ઉત્તરાયણમાં આનંદો!
કોરોનાનાં 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઊજવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવા માટે લોકો વહેલી સવારથી જ પતંગ, ફીરકી તેમજ સાઉન્ડ સિસ્ટમ લઇને ધાબે ચડી ગયા હતા. એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતા હતા. તો બીજી તરફ કાઈપો છે..., લપેટ... લપેટ...ની બૂમા સંભળાતી હતી. જોકે, આખો દિવસ રંગેબરંગી પતંગોથી છવાયેલું આકાશ અંધારું થવાની સાથે જ આતશબાજીથી ઝળહળી ઊઠ્યું હતું. આ સાથે ધાબા પર લોકો ગરબા તેમજ હિન્દી સોન્ગ પર ઝૂમતા જોવા મળ્યા હતા.
ઉત્તરાયણની મજા ક્યાંક સજામાં ફેરવાઈ
રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી ઊજવાયો તો બીજી તરફ રાજ્યમાં ઉત્તરાયણના પર્વે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. ઉત્તરાયણ પર્વે સર્જાયેલી દુર્ઘટનાના 108એ આંકડાઓ જાહેર કર્યા હતા. રાજ્યમાં દોરીથી ઈજા થવાની કુલ 62 ઘટનાઓ સામે આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાની 25 ઘટના સર્જાઈ હતી. તો રાજ્યમાં રોડ એક્સિડન્ટના 400 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. રાજ્યમાં ધાબેથી પડી જવાના કુલ 164 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. રાજ્યમાં પશુ-પક્ષીઓને ઈજા થવાના પણ 1 હજાર 59 કેસ નોંધાયા હતા. મહત્ત્વનું છે કે, ઉત્તરાયણના પર્વે સરકાર અને સામાજિક સંસ્થાઓએ સાવચેતી જાળવવા અપીલ કરી હતી. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ નિર્દેશ કર્યા હતા. પરંતુ દુર્ઘટનાના આંકડાઓ દર્શાવે છે કે તહેવારની મજા અન્ય માટે સજા સાબિત થઈ છે.
ફરી વળ્યું ઠંડીનું મોજું
મકરસંક્રાંત ટાણે ઠંડીનું મોજું ફરી વળ્યું. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં એક રાતમાં તાપમાનમાં 5 સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હજુ 3 ડિગ્રી સુધીનો ઘટાડો સંભવિત કહેવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસમાં તાપમાન હજુ વધુ 2 થી 3 સેલ્સિયલ ઘટવાની અને અનેક સ્થળો પર પારો 10 ડિગ્રીથી નીચે ઊતરવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
કોળી સમાજના મહાસંમેલનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનો હુંકાર
કોળી સમાજના એક કાર્યક્રમમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હુંકાર ભરતા જણાવ્યું કે, સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ છીએ ત્યારે ક્યારેય રાજનીતિના માણસ તરીકે નહીં સમાજના દીકરા તરીકે રહેવાનું હોય છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ-ભાજપ હોય કે કોઇ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો હું કોળી સમાજનો રહેવા માગું છું. તેમણે ઉમેર્યું કે, સોમનાથ દાદા મને શક્તિ આપે કે, આપ સમાજના લોકો માટે લડું અને હંમેશાં લડતો રહીશ.
સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી ડૂબી ગયાં હતાં. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયાં હતાં. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા.
પૂર્વ CMએ પતંગ-દોરી સાથે પક્ષને સરખાવ્યો
સામાન્ય લોકોની સાથે સાથે નેતા અને સેલિબ્રિટીએ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી હતી. ત્યારે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પતંગ-દોરી સાથે પક્ષને સરખાવીને જણાવ્યું હતું કે, પતંગ નેતૃત્વનું પ્રતીક છે, ભાજપમાં પતંગ-દોરો-માંજો બધું બંધાયેલું છે.
ગૃહ રાજ્યમંત્રીની લોકોને અપીલ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ-પૂજન કરીને ઉત્તરાયણ મનાવી હતી. એ પછી હર્ષ સંઘવીએ પરિવાર સાથે રિવ્યુલેટ બિલ્ડિંગમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં હર્ષ સંઘવીએ હતું કે 'ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનો ઉપયોગને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને કેટલાક લોકો તો એવા હોય છે જે દોરીમાં કાચના ટુકડા નખાવે છે અને એ કારણે પણ લોકો જીવ ગુમાવે છે. તો મારી ગુજરતના લોકોને વિનંતી છે કે આવા ચાઈનીઝ દોરોનો ઉપયોગ કરીને લોકોના જીવના પેચ ન કાપો. આ ખુશીના તહેવારમાં એકબીજા સાથે પેચ લડાવવાના ચક્કરમાં બીજા કોઈ વ્યક્તિના જીવનનો પેચ ન લડાવતા. આ સિવાય ઉત્તરાયણમાં રોડ-રસ્તામાં વચ્ચે પડેલો દોરો જોવા મળે તો માણસાઈ બતાવીને તેને ઊંચકી સાઈડમાં મૂકી દેવો જોઈએ. આમ કરવાથી ઘણા લોકોનો જીવ બચી શકે છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.