હજુ કેટલા દિવસ રહેશે માવઠું?
ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસશે. આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા તો આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ અને ડાંગમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદને લઈ ત્રણ દિવસ તો તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ ત્યારબાદ 10 માર્ચથી તાપમાનનો પારો 3 ડિગ્રી વધી શકે છે.
રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકસાનના સર્વે માટે કર્યા આદેશ
રાજ્યભરના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાબકેલા કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે ડુંગળી-બટાકાના ભાવ મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, 'ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામાં આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂતદીઠ વધુમાં વધુ 500 કિલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.' મહત્ત્વનું છે કે, ગત 14 ફેબ્રુઆરીથી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે લાલ ડુંગળી માટે સરકારે આ જાહેરાત કરી છે.
ધારાસભ્યો અને મંત્રીઓએ એકબીજાને લગાવ્યો રંગ
આજે વહેલી સવારે 9 કલાકે વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી. જે બાદ તમામ ધારાસભ્યોએ આજે પડતર દિવસે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં પહોંચ્યા હતા. ધારાસભ્યો અને મંત્રીઓએ એકબીજાને કલર લગાવીને ધુળેટીની ઉજવણી કરી હતી. તો આ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તલવારની જેમ લાકડી ફેરવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યો પિચકારી લઈને એકબીજાની પાછળ દોડતા જોવા મળ્યા હતા. ધુળેટીના પર્વને લઈને તમામ ધારાસભ્યો અને મંત્રીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ રંગે રંગી નાખ્યા હતા. પક્ષાપક્ષીને બાદ રાખીને તમામ ધારાસભ્ય એકસાથે પ્રથમવાર એક જ સ્થળે હોળીની ઉજવણી કરી હતી. ધુળેટીની ઉજવણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, ઈતિહાસમાં પ્રથમ વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
GPSCની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની આતુરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી 2, 9 અને 16મી એપ્રિલે GPSCની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે. 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. 9 એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 29 જાન્યુઆરી 2023ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જે હવે 09 એપ્રિલ 2023ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.
જયસુખ પટેલને વધુ એક ઝટકો
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને વધુ એક વખત મોટો ઝટકો લાગ્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલના જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પીડિતોને સહાય ચૂકવવાના આદેશ બાદ જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જો કે મોરબીની ડિસ્ટ્રિકટ અને સેસન્સ કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. એક મહિના કરતાં વધુ સમયથી જયસુખ પટેલ જેલમાં બંધ છે. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં આજે જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ પૂર્વે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.
મેચના પગલે લંબાવાયો મેટ્રોનો સમય
ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો છે. 9 માર્ચે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો દોડશે. મેટ્રો સ્ટેશન પરથી પ્રવાસીઓને દર 12 મિનિટે ટ્રેન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સ્ટેડિયમ પરથી નિહાળવાના છે. ત્યારે 10થી13 માર્ચના રોડ મેટ્રો ફરી રાબેતા મુજબ 7થી રાત્રીના 10 સુધી દોડશે.
કાટીકડા ગામની સીમમાં વીજકરંટ
ભાવનગર જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓનાં મૃત્યુ નીપજ્યાં છે. હાલ આ અંગેની જાણ થતાં મહુવા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનથી વીજકરંટ લાગતા 3 વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં છે. એકસાથે ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.