• Gujarati News
  • Local
  • Gujarat
  • Team India's Grand Celebration Of Dhuleti, Important News For Class 10 12 Students, Surge In Corona Cases After Holi

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, રાજકોટના દારૂડિયાઓએ દીવમાં ખેલ કર્યો, અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું હટકે હોળી સેલિબ્રેશન

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં કરી ધુળેટીની ધમાલ

અત્યારે હોળીનું પર્વ છે. દેશભરમાં અત્યારે લોકો જુદા જુદા રંગોથી તહેવાર ઊજવી રહ્યા છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ પણ અમદાવાદમાં રંગોથી આ તહેવારની ઊજવણી કરી હતી. ટીમ ઈન્ડિયાના પ્લેયર્સે ગઈકાલે પ્રેક્ટિસ સેશન પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ ફર્યા ત્યારે બસમાં હોળી રમી હતી અને હોટલ પર પહોંચીને પણ સેલિબ્રેશન ચાલુ રાખ્યું હતું. ઓપનર શુભમન ગિલે સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. શુભમન ગિલે જે વીડિયો શેર કર્યો છે, જેમાં ગિલની પાછળ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ડાન્સ કરતા નજર આવે છે. તો તેમની પાછળ કેપ્ટન રોહિત શર્મા પણ દેખાય છે, જેમણે ગિલનો વીડિયો બનાવતા જોઈને બન્ને પર ગુલાલ ઉડાડ્યો હતો. ટીમના અન્ય પ્લેયર્સ પણ બસમાં જ એકબીજા પર ગુલાલ ઉડાડતા નજરે આવે છે.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હોલ ટિકિટ વગર પરીક્ષા આપવા મામલે શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે. હોલ ટિકિટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં. પરીક્ષા માટે હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ હોવાનું શિક્ષણ બોર્ડે જણાવ્યું છે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીની હોલ ટિકિટ મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે હોલ ટિકિટ વિના વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશશે નહી તેમજ હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ હોવાનું જણાવ્યું છે તેમજ આ બાબતની નોંધ ગંભીરતાપૂર્વક લેવા આચાર્યોને આદેશ કર્યા છે.

હોળીના તહેવાર ટાણે જ કોરોનાના કેસોમાં ફરી વધારો

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. એક બાજુ, શરદી-ખાંસીના કેસો વધી રહ્યા છે. દવાઓ લીધા બાદ પણ દિવસો સુધી લોકોને છુટકારો મળ્તો નથી. ત્યારે હોળીના તહેવાર ટાણે જ કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ 15 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે અમરેલી-રાજકોટમાં 2-2 કેસો નોંધાયા છે. અમદાવાદ, બોટાદ, મહેસાણા, રાજકોટ શહેર, સાબરકાંઠા, વડોદરા શહેરમાં 1-1 કેસ નોંધાયા છે, જ્યારે 6 દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે.

ગુજરાત ATS-કોસ્ટગાર્ડને સફળતા

ભારતના યુવાનોને બરબાદી તરફ ધકેલવાના કારસાને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે નિષ્ફળ બનાવ્યો છે. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા 61 કિલોગ્રામ માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. મધદરિયે પાર પાડેલા આ ઓપરેશનમાં શંકાસ્પદ બોટમાં લવાઈ રહેલા માદક પદાર્થ પાકિસ્તાનના પશની બંદર પરથી લાવવામાં આવી રહ્યો હતો, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 425 કરોડ રૂપિયા થાય છે.

ફાયર સેફ્ટી મુદ્દે AMC ખાડે ગયું!

પાર્કિંગ સમસ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ વિસ્તારોમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યાં છે, જેમાં પૂર્વ વિસ્તારમાં કાંકરિયા ખાતે રૂપિયા 28 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગની ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ હોવાનું દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગની ફાયર NOC પણ છેલ્લા એક વર્ષથી રિન્યૂ કરવામાં આવી નથી. ફાયરનાં જેટલાં પણ સાધનો મલ્ટીલેવલ પાર્કિંગમાં લગાવેલાં છે એ કાટ ખાઈ ગયાં છે. એને છેલ્લાં કેટલાંય વર્ષથી જોવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગ ખાનગી કોન્ટ્રેક્ટરને ચલાવવા માટે આપી દેવામાં આવ્યો છે. કોન્ટ્રેક્ટર દ્વારા આ ફાયર ફાઈટિંગ સિસ્ટમ કાર્યરત છે કે કેમ? એનું ધ્યાન રાખવામાં આવ્યું નથી, જેથી ક્યારેય પણ જો આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ જ થઈ શકે એમ નથી.

દારૂડિયાઓએ આખો વિસ્તાર માથે લીધો

આજે દીવમાં 2 રાજકોટિયન યુવકે નશાની હાલતમાં સરકારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી પોલીસ જોડે હંગામો કર્યો હતો. રસ્તા પર ગાળાગાળી કરીને બબાલ કરતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. એને કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી હતી. સ્વિફ્ટ કારના બંને શખસે નશાની હાલતમાં મેઈન રોડ પર પોલીસ સાથે હંગામો કર્યો હતો, જેથી મુખ્ય રોડ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બંને શખસ રાજકોટના રહેવાસી છે. આ બંને ખુલ્લેઆમ ટ્રાફિક વચ્ચે ભૂંડી ગાળો આપતા નજરે પડ્યા હતા. એક કલાક સુધી બોલાચાલી ચાલુ રહી હતી. ત્યાં રહેલા લોકો પણ આ તમાશાને મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. આ શખસોને PCR કારમાં દીવ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોલેજમાં યુવતી સાથે મિત્રતામાં હત્યા

અમદાવાદની આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રિન્સ નામના વિદ્યાર્થીને ખુશી નામની યુવતી સાથે મિત્રતા હતી, જે સાગર નામના યુવકને ગમતું નહોતું, જેથી તેણે અગાઉ પ્રિન્સને ધમકી પણ આપી હતી. જ્યારે ગઈકાલે પ્રિન્સ કોલેજની બહાર હતો ત્યારે સાગરે પ્રિન્સને છરીના ઘા માર્યા હતા, જેથી પ્રિન્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે પ્રિન્સનું મોત થયું છે. સમગ્ર મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...