નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 22 જુલાઈ, અષાઢ સુદ તેરસ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, આગામી સપ્તાહે ધોરણ 9થી 11ની સ્કૂલો શરૂ કરવા પર ચર્ચા અને રૂપાણી સરકારનાં 5 વર્ષની ઉજવણી અંગે પરામર્શ થશે.
2) અમદાવાદ, ગાંધીનગર વડોદરા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, બનાસકાંઠા અને આણંદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે.
3) કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો જંતરમંતર ખાતે વિરોધપ્રદર્શન કરશે.
4) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષા આજથી શરૂ થશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) હાઇકોર્ટની મંજૂરી બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા, કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરાશે
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે સર્જાયેલા વિવાદમાં છેવટે પત્નીના પ્રેમની જીત થઇ છે અને હાઇકોર્ટની મંજૂરી બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૃત્યુશય્યા પર પડેલા પતિના સ્પર્મ લેવાયા છે. જોકે કોર્ટના આદેશ બાદ IVFની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર
2) મોદી-શાહના ગઢમાં TMCની એન્ટ્રી, મમતા બેનર્જીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં અમદાવાદના કાર્યકર્તાઓ જોડાયા, શહેરમાં બેનરો લાગ્યાં
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તો એન્ટ્રી થઈ ગઈ છે. 2022ની ચૂંટણી અગાઉ હવે TMCની પણ એન્ટ્રી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જે અમદાવાદમાં TMCના કાર્યકરોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. અત્યારસુધીમાં પ્રથમ વખત TMCનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો છે, જે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ સંકેત છે.
વાંચો સમાચાર વિગતવાર
3) છોટાઉદેપુરના ચિલિયાવાંટમાં બે પરિવારે મળીને પ્રેમી-પ્રેમિકાને વૃક્ષ સાથે બાંધીને ઢોરમાર માર્યો, વીડિયો વાઇરલ થતાં 9 આરોપીની ધરપકડ
આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચાર અને તાલિબાની સજા આપતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ચિલિયાવાંટ ગામનો આવો જ એક વીડિયો વાઇરલ થયો છે. આ ગામનાં યુવક-યુવતીને પ્રેમસંબંધ હતો, પરંતુ પરિવારોને આ સંબંધ મંજૂર નહોતો, જેને લઈને બન્ને પરિવારોએ ભેગા થઈને યુવક-યુવતીને સરગવાના વૃક્ષ સાથે દોરડા વડે બાંધીને તાડના લાકડાથી બેરહેમીથી માર માર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
4) ચીખલીમાં ચોરી કેસના બે શંકાસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાધો, આરોપીઓનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પંચનામું
ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. બન્ને શંકામદને સેલમાં નહીં પણ પોલીસ સ્ટેશનના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમણે વાયરથી ગળેફાંસો ખાધો હતો.
વાંચો સમાચાર વિગતવાર
5) રાજ કુંદ્રા વિશે નવા ખુલાસા; મોડલને નશીલી દવા પીવડાવી પોર્ન ફિલ્મ બનાવાતી, બંગલાનું એક દિવસનું ભાડું રૂ.20 હજાર રહેતું
રાજ કુંદ્રાની ધરપકડ બાદ એક પછી એક સનસનાટીભર્યા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે 20 વર્ષીય સ્ટ્રગલિંગ એક્ટ્રેસને ટાર્ગેટ કરી તેને કોન્ટ્રેક્ટની જાળમાં ફસાવીને ફિલ્મમાં કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. જે બંગલામાં મુંબઈ પોલીસે રેડ પાડી હતી એ બંગલો રાજ કુંદ્રાની ટીમે દૈનિક 20 હજાર રૂપિયાના ભાડેથી લીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર
6) સંઘ-પ્રમુખનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન; ભાગવતે કહ્યું- 1930થી મુસ્લિમોની વસતિ વધારવામાં આવી, કેમ કે ભારતને પાકિસ્તાન બનાવવાનુ હતું પણ ભાગલા પડી ગયા
બે દિવસની આસામ મુલાકાત દરમિયાન સંઘ-પ્રમુખ મોહન ભાગવતે હવે મુસ્લિમો અને પાકિસ્તાન પર નવું નિવેદન આપ્યું છે. સંઘ-પ્રમુખે કહ્યું હતું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેમણે કહ્યું હતું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ રીતે સફળ ન થઈ, પણ ભાગલા પડીને પાકિસ્તાન બની ગયું.
વાંચો સમાચાર વિગતવાર
7) સીરો સરવે બાદ સરકારની એડવાઇઝરી જાહેર; વેક્સિનેશનના બંને ડોઝ લીધા પછી જ પ્રવાસ કરવો, 32% લોકો હાઇ રિસ્ક કેટેગરી હેઠળ
દેશમાં અંદાજે 67.6% ભારતીયોએ SARS-COV-2 વિરુદ્ધ એન્ટિબોડી વિકસિત કરી લીધી છે. એનો અર્થ એવો થાય 50 ટકા કરતાં વધુ લોકો કોરોના સામે લડવામાં સક્ષમ થઈ ચૂક્યા છે. સરકારના ચોથા સીરો સરવેમાં આ વાતનો ઘટસ્ફોટ થયો છે. કોરોનાથી સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય મંત્રાલયે મુસાફરી વિશેની ગાઈડલાઈન્સ રજૂ કરી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે ફુલ વેક્સિનેટેડ વગર મુસાફરી ટાળવી જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ચીનમાં ભારે પૂરથી સર્જાઈ તબાહી; 24 કલાકમાં 18 ઈંચ વરસાદ, 12નાં મોત; 2 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા.
2) રાજસ્થાનના બિકાનેરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, મેઘાલય રાજ્ય અને લદાખમાં પણ ધરતી ધ્રૂજી ઊઠી.
3) શિલ્પાનો પતિ રાજ કુંદ્રાની નવી WhatsApp ચેટમાં ઘટસ્ફોટ, મોડલ્સ-એક્ટ્રેસિસ પાસે લાઇવ ટેલિકાસ્ટ કરાવતો હતો.
આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે બંધારણ સભાએ એ સમયે ઉપયોગમાં રહેલા તિરંગાને કેટલાક ફેરફારો સાથે મંજૂરી આપી હતી.
અને આજનો સુવિચાર
વિચાર વિના શીખવું એ મહેનત બરબાદ કર્યા જેવું છે, વિવેક વિના વિચારવું એ ભયજનક છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.