કોંગ્રેસની કારમી હાર પાછળનો રિપોર્ટ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ખડગેને સોંપ્યો
ગુજરાતમાં હારના કારણો શોધવા માટે રચાયેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. ત્રણ સભ્યોની કમિટી પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કરશે. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તાથી બહાર કોંગ્રેસે વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નીતિન રાઉતના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. આ ટીમે નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને લોકો સાથે વાતચીત કરીને મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે. હારના કારણો શોધવાની સાથે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ ઉકેલ પણ સૂચવ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રિપોર્ટમાં કેન્દ્ર અને રાજ્યના સંગઠનમાં સંકલનનો અભાવ હારનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે વધુ સારા સંકલનના અભાવને કારણે, કોંગ્રેસ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી અને પાર્ટી 77 થી સીધા 17 પર આવી ગઈ હતી. જેના કારણે તેમને વિપક્ષના નેતાનું પદ ગુમાવવું પડ્યું હતું.પાર્ટીમાં એક તરફ કેન્દ્રીય ટીમ અને રાજ્ય વચ્ચે સંકલન ન હોવાથી રાજ્યની ટીમ અને જિલ્લાની ટીમો વચ્ચે પણ સમાન સ્થિતિ રહી હતી. આ રીત પાર્ટી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. પક્ષના ઉમેદવારો અનેક મોરચે એકલા પડી ગયા હતા. કમિટીએ આ તમામ તારણો તબક્કાવાર ક્ષેત્રીય મુલાકાતો બાદ કાઢ્યા છે.
લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મામલે નરેશ પટેલનું નિવેદન
ખોડલધામ મંદિર ટ્રસ્ટના નરેશ પટેલે હાલમાં જ કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા પિતાની સહિ ફરજિયાત કરવાની માગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં-બાપની હાજરી હોવી જોઈએ તે મુદ્દે કહ્યું કે, 'માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા પણ 21મી સદીની અંદર આ એક સ્વતંત્ર વિચાર છે.'
ગુજરાતમાં કેફી દ્રવ્યોની રેલમછેલ
મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે લીરા ઉડતા હોય તેમ ગુજરાત રાજ્યમાં બે વર્ષમાં 6413 કરોડની કિંમતના વિદેશી-દેશી દારુનો જથ્થો ઝડપાયો છે. સાથે જ 2 વર્ષમાં 6201 કરોડની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો સહિતનું દ્રવ્ય ઝડપાયું છે. વિદેશી-દેશી દારૂ, અન્ય નશીલા દ્રવ્યોના આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાંથી બે વર્ષમાં 197.56 કરોડની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે. સાથે જ છેલ્લા બે વર્ષમાં 3 કરોડ 99 લાખનો દેશી દારૂ પણ ઝડપાયો છે. રાજ્યમાં બે વર્ષમાં 10 કરોડ 51 લાખનો બિયરનો જથ્થો પકડાયો છે. વર્ષમાં રાજ્યમાંથી 6413 કરોડની કિંમતના વિદેશી-દેશી દારુનો જથ્થો ઝડપાયો છે. 6201 કરોડની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો સહિતનું દ્રવ્ય ઝડપાયું છે. ગુનાઓમાં સંડોવાયેલા 3716 આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે. ત્યારે આ બધું પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ ચાલતુ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
શિમલા-મનાલીને ફિક્કું પાડતું 'મોડાસા'
ગઈકાલે અરવલ્લી જિલ્લા સહિત અનેક જગ્યાએ માવઠાની અસર જોવા મળી. જ્યાં બરફ જોવા સ્વિત્ઝર્લેન્ડ કે શિમલા જવાની જરૂર નથી કેમકે હાલ ગુજરાતમાં જ ધોધમાર વરસાદ સાથે ઠેર-ઠેર કરા પડી રહ્યાં છે. તેમાં પણ વણીયાદ-મોડાસા માર્ગ પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જોઈએ ત્યાં રસ્તા પર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદથી શહેરમાં જ નદીઓ વહેતી થઈ છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતીવાડીમાં વધારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામે ખેડૂતો ખેતરમાં ઘઉં કાઢવાની તૈયારીમાં હતા. ત્યાં એકાએક વરસાદ તૂટી પડતા વાઢેલા ઘઉં સંપૂર્ણ પલળી ગયા છે. ગામ આસપાસની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખેતીમાં ખાસ ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી ઘેટાં-બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય આધેડનું મોત થતા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.
કમોસમી વરસાદને કારણે મીઠા ઉદ્યોગને નુકશાન
હવામાનમાં થયેલા ફેરફારને પગલે વલસાડમાં કમોસમી વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા. વાતાવરણમાં અણધાર્યા પરિવર્તનને કારણે વલસાડના કાંઠા વિસ્તારમાં આવતા ધરાસણા, છરવાડા, દાંડી- ભાગલ, કકવાડી અને કરદીવા ગામમાં મીઠું પકવતા અગરિયાઓના તૈયાર પાક નાશ પામ્યો હતો. કમોસમી વરસાદને પગલે વલસાડના મીઠા ઉદ્યોગને અંદાજે 15થી 20 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. જેથી નુકશાનનું વળતર મેળવવા અગરિયાઓએ સરકાર પાસે માંગ કરી છે. મીઠાના પાકને નુકશાન થતા તેની માઠી અસર આ પાક ઉપર નભતા 206 કુટુંબના પરિવારજનો ઉપર પડી છે. આ સિવાય મંડળીને પણ નુકશાન થતા આ મામલે વળતર આપવાની માગ ઉઠી છે. એક અગરિયા દીઠ 50 થી 60 હજાર રૂપિયાનું નુકશાન હાલ આકમોસમી વરસાદ ના કારણે થયું છે .માવઠાને પગલે મીઠાનો તૈયાર પાક કાળો પડી જતા અન્ય બીજા કોઈ પણ કામમાં લઈ શકાય તેમ નથી.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે. જેની સામે 35 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 518 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,836 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આખલા યુદ્ધના LIVE CCTV
ધાનેરા-થરાદ રોડ પર આજે બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. બે રખડતા આખલાઓ અચાનક યુદ્ધે ચડ્યા હતા. સામ સામે શિંગડા ભરાવી યુદ્ધ શરૂ કરતાં આજુબાજુના લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાઓને શાંત પાડવા પાણીનો પણ છંટકાવ કર્યો હતો. જોકે, બન્ને આખલાઓએ યુદ્ધ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન રોડની સાઈડમાં પાણીપુરીની લારીને પણ અડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી હતી. જે બાદ આખલો ભાગતો ભાગતો રોડની પેલી સાઈટ જતો રહ્યો હતો. જોકે. સદનસબી આ દરમિયાન કોઈ વાહન ચાલક પસાર થયો ન હતો. જેથી અકસ્માત ટળ્યો હતો. જોકે, આખલા યુદ્ધના પગલે આજુબાજુના લોકોમાં નાશભાગ મચી હતી. પાણીપુરીની લારી ઊંઘી વાળી દેતા લારી માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર રખડતા પશુઓના આતંકની ઘટનાઓ સામે આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.