ગુજરાત બજેટ:સરકારે શિક્ષણ માટે રૂ. 32,719 કરોડની ફાળવણી કરી, યુવા સ્વાવલંબન યોજનામાં મોટો કાપ

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવા બજેટમાં વિદ્યાર્થીને સ્પર્શતી નવી બાબતનો શમાવેશ નહિ
 • મોટાભાગની હાલ કાર્યરત યોજના માટે જ થઇ નાણાની ફાળવણી

ગુજરાત સરકારે વર્ષ 2021-22 માટેના બજેટમાં શિક્ષણ વિભાગ હેઠળ મોટી અને સીધી વિદ્યાર્થીને સ્પર્શે તેવી નવી યોજના જાહેર નથી કરવામાં આવી. ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે રૂ. 32,719 કરોડની ફાળવણી કરી છે. જોકે જે શિક્ષણ ક્ષેત્રે જાહેરાત થઇ છે, તેમાં લગભગ તમામ યોજના હાલ કાર્યરત છે. ગત વર્ષે શિક્ષણ વિભાગનું બજેટ 31,955 કરોડ હતુ.

યુવા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે નિરાશા
આ બજેટમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે યુવાનો માટે સૌથી મહત્વની અને આર્થિક રીતે ખૂબ મદદરૂપ સાબિત થતી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે મોટા પ્રમાણમાં કાપ મુકવામાં આવ્યો છે. આ વર્ષે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માટે રૂ. 289 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં ગત વર્ષે રૂ. 935 કરોડની જોગવાઈ હતી. ગત વર્ષે બજેટમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ હતો, જોકે આ વર્ષે તેમનો ઉલ્લેખ નથી. આ યોજના અંતર્ગત મહત્તમ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ લાભ લેતાં હોય છે, જેમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફિ, હોસ્ટેલ ફિ અને ભોજન માટેની સહાય આપવામાં આવે છે. બીજી તરફ આ બજેટમાં અલગથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 19 લાખ વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે પાઠ્ય પૂસ્તક આપવા માટે રૂ. 65 કરોડની જોગવાઇ કરાઇ છે.

હેરિટેજ સ્કુલ કલ્ચર
આ બજેટમાં ઐતિહાસિક મહત્વ અને ખાસ વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળઆઓને હેરિટેજ સ્કૂલ વિકસાવવા માટે નવીનીકરણ કરવામાં આવશે, જેની માટે 25 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 100 વર્ષ જૂના વારસગત શાળા કેમ્પસને હેરિટેજ સ્કુલ તરીકે ઓળખવામાં આવશે. આ માટે જીલ્લા શિક્ષણાધિકારી સ્તરેથી શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરવાની રહેશે, જે બાદ જૂના અને ઐતિહાસિક શાળા કેમ્પસનું મરમ્મત કામ કરાશે. આ વર્ષે 20 જેટલા આ પ્રકારના કેમ્પસનું નવીનીકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે. આ સિવાય સંસ્કૃત ભાષા વિકસે અને બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા તથા શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

JEE-NEET તૈયારી માટે વિદ્યાર્થીઓ માટે આનંદો
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કુલના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ શ્રેષ્ઠ મેડિકલ અને એન્જિનરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવાતી NEET- JEE પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તાલિમ મળે તે માટે 20 કરોડ ખર્ચવામાં આવશે. રાજ્યની નિવાસી શાળાઓ તથા ઓનલાઇન શિક્ષણથી જે-તે વિષયના શ્રેષ્ઠ શિક્ષકો મારફતે ભણાવવામાં આવશે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકોને મોટો લાભ થશે. આગામી દિવસોમાં આ યોજનામાં પ્રવેશ માટેના ધારા-ધોરણ જાહેર કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણ પહેલા પા-પા પગલી યોજના
આ બજેટમાં એક સૌથી મહત્વની જોગવાઇ પા-પા પગલી યોજના છે. જોકે આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કરવામાં આવી છે, જેમાં હાલ જે રીતે નર્સરી, જૂનિયર, સિનીયર શાળામાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, એજ રીતે રાજ્યની 53 હજાર આંગણવાડીમાં પા-પા પગલી કાર્યક્રમ ચલાવવામાં આવશે, આ કાર્યક્રમ થકી 16 લાખ બાળકોને લાભ મળે તે લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે. આ માટે આંગણવાડી બહેનોને ખાસ તાલિમ આપવામાં આવશે. બાળક પહેલા ધોરણમાં જતા અગાઉ માનસિક રીતે તૈયાર થાય, તે માટે ત્રણ વર્ષના બાળકને પ્રવેશ આપવામાં આવશે, જે માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 • 1 કિમી દૂર શાળા હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન માટે આ વર્ષે 60 કરોડ, ગત વર્ષે 66 કરોડ હતા
 • ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જોગવાઇ
 • કસ્તુરબા ગાંધી, મોડેલ અને આશ્રમ શાળા માટે 80 કરોડ, ગત બજેટમાં માત્ર કસ્તુરબા શાળા અને હોસ્ટેલ માટે 85 કરોડ હતા
 • મધ્યાહન ભોજન, અંન્ન સંગમ, સૂખડી, સંજીવની દૂધ યોજના માટે 1044 કરોડ, ગત વર્ષે માત્ર મધ્યાહન અને અંન્ન સંગમ માટે હતા 980 કરોડ
 • રાઇટ ટુ એજ્યુકેશન માટે 569 કરોડ, ગત વર્ષે હતા 550 કરોડ
 • ૩૪૦૦ શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડ
 • P.hd અભ્યાસ સંદર્ભે શોધ શિષ્યવૃતિ યોજના માટે 20 કરોડ અને કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 200 કરોડની ફાળવણી
 • 14 લાખ સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઇ
અન્ય સમાચારો પણ છે...