CCTVમાં જુઓ બ્રિજ તૂટવાનો LIVE VIDEO:30 સેકન્ડનો વીડિયો, 15મી સેકન્ડે સર્જાયું મોતનું તાંડવ; સરકારી આંકડા મુજબ 134નાં મોત

3 મહિનો પહેલા

એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા. જુઓ સીસીટીવીમાં કે રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા. અત્યારે હાલ સરકારી આંકડા મુજબ મૃત્યુઆંક 134એ પહોંચ્યો છે, જ્યારે ઘણાં લોકો ગુમ છે. હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

આ ઝૂલતો પુલ શા માટે તૂટી ગયો?
આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. 100 લોકોની કેપેસિટી હોય અને 500થી વધુ લોકો ચઢી જાય તો શું થાય?

ઘટનાની તપાસ માટે 5 સભ્યની કમિટી

  • રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
  • કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
  • ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
  • સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન
  • સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

વર્ષ 1879માં પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું

આ બ્રિજ એક સમયે આખા સૌરાષ્ટ્રની શાન ગણાતો. આ પુલનું બાંધકામ યુરોપિયન શૈલીનું હતું. મહારાજા વાઘજી ઠાકોરે તેનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પૂલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે. 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...