હત્યા કે આત્મહત્યા?:અમદાવાદની 31 વર્ષની પરિણીતાનો ફ્રાન્સમાંથી મૃતદેહ મળ્યો, મૃત્યુનું કારણ અકબંધ

એક મહિનો પહેલા
અમદાવાદની 31 વર્ષની પરિણિતા સાધના શૈલેષભાઇ પટેલનો મૃતદેહ ફ્રાન્સના પેરિસ ખાતે મળી આવ્યો છે (ફાઈલ તસવીર)

અમદાવાદની 31 વર્ષની પરિણિતા સાધના શૈલેષભાઇ પટેલનો મૃતદેહ ફ્રાન્સના પેરિસ ખાતે મળી આવ્યો છે. જો કે મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે ફ્રાન્સ પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ સાસરીયાઓએ સાધનાની હત્યા અથવા તો તેને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાનો આક્ષેપ મૃતક સાધનાના ભાઇએ કર્યા છે. આ અંગે પોલીસ તેમ જ ફ્રાન્સ એમ્બેસી તથા ઇન્ડિયન એમ્બેસી સમક્ષ અરજી કરીને યોગ્ય તપાસ કરવા અરજ કરી છે.

6 વર્ષ પહેલાં થયા હતા લગ્ન
અમદાવાદ શહેરના રામોલ જનતાનગર ખાતે રહેતાં લાલાધન લાબાડેની દીકરી સાધનાના લગ્ન આજથી છ વર્ષ પહેલાં 2016માં મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ ગામે રહેતાં શૈલેષ દશરથભાઇ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ નવદંપતિ સંયુક્ત કુંટુંબમાં જ રહેતા હતા. ત્યારબાદ બંને પતિ-પત્ની અમદાવાદ શહેરના નરોડા ખાતે સફલ પ્લાઝામાં રહેતાં હતા. 5 મે, 2018ના રોજ તેઓ યુરોપ ગયા હતા, ત્યાંથી જર્મની ગયા હતા. છેલ્લે પેરિસમાં તેઓ રહેતા હતા. દરમિયાનમાં સાધનાનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ તેમના પરિવારજનોને થઇ હતી. આ અંગેની જાણ થતાં સાધનાના ભાઇ ગૌરવ લાલાધન લાબાડેએ ગાંધીનગર જિલ્લાના વડા સહિત ફ્રાન્સ એમ્બેસી ઉપરાંત ઇન્ડિયન એમ્બેસી તથા મેયર ઓફ ધ પેરીસ ( ફ્રાન્સ ) સમક્ષ અરજી કરી છે.

સાધનાના લગ્ન આજથી છ વર્ષ પહેલાં 2016માં મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ ગામે રહેતાં શૈલેષ દશરથભાઇ પટેલ સાથે થયા હતા
સાધનાના લગ્ન આજથી છ વર્ષ પહેલાં 2016માં મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના દેલવાડ ગામે રહેતાં શૈલેષ દશરથભાઇ પટેલ સાથે થયા હતા

બહેનના સાસરીય વિરૂદ્ધ આક્ષેપ
મૃતકના ભાઇ ગૌરવે સાધનાના પતિ શૈલેષ દશરથભાઇ પટેલ, સસરા દશરથભાઇ પટેલ, સાસુ હંસાબેન દશરથભાઇ પટેલ, યોગેશ દશરથભાઇ પટેલ તેમ જ સુજાનસિંહ સામે કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે મારી બહેન સાધનાને લગ્ન થયા ત્યારથી જ ખૂબ ત્રાસ આપતાં હતા. ત્યાં સુધી કે તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાથી સાધના પેરિસમાં ફ્રાન્સ સરકાર સંચાલિત આશ્રય સ્થાનમાં રહેતી હતી. આ અંગે મારી બહેન સાધનાએ સાસરિયાંઓ વિરુધ્ધ પેરિસમાં ફરિયાદ કરી હતી.

તેમણે વધુમાં અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, મારી બહેનને 12 માર્ચ, 2022નાં રોજ રૂપિયા 1,50,000 મોકલ્યાં હતા. મારી બહેન સાધના મારી માતા શાલીનીબહેન સાથે નિયમિતપણે ફોન પર વાતચીત કરતા હતા. પરંતુ 16 માર્ચ, 2022થી મારી બહેનનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ અંગે અમે મારા બનેવી તેમ જ તેમના માતા-પિતાને પૂછતાં તેઓ કોઇ જવાબ આપતાં ન હતા. દરમિયાનમાં ગઇકાલs 24 મેના રોજ મારા મામાના દીકરા પ્રેમ અશોકના ઇ-મેઇલ પર પેરિસથી એક મેઇલ આવ્યો હતો. જેમાં સાધનાનું મુત્યુ થયું છે. તેના મુત્યુ પાછળનું કારણ જાણવા માટે ફ્રાન્સ પોલીસે ઓટોપ્સી ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપીને તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમને તમારી દિકરી સાધનાનો મૃતદેહ લઇ જવો હોય તો 500 યુરો મોકલી આપવા જણાવ્યું છે.

ગૌરવે બહેનના સાસરીયાઓ સામે કરેલી અરજીમાં પોતાની બહેનનું મૃત્યુ કેવી રીતે થયું, કયા સંજોગોમાં થયું તે અંગે યોગ્ય તપાસ કરવા અને આરોપીઓ સામે પુરાવાઓ મળે તો તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની અરજ કરી છે.

5 મે, 2018ના રોજ તેઓ યુરોપ ગયા હતા, ત્યાંથી જર્મની ગયા હતા.(ફાઈલ તસવીર)
5 મે, 2018ના રોજ તેઓ યુરોપ ગયા હતા, ત્યાંથી જર્મની ગયા હતા.(ફાઈલ તસવીર)

કાયદાકીય જોગવાઇ મુજબ એમ્બેસી સમક્ષ ફરિયાદ કરી છે - સીનીયર એડવોકેટ અયાઝ શેખ
આ અંગે સિનિયર એડવોકેટ અયાઝ શેખે જણાવ્યું છે કે, "અમારા અસીલ ગૌરવે જણાવ્યા મુજબ તેની બહેન સાધનાના લગ્ન ગાંધીનગર સ્થિત દેલવાડ ગામે થયા હતા. લગ્ન બાદ તેને પેરિસ લઇ ગયા હતા. પાંચ વર્ષથી ત્યાં રહેતી હતી. વચ્ચે વચ્ચે તે કહેતી હતી કે, મને સાસરિયાંઓ ત્રાસ આપે છે. દરમિયાનમાં ગૌરવભાઈને ફ્રાન્સ પોલીસે સાધનાના મૃત્યુની જાણ કરવામાં આવી હતી કે સાધનાની બોડી લઇ જાવ અથવા તો 500 યુરો મોકલી આપો તો અમે તેનો મૃતદેહ અમદાવાદ મોકલી આપીએ. પરંતુ અમારા બહેનને સાસરીયાઓએ હત્યા કરી હોવાની અથવા તો તેને આપઘાત કરવા સાસરીયાઓએ મજબૂર કરી હોવાની અમોને શંકા હોવાનું છે. જેથી અમે ભારત બહારનો ગુનો હોવાથી કાયદામાં દર્શાવેલી જોગવાઇને અનુસરીને ફ્રાન્સ એમ્બેસી તેમ જ ઇન્ડિયન એમ્બેસી ( ફ્રાન્સ ) તથા ગાંધીનગર પોલીસ સમક્ષ અરજી કરી છે. કોઝ ઓફ ડેથ જાણવા મળ્યા પછી અમે કાનૂની રાહે કાર્યવાહી કરીશું."

અન્ય સમાચારો પણ છે...