• Gujarati News
  • Local
  • Gujarat
  • Pathan Protest In Ahmedabad, Shah Rukh's Posters Were Torn, Where Is The World Class Beach Being Prepared In Gujarat?

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:અમદાવાદમાં 'પઠાન'નો વિરોધ, શાહરુખનાં પોસ્ટર ફાડી નાખ્યાં, સુરતમાં કારખાનામાં જુગાર રમી રહેલા હાઇ પ્રોફાઇલ જુગારી ઝડપાયા

એક મહિનો પહેલા

અમદાવાદમાં 'પઠાન'નો વિરોધ
અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો હતો, જેમાં તેમણે શાહરુખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ, જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા, જેઓ આ સમગ્ર મામલાને જોઈને ગભરાઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ, અગાઉ પણ આ પ્રકારના કાર્યક્રમમાં યોજાયા હતા, હવે પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય એવી શક્યતા છે. આજે બનેલા આ બનાવ અંગે વીડિયો સામે આવતાં હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

ગુજરાતીઓને મળશે વર્લ્ડ ક્લાસ બીચ
ગુજરાતના પ્રવાસનક્ષેત્રને વિકસાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યું છે. ત્યારે પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં વધે એ માટેનાં આયોજન હવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને વિકસાવવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહી છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચની પસંદગી કરવામાં આવી હતી.

MS યુનિ.માં હોબાળો
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ખાતે ગર્લ્સ હોસ્ટેલના સમય તેમજ અન્ય માગણીઓને લઈને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા ચીફ વર્ડનની ઓફિસે ધારણાં કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બે જૂતાં ફેંકવામાં આવ્યાં હતાં તેમજ સુરક્ષામાં હાજર વિજિલન્સ સાથે ધક્કામુક્કી થતાં એક વિદ્યાર્થી બેભાન થઈ જતાં તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયો હતો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો VVS, AGSU, AISA ગ્રુપ દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં આવવાનો સમય 9:00 વાગ્યાથી વધારી 11 વાગ્યા સુધી કરવા, 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી રાખવા તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં સફાઈને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.

ઈસુદાનના હાથમાં ગુજરાત AAPની કમાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવી દેવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. એમાં આજે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં હવે માત્ર એક જ પ્રમુખ નહીં, પરંતુ કાર્યકારી પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત ઝોનમાં અલ્પેશ કથીરિયા, દક્ષિણ ઝોનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનમાં ડો. રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનમાં જગમાલ વાળા, મધ્ય ગુજરાત ઝોનમાં જેવલ વસરા અને કચ્છ ઝોનમાં કૈલાસ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.

સુરતમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રિયલના ચોથા માળે એમ્રોઇડરીના કારખાનાની જગ્યાએ મસ્ત મોટું જુગારધામ ચલાવવામાં આવતું હતું. આ અંગેની જાણ કાપોદ્રા પોલીસને થતાં પોલીસે પંચ સાથે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે હાઇ પ્રોફાઈલ લાઇફ સ્ટાઇલ જીવતા સાત ઈસમોને જુગાર રમતા ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા જ્યારે 10થી વધુ ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભાગી ગયેલા ઈસમો સુરતની કુખ્યાત મનીષ કુકરી ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે.

મહિલાનો હાથફેરો CCTVમાં કેદ
સુરતના ઘોડદોડ રોડ પર આવેલા જવેલરીના શો રૂમમાં મહિલા મસ્ત રીતે હાથફેરો કરી ફરાર થઈ ગઈ હતી. શો રૂમની અંદર અજાણી મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી. દરમિયાન દુકાનના કર્મચારીઓની નજર ચૂકવી મહિલા સોનાની બંગડી લઈ રફુચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. ઘટનાને પગલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પતંગની દોરીએ ગળું કાપ્યું, CCTV વાઇરલ
વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાઈ જતાં બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું. દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. યુવાનને દોરી વાગી હોવા છતાં તે જાતે જ સ્ટ્રેચર પર જઈને ઊંઘો સૂઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV હવે સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...