• Gujarati News
  • Local
  • Gujarat
  • The Atmosphere Of Uttarayan In The State Is Frozen, See How Special Decorations Were Made In Many Temples On Makar Sankranti

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:ઉત્તરાયણમાં કયા-કયા નેતાઓ ધાબે ચઢ્યા? મહાપર્વ પર મંદિરોમાં વિશેષ શણગાર, આવતીકાલે પણ ઠંડી રાડ પડાવશે

25 દિવસ પહેલા

રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો

કોરોનાના 3 વર્ષ બાદ લોકો ઉત્તરાયણનો તહેવાર કોઈ પણ નિયંત્રણ વિના ઉજવી રહ્યાં છે. ગુજરાતભરમાં ધામધૂમથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ સાઉન્ડ તેમજ પતંગો સહિતનો તમામ સામાન લઈ પોતાના ધાબા પર પહોંચી ગયા હતા. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં દર વર્ષની જેમ મકરસંક્રાંતિની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. આ ઉજવણી વચ્ચે કોઈ મોટી દુર્ઘટના કે કોઈ વાદવિવાદ ન સર્જાય તે માટે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

ગૃહમંત્રીની ઉત્તરાયણ....

આજે ઉત્તરાયણના તહેવારની મજા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં માણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ તેઓ વેજલપુર વિધાનસભામાં આવેલા વિનસ પાર્ક ફ્લેટમાં પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો, ધારાસભ્યો અને રહીશો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવી હતી. અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ નાસ્તાની મજા પણ માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ વગેરે હાજર રહ્યાં હતા.

પૂર્વ CMએ પતંગ-દોરી સાથે પક્ષને સરખાવ્યો

આજે રાજકોટિયન્સ મકરસંક્રાતિના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવી હતી. સામાન્ય લોકોની સાથે સાથે નેતા અને સેલિબ્રિટીઓએ પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી મિત્રો અને પરિવાર સાથે કરી હતી. ત્યારે રાજકોટમાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પતંગ-દોરી સાથે ભાજપ પક્ષને સરખાવીને જણાવ્યું હતું કે, 'પતંગ નેતૃત્વનું પ્રતીક છે, ભાજપમાં પતંગ-દોરો-માંજો બધું બંધાયેલું છે.'

બાળકી બની ચાઈનીઝ દોરીનો શિકાર

સમગ્ર ગુજરાતમાં આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે ઉતરાયણ પર્વ પર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ થતા વિસનગરમાં ચાઈનીઝ દોરીના કારણે એક 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેમાં 3 વર્ષની બાળકીને એના માતા લઈને આવતા હતા. જ્યાં ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 3 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો અને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીની લોકોને અપીલ

સુરતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. એવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ પૂજન કરીને ઉતરાયણ મનાવી હતી. એ પછી હર્ષ સંઘવીએ પરિવાર સાથે રીવ્યુલેટ બિલ્ડીંગમાં પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં હર્ષ સંઘવીએ હતું કે 'ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ દોરાનો ઉપયોગને કારણે લોકો ના જીવ જોખમ માં મુકાઈ છે અને કેટલાક લોકો તો એવા હોય છે જે દોરીમાં કાચના ટુકડા નખાવે છેઅને એ કારણે પણ લોકો જીવ ગુમાવે છે. તો મારી ગુજરતના લોકોને વિનંતી છે કે આવા ચાઈનીઝ દોરોનો ઉપયોગ કરીને લોકોના જીવ ના પેચ ન કાપો. આ ખુશીના તહેવારમાં એકબીજા સાથે પેચ લડાવવાના ચક્કરમાં બીજા કોઈના વ્યક્તિના જીવનનો પેચ ન લડાવતા. આ સિવાય ઉતરાયણ માં રોડ રસ્તામાં વચ્ચે પડેલો દોરો જોવા મળે તો માણસાઈ બતાવીને તેને ઉંચકી સાઈડમાં મૂકી દેવો જોઈએ. આમ કરવાથી ઘણા લોકોનો જીવ બચી શકે છે.'

ઉત્તરાયણ પર ગુજરાતનાં મંદિરોમાં વિશેષ શણગાર

આજે મકરસંક્રાંતિના પર્વ પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાગી લાઈનો લાગી હતી. ત્યારે આજે ભગવાન જગન્નાથનો વિશેષ શણગાર કરાયો છે. ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શણગાર કરાયો છે. બહેન શુભદ્રા અને ભાઈ બલરામને પણ સોનાનો શણગાર કરાયો છે. આ સિવાય મકરસંક્રાંતિના ખાસ પર્વ નિમિતે બોટાદના સારંગપુરમાં હનુમાનજી વિશેષ શણગાર કરવામાં આવ્યા. પતંગોના આ પર્વમાં બોટાદના સારંગપુરમાં હનુમાનજીના સિંહાસનને પતંગોથી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યું અને એ સાથે ચીકી, મમરાના લાડુ, તલના લાડુ સહિતનો ભોગ ધરાવાયો હતો. રંગબેરંગી પતંગોથી દાદાનું સિંહાસન ઝળહળી ઉઠ્યું. તો મહેમદાવાદની પવિત્ર વાત્રક નદી કિનારે આવેલ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર 1100 પતંગ- ફિરકીનો શણગાર કરવામાં આવ્યો. ભગવાન ગજાનંદના મંદિર પરિસરમાં 1100 પતંગ- ફીરકી શણગારાઈ અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં પણ મકરસંક્રાંતિના પર્વ પર મહાદેવના વિશેષ શણગાર કરવામાં આવ્યો. આ સિવાય મકરસંક્રાંતિના ખાસ પર્વ નિમિતે રાજકોટ પાસે આવેલ ચોટીલાના ચામુંડા માતાજીનો પણ પતંગો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો. સોમનાથ મંદિરથી 4 કિલોમીટર દૂર આવેલ ભાલકા તીર્થ મંદિરમાં પણ પતંગોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

મકરસંક્રાંતિ ટાણે ફરી વળ્યું ઠંડીનું મોજુ

મકરસંક્રાંત ટાણે ઠંડીનું મોજુ ફરી વળ્યું. ગુજરાતમાં એક રાતમાં તાપમાનમાં 5 સે. સુધીનો ઘટાડો નોંધાયો છે. હજુ 3 સે.સુધીનો ઘટાડો સંભવિત કહેવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસમાં તાપમાન હજુ વધુ ૨થી 3 સે. ઘટવાની અને અનેક સ્થળો પર પારો 10 સે.થી નીચે ઉતરવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અગાશીએ ખુલ્લામાં જવાનો તહેવાર ઉત્તરાયણ ટાણે જ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ધ્રૂજાવી દેતા ઠંડાગાર પવનો ફરી વળતા તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં આજે સૌથી નીચું 4.4 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. કાશ્મીર, હિમાલય સિવાય દેશના પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. કચ્છના ભૂજમાં આજે 9.2 સે. સાથે કોલ્ડવેવ ફરી વળ્યો હતો અને આ સ્થિતિ મકરસંક્રાંત અને વાસી ઉત્તરાયણ એટલે કે તા.૧૪, ૧૫ બન્ને દિવસો જારી રહેવાની આગાહી થઈ છે અને તેની અસર સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત પર પણ પડશે.

અન્ય સમાચારો પણ છે...