्ग्दा तथा ।।
मुसलं च तथा चक्र भिन्दिपाल तथैवच ।।
वणुपाशांध्वजं चैवपद्म चेतिचविंशित ।।
भूत्यशिंदभजोदेवी सिंहमास्थायदंशिता ।।

આ શ્લોકનો ભાવાર્થ એ જ છે કે મહાલક્ષ્મી માતાજીએ મહિષાસુર રાક્ષસને મારવા અઢારમાંથી બે હાથ વધારીને વીસ કર્યા. તેમણે ત્યારે કમળને બદલે સિંહનું વાહન ધારણ કર્યું, એટલે એ વીસભુજેશ્વરી કહેવાયાં.

વીસભુજેશ્વરી માતાજીની દિવ્ય પ્રતિમા.
વીસભુજેશ્વરી માતાજીની દિવ્ય પ્રતિમા.

સાયલાની મૂર્તિનું પ્રાગટ્ય
સુરેન્દ્રનગરના સાયલામાં બિરાજમાન વીસભુજેશ્વરી માતાજીની અલૌકિક પ્રતિમા કાળા આરસની છે અને જમીનની અંદરથી 400 વર્ષ પહેલાં પ્રગટ થયેલી છે. મંદિરના પૂજારી અમિતભાઇ આચાર્ય દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, સાયલામાં જે લોકવાયકા છે એ એવી છે કે સાયલા રાજ્યની ગાદી મહારાણા સેસલમલજીએ સ્થાપી. સમય જતાં તેમને ત્યાં યુવરાજનો જન્મ થયો. તેમનું નામ રાખવામાં આવ્યું વિક્રમાદિત્ય. તેમને વિક્રમાતસિંહજી પણ કહેતા. વિક્રમાતસિંહજીને બાલ્યાવસ્થામાં સપનું આવ્યું અને સપનામાં માતાજીએ સંદેશો આપ્યો કે દરબારગઢની બાજુમાં જમીનમાં મારી પ્રતિમા છે, તેને બહાર કાઢીને એ જ જગ્યાએ સ્થાપિત કરો. આ વાત કુંવરે પિતા સેસલમલને કહી. મહારાણાએ જમીન ખોદાવતાં સિંહાસન સાથેની વીસ ભુજાધારી માતાજીની દિવ્ય મૂર્તિ પ્રગટ થઇ. દરબારગઢની બાજુમાં જ આ મૂર્તિની સ્થાપના કરી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. માતાજીના પ્રાકટ્યનું વર્ણન વિક્રમ સંવત 2010માં સાયલાના વિદ્વાન હરગોવિંદભાઈ ભટ્ટે લખ્યું હતું.

વીસભુજેશ્વરી માતાજી મંદિર, સાયલા.
વીસભુજેશ્વરી માતાજી મંદિર, સાયલા.

અનેક જ્ઞાતિનાં કુળદેવી છે
વીસભુજેશ્વરી માતાજીને 'વિહોત' કે 'વિહત' માતા પણ કહે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિહોત માતાનાં અનેક મંદિરો છે, પણ ત્યાં વીસ હાથ ધરાવતી સ્વયંભૂ મૂર્તિ નથી, આ પ્રકારની સ્વયંભૂ મૂર્તિ ભારતભરમાં એકમાત્ર સાયલામાં બિરાજમાન છે. વીસભુજેશ્વરી માતાજી અનેક જ્ઞાતિઓનાં કુળદેવી છે, જેમાં બક્ષી, વૈષ્ણવ, કચ્છી જેવી અટક ધરાવતી નાગર જ્ઞાતિ, આ ઉપરાંત અમુક બ્રાહ્મણ, પટેલ, ગઢવી, સોની, ભાવસાર વણિક, દરજી, ક્ષત્રીય સહિતની અનેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓનાં વિહોત માતાજી કુળદેવી છે.

સાયલાનાં નગરદેવી
માતાજીના મંદિરમાં ચાર સદીઓથી બેસીને ગરબા ગાવાની પરંપરા ચાલી આવે છે. નવરાત્રિએ માતાજીની સન્મુખ ગરબી થાય છે. આઠમા નોરતે હવન થાય છે. નોરતાની અષ્ટમીનો દિવસ એ વીસભુજેશ્વરી માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. વિહોત માતાજી સાયલાનાં નગરદેવી છે અને સાયલામાં કોઈને પણ ત્યાં લગ્ન કે શુભ પ્રસંગ હોય તો માતાજીના આશીર્વાદ લેવા એ પરિવાર અચૂક જાય છે. વીસભુજેશ્વરી માતાજી આજે પણ હાજરાહજૂર છે.

આમ પહોંચી શકાય સાયલા

સાયલા ભગતનું ગામ કહેવાય છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આ ગામ આવેલું છે. રાજકોટથી અમદાવાદ તરફ ચોટીલા પછી આવે. રાજકોટથી 80 કિલોમીટર થાય અને અમદાવાદથી 136 કિલોમીટર થાય. માતાજીનું મંદિર ગામની વચ્ચોવચ્ચ છે એટલે ગામની ભાગોળે તળાવ ફરતે રસ્તો છે, ત્યાંથી કાર લઈને જઈ શકાય. માતાજીના મંદિર પાસે શાક માર્કેટ ભરાય છે એટલે પાર્કિંગની સમસ્યા છે, પણ મંદિરની બાજુમાં આવેલા દરબારગઢના કમ્પાઉન્ડમાં પાર્ક કરવાની છૂટ છે. ગામના મુખ્ય દરવાજાથી એક કિલોમીટરના અંતરે બસ સ્ટેશન છે, ત્યાં કાર પાર્ક કરીને મુખ્ય બજારમાં ચાલીને જઈ શકાય. મુખ્ય બજારમાંથી કાર જઈ શકે, પણ અતિશય સાંકડી શેરીઓ છે, એટલે સામસામે કાર આવી જાય તો મુશ્કેલી થાય, પણ તળાવ ફરતે રસ્તો છે ત્યાંથી સાંકડી શેરોમાં થઈને જઈ શકાય છે. વાંધો નથી આવતો. સાયલામાં સેવાના ભેખધારી સંત લાલજી મહારાજની પ્રાચીન અને ભવ્ય જગ્યા છે. અહીં લાલજી ભગતનું વિશાળ મંદિર છે. એક સમયે સાયલા અંગ્રેજોનું મથક હતું. આજે પણ અહીં બ્રિટિશ રેસિડેન્સી અને યુરોપિયન ગેસ્ટ હાઉસ હયાત છે. સાયલાની વસતિ 25થી 30 હજારની આસપાસ છે. સાયલા તાલુકો છે એટલે સાયલામાં મુખ્ય બજાર મોટી છે. આસપાસનાં ગામમાંથી લોકો ખરીદી કરવા સાયલા પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...