ગુજરાતનો ચૂંટણી જંગ:વાંચો ભાજપ-કોંગ્રેસ-AAPના ઉમેદવારોની યાદી એક ક્લિક પર... સાથે એનાલિસિસ પણ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે દરેક પાર્ટીએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીમાં બે દિવસના મહામંથન પછી ભાજપે એક સાથે તેમના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કર્યાના બે દિવસ પછી જ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. ઉમેદાવરોના નામ જાહેર કરવામાં આમ આદમી પર્ટી સૌથી આગળ રહી છે. ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત નહતી કરી તે પહેલાથી જ આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. AAPએ અત્યાર સુધીમાં 14 યાદી જાહેર કરીને કુલ 180 ઉમેદવારોના નામની દાહેરાત કરી દીધી છે. હજી સુધી કોઈ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ AAPએ તો તેમના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની પણ જાહેરાત કરી દીધી છે. તો આવો જોઈએ અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ઉમેદવારોના નામની યાદી....

વાંચો ભાજપના 160 ઉમેદવારોની યાદીનું એનાલિસિસ

નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા તે પછી ગુજરાતમાં સત્તા તો ભાજપની રહી છે પરંતુ આઠ વર્ષમાં સરકાર કદી સ્થિર રહી શકી નથી. આનંદીબેનને પાટીદાર આંદોલન નડ્યું તો વિજય રૂપાણીએ કોવિડ મિસમેનેજમેન્ટનો ભોગ બનવું પડ્યું. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની કામગીરી પણ અમુક મંત્રીઓના બફાટને લીધે સતત વિવાદમાં રહી. આવામાં ભાજપે 2022ની ચૂંટણી માટે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેનો ઉદ્દેશ પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર આપવાનો હોય તેમ લાગે છે. જેમાં યુવા નેતાગીરીને પ્રમોટ કરવાની સાથે જ્ઞાતિનાં સમીકરણને પણ ખૂબીપૂર્વક સાચવી લેવામાં આવ્યા છે.

પાટીદાર-બ્રાહ્મણ-ક્ષત્રિય-મહિલાઓનું નોંધપાત્ર પ્રતિનિધિત્વ
ભાજપે જે 160 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં 39 પાટીદાર, 6 બ્રાહ્મણ અને 3 અનાવિલ મળીને કુલ 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા તથા 6 ક્ષત્રિયોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આમ આ યાદીમાં દરેક સમુદાયના નેતાઓને યોગ્ય રીતે આવરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમુદાયના નેતાઓને પણ નોંધપાત્ર સંખ્યામાં ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જ્ઞાતિનાં સમીકરણોને સાચવી લેવામાં આ યાદીમાં ખૂબ કાળજી રાખ્યાનું દેખાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં જૂનાજોગીઓ ઘરભેગા, નવા ચહેરાને સ્થાન
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપે મોટાભાગના નવા ચેહરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. ભાજપે વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં તો ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરી ભાજપે આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. આમાં ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ), ડો. દર્શિતા શાહ (રાજકોટ પશ્ચિમ) તથા રમેશ ટીલાળાનો (રાજકોટ દક્ષિણ) સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને આ વખતે સાચવી લેતા ટિકિટ આપી છે. જામનગરમાં રિવાબા જેવો યંગ ચહેરો લાવીને ભાજપે પૂનમ માડમને પણ સાચવી લીધા છે.

અમદાવાદમાં 3, રાજકોટમાં 2, સુરત-વડોદરામાં 1 મહિલાને ટિકિટ
ભાજપે આ વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે જ અમદાવાદમાં ગત વખતે જ્યાં એકેય મહિલાને ટિકિટ નહોતી મળી ત્યાં આ વખતે 3 મહિલાને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ 2 મહિલાને ઉમેદવારી અપાઈ છે. જ્યારે સુરત અને વડોદરા શહેરની ટિકિટ ફાળવણીમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ચૌધરી-ઓબીસીનું બેલેન્સ કર્યું
ગત ચૂંટણીમાં ભાજપ માટે ઉત્તર ગુજરાતમાં મોટી પછડાટ જોવા મળી હતી. અહીં પાટીદાર આંદોલન ભાજપને ખૂબ નડી ગયું હતું અને સામે ચૌધરી તથા ઓબીસી પણ ભાજપથી નારાજ હતા. આ સ્થિતિમાં ભાજપે એ ભૂલ પરથી બોધપાઠ લઈને પ્રતિષ્ઠિત તેમજ ચૌધરી-ઓબીસીનું વ્યવસ્થિત સમીકરણ ગોઠવનારા ઉમેદવારોને સિલેક્ટ કર્યા છે. બનાસકાંઠામાં તો વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર એમ સાતેય બેઠક પર ઉમેદવાર બદલી નાંખ્યા છે. જ્યારે સિદ્ધપુરમાં બળવંતસિંહને અને ઊંઝાથી કિરીટ પટેલને ટિકિટ આપી છે.

કોંગ્રેસમાંથી આવેલાના પણ સૌરાષ્ટ્રમાં સાચવ્યા
સૌરાષ્ટ્રમાં પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપીને બેઠકો સિક્યોર કરી છે. આમાં કુંવરજીભાઈ બાવળિયા, જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. અહીં તો જૂના જોગીઓ નારાજ ન થાય તે માટે પહેલેથી જ તેમની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હતા. આ જૂનાજોગીઓને જ નવા ચહેરાઓને જિતાડવાની જવાબદારી પણ સોંપી છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ તેનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી કક્ષાના ઉમેદવારને કાપી નાખ્યા છે.

વાંચો કોંગ્રેસના 43 ઉમેદવારોની યાદીનું એનાલિસિસ

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. 4 નવેમ્બરે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત 3 નવેમ્બરે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને બીજા જ દિવસે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.

કોંગ્રેસની દક્ષિણ ગુજરાતમાં ખરાબ હાલત તો નહીં જ થાય એવાં એંધાણ
દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરની જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એમાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે મારા તારાને બાદ કરતાં જે પ્રોપર ઇલેક્શન લડી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સુરતમાં ઓલપાડ બેઠક પરથી દર્શન નાયક હોઈ વરાછા બેઠક પરથી પ્રફુલ તોગડિયા હોય, કતારગામ બેઠક પરથી કલ્પેશ વેકરિયા ખૂબ જ યુવા નેતા છે અને કોર્પોરેશન દરમિયાન તેમના સાથી પેનલના કોર્પોરેટરો કરતાં તેમને ખૂબ સારા મત મળ્યા હતા. દર્શન નાયક પણ લડાયક મિજાજી ધરાવે છે અને પ્રફુલ તોગડિયાનું નામ ખૂબ જ જાણીતું હોવાને કારણે કમસે કમ કોંગ્રેસની હાલત ખરાબ ન થાય એ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. સુરત પશ્ચિમ બેઠક પરથી સંજય પટવાને રડાવવામાં આવી રહ્યા છે. જે સીટ જીતવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ અન્ય કોઈ ઉમેદવારને લડાક કરતાં એક સિનિયરને વધારે મેદાનમાં જૈન કોમ્યુનિટીના હોવાને કારણે ઉતારવામાં આવ્યા છે.

આદિવાસી પટ્ટા સહિતના વિસ્તારોમાં મહિલા ઉમેદવારોને સ્થાન
મહુવામાં હેમાંગી પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસમાં કાયમ વહાલા દવલાની નીતિને કારણે જે લડાયક અને સારી રીતે ચૂંટણી લડી શકે એવાં નામો આવતાં ન હતાં, પરંતુ આ વખતે અભ્યાસ કર્યા બાદ ટિકિટ ફાળવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ડાંગ, કપરાડા મહુવા જેવા આદિવાસી વિસ્તારોની અંદર કોંગ્રેસ દ્વારા આ વખતે સેન્સ લીધા બાદ યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપ્યો હોવાનું દેખાઈ રહ્યો છે. પારડી, બારડોલી, મહુવા બેઠકો પર ત્રણ મહિલાને ઉતારવામાં આવે છે. મહુવા બેઠક માટે હેમાંગીબેન પટેલને ખૂબ જ મજબૂત કોંગ્રેસના લીડર માનવામાં આવે છે, જે પરિણામ લાવી શકે છે. ગતિ વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી તુષાર ચૌધરી હારી ગયા હતા, પરંતુ એવી જ વાત સ્પષ્ટ હતી કે જો હેમાંગી પટેલની ટિકિટ આપવામાં આવ્યું હોત તો એ બેઠક પણ જીતી શકાય તેમ હતી. કપરાડામાં વસંત પટેલ એ કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે અને તેઓ આ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે અને રાજકીય રીતે પણ ખૂબ જ સક્રિય છે.

વડોદરાની ચાર બેઠક પરના ઉમેદવાર જાહેર
વડોદરાની સયાજીગંજ બેઠક અમી રાવતને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમી રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના નેતા છે. તેઓ શહેરમાં ભાજપની લહેર વચ્ચે પણ કોર્પોરેશનમાં ચૂંટણી આવ્યા છે. અમી રાવતના પતિ નરેન્દ્ર રાવત પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અકોટા બેઠક પરથી ઋત્વિજ જોશીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસપ્રમુખ અને યુવા નેતા છે. તેઓ છેલ્લા દોઢ દાયકા કરતાં વધુ સમયથી સક્રિય રાજકાણ ક્ષેત્રે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમજ એમ.એસ. યુનિવર્સિટીમાં કોંગ્રેસની ભગિની સંસ્થા NSUIના પ્રેસિડેન્ટ તરીકે પણ હતા. રાવપુરા બેઠક પર કોંગ્રેસ સંજય પટેલ (SP)ને ઉમેદવાર બનાવ્યા છે. જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જ્યારે માંજલપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તસ્વીન સિંગ લોકો માટે નવું નામ છે.

ધમભાઈ ઉત્તર ગુજરાતને જોડતો પાટીદાર ચહેરો
અમરાઇવાડી વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરેલા ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ કોંગ્રેસ જ નહીં, બલકે સ્થાનિક વિસ્તારમાં ધમભાઇ તરીકે જ ઓળખાય છે. મતલબ કે તેમનું ઉપનામ ધમભાઈ છે. તેઓ પાટીદારનો ચહેરો છે. ઉત્તર ગુજરાતના પાટીદારો સાથે સીધા સંકળાયેલા છે. એમાં લોકપ્રિય છે. અમરાઇવાડી વિસ્તારની 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઝુંકાવ્યું હતું. બિલ્ડર લોબીમાંથી આવતાં ધમભાઇએ ભાજપના હરીફ ઉમેદવાર જગદીશ પટેલને બરોબરની ટક્કર આપી હતી, જેને કારણે આ ચૂંટણી રસાકસીભરી રહી હતી. ભાજપના ઉમેદવારે 48, 657 મત મેળવ્યા હતા. તેની સામે ધમભાઇએ 43,129 મતો મેળવ્યા હતા. મતલબ કે 5,528 મતોથી તેમની હાર થઇ હતી. જેથી કોંગ્રેસે તેમને રિપીટ કર્યા છે.

વાંચો આમ આદમી પાર્ટીના 167 ઉમેદવારોની યાદીનું એનાલિસિસ

ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીએ 14 યાદી જાહેર કરીને 180 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આમ આદમી પાર્ટીએ તો તેમના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની પણ જાહેરાત કરી દીધી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આ વખતે જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે, અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ ઠેકઠેકાણે સભાઓ ગજવી રહ્યા છે. આપ નેતાઓની તાજેતરની મંદિરોની મુલાકાતને જોડીને જુએ છે અને તેના આધારે એવા ક્યાસ કાઢે છે કે કેજરીવાલ 'સૉફ્ટ હિંદુત્વ'ના સહારે ચૂંટણી જીતવા માગે છે.

આમ આદમી પાર્ટી હિન્દુવિરોધી હોવાના ગુજરાતમાં અગાઉ પોસ્ટર પણ લાગ્યાં હતાં, ત્યાર બાદ વડોદરામાં યોજાયેલી સભામાં કેજરીવાલે પોતાને 'કટ્ટર હનુમાનભક્ત' ગણાવ્યા હતા. તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં હિંદુ ધાર્મિકસ્થળોની મુલાકાત લીધી હતી, એ વખતે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આપ હિંદુત્વનું કાર્ડ રમી ચૂંટણી જીતવા મથી રહી છે.

અન્ય સમાચારો પણ છે...