મોહનથાળ પ્રસાદને બંધ કરવાને લઈને લોકોમાં રોષ
અંબાજી ખાતે મોહનથાળ પ્રસાદને બંધ કરવાની હિલચાલને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં સ્થાનિક લોકો આ મોહનથાળ પ્રસાદ બંધ કરવાની વાતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષોથી પરંપરા ચાલી આવે છે, મોહનથાળ પ્રસાદ વર્ષોથી અંબાજી ખાતે આવનારા લાખો લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ મોહનથાળ પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ આપવાની જે વાત છે તે યોગ્ય નથી. મોહનથાળ પ્રસાદ જ રાખવો જોઈએ તેવી અંબાજીના ભૂદેવ પણ માગ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સતત આ વિવાદ ચાલી રહ્યો છે. મહાપ્રસાદ મોહનથાળ પ્રસાદને લઈ અને લોકોની માગ છે કે, મોહનથાળ પ્રસાદ આપવામાં આવે અને તેને લઈને જે મોહનથાળ પ્રસાદ બંધ કરવાની જે હિલચાલ ચાલી રહી છે, તેની સામે અંબાજીના ભૂદેવો સહિત લોકો પણ વિરોધ કરી રહ્યા છે.
હોળી પર વતન જવા ધસારો
સુરતથી ઉપડતી ટ્રેનમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. યાત્રીઓ જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર બન્યા હતા. હોળી પર વતન જવા ધસારો જોવા મળી રહ્યો છે. પુરી સહિતની ટ્રેનોમાં ભારે અફરાતફરીનો માહોલ સામે આવ્યો છે. તંત્ર ફરીવાર વામણું પુરવાર થયું છે. જેને કારણે યાત્રી જીવના જોખમે બારીમાંથી ઘૂસવા મજબૂર થયા છે. રિઝર્વ કોચમાં ભીડ વધતાં બુકિંગ હોવા છતાં ઘણા યાત્રીઓ રહી ગયા અને બીજી બાજુ મેગા બ્લોક ચાલી રહ્યો છે.
અંબાજી અને દાંતા પંથકમાં માવઠું
હવામાન વિભાગ દ્વારા તારીખ 4થી 6 માર્ચ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે અંબાજી અને દાંતા પંથકમાં કમોસમી માવઠાની શરૂઆત થઈ હતી. તો દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ બે ત્રણ દિવસ વાદળો છવાયેલા રહેશે. ગરમી વધતા તેમજ નોર્થ સાઉથ દિશામાં ઊભા થયેલ ટ્રર્ફ, હવાના હળવા દબાણને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તેમજ હાલમાં ઉત્તર-દક્ષિણ ભારત સુધી ટ્રફ લાઇન પસાર થાય છે. જેની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. તૈયાર થયેલા ઘઉં, ધાણા, સૂકા મરચાં અને જીરાના પાકને લઈ ખેડૂતમાં ભાગદોડ મચી જવા પામી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને જરૂરી માહિતી આપવા માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકારની ચિંતા વધારી
રાજ્યમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ દરમિયાન 15 મી વિધાનસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનકારી નેતા અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકારની ચિંતા વધારી દીધી છે. અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, સરકારી અનાજના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછું મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ફરીયાદથી અનેક સવાલો ઉઠયા છે. અલ્પેશ ઠાકોરે સરકારી અનાજના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછુ મળતું હોવાની ફરિયાદ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, થંબ અને બિલ પણ આપવામાં આવતું નથી.
બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠ્યા
રાજકોટના રૈયા રોડ ઉપર બે વર્ષ અગાઉ જ બનાવવામાં આવેલા ઓવરબ્રિજ પર તિરાડ પડતા બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. તો ગાબડું પડતા બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ કરાઈ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજ પર તિરાડો પડી છે. બે વર્ષ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા આ ઓવરબ્રિજની સાઈડના ભાગમાં તિરાડો અને ગાબડા પડવાની ઘટના સામે આવી છે. જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઓવરબ્રિજ પર ગાબડુ પડતા આ ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે.
ઠગ ટોળકી ઝડપાઈ
પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ આપી બળજબરીથી રૂપિયા પડાવનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સ્પા સંચાલક પાસેથી આરોપીએ બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ક્રેન ચાલકે દંપતીને અડફેટે લીધું
વલસાડમાં મોપેડ ઉપર ઘરે પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. ધરમપુર ચોકડી પાસે કોઈક કારણોથી આ દંપતી ઉભા હતા. આ દરમિયાન અચાનક એક ક્રેન ચાલકે આ દંપતીને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો. જેને પગલે સ્થાનિક લોકો અને રાહદારીએ દોડી આવ્યાં હતા. સ્થાનિકોએ 108ની મદદ લઈને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત થયું હતું. તેમજ ક્રેન ચાલક પણ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.