• Gujarati News
  • Local
  • Gujarat
  • Major Decision Taken To Prevent Malpractice In Board Exams; An Alarming Figure Of Malnutrition Emerged; BMW Flew Husband And Wife

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા મોટો નિર્ણય, બેકાબૂ BMWએ પતિ-પત્નીને ઉડાવ્યાં, સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નિર્ણય
ગુજરાતમાં આ મહિને યોજાવા જઈ રહેલી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા.

ગુજરાતમાં કુપોષણનો આંકડો ચિંતાજનક
દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યના દાહોદ જિલ્લામાં જ 18326 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર અમદાવાદ જિલ્લાનાં 2236 બાળકો કુપોષણનો શિકાર બનેલાં છે.ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં કુપોષણના આંકડાનો સવાલ પૂછ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ત્યારે જે જવાબ મળ્યો હતો તે ચોંકાવનારો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલાં કુપોષિત છે તે જવાબ જાણીને આંખો પહોળી થઇ જશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 18,326 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ આંકડો 2236 છે. ત્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર છે.

વધુ એક BMWએ કર્યું હિટ એન્ડ રન
મળતી વિગતો મુજબ, અમદાવાદના સોલાની સિમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચે 09:45 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ) ફુલ સ્પીડે કાર ચલાવીને અમિત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને અડફેટે લીધાં હતાં. આ બનાવમાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જોકે અકસ્માત સર્જાતા કારચાલક બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મૂકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતાં એમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને સાથે ભાજપનો ખેસ પણ કારની સીટ પર જોવા મળ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો ઉગ્ર વિરોધ
ગુજરાત યુનિવર્સિટીમાં ડિગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી, જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. ત્યારે આજે કુલપતિ આવતા જ તેમના પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર જતા અટકાવ્યા હતા, એ બાદ પોલીસની મદદથી કુલપતિ ઉપર ગયા હતા. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છતાં તે દ્વારા વધુ પૈસા લઈને સમયસર કામ કરવામાં આવતું ના હોવાનો NSUIનો આક્ષેપ છે. પોતાના માળતિયાઓને સિન્ડિકેટ સભ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ છે અને એ માટે જ NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલની તાળાબંધી બાદ આજે ફરીથી NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
ઘણી વખત વાલીઓ પોતાનાં સંતાનોને રમતાં મૂકી પોતે કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે સુરતમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એમાં એક 5 વર્ષીય બાળકી રમતાં-રમતાં વીંટી ગળી ગઇ હતી. એને લઈને પરિવાર દોડતો થઇ ગયો હતો. મૂળ ઓડિશાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમત રમતી હતી. આ દરમિયાન દીકરી રમતાં-રમતાં પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતાં ગળામાં દુખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.

જનશાળી ગામના પાટિયા પાસેની ઘટના
અમદાવાદ-રાજકોટ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ બન્ને વાહનમાં ભયાવહ આગ લાગવાની ગોઝારી ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટ્રકમાં લાગેલી આગને કારણે બંને ટ્રકના ચાલકોનાં ટ્રકમાં જ સળગી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજવાની ઘટના સામે આવી હતી. બેમાંથી એક ટ્રકમાં કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાથી બંને ટ્રક ભડભડ સળગી ઊઠી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતની ઘટનામાં હજી મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. બંને વાહનોમાં ભયાવહ આગ લાગી હતી. લીંબડી સહિતની ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

વિચાર આવ્યાના 15 દિવસમાં જ મોડલ તૈયાર
મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટના હજુ ભુલાઈ નથી. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીએ એવું મોડલ તૈયાર કર્યું છે કે જે સરકારને કે કોઈ નિષ્ણાત અધિકારીઓને બ્રિજ તૂટ્યા પહેલાં કે બ્રિજ તૂટ્યા બાદ પણ વિચારમાં ન આવ્યું. કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્માર્ટ બ્રિજ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે. એમાં બ્રિજ પર જેટલા લોકોની કેપેસિટી હશે એનાથી વધારે લોકો નહીં જઈ શકે. આ વિચાર બ્રિજ તૂટવાની ઘટના અગાઉ સરકારને, આર્કિટેક, ઓરેવા કંપનીને કે કોઈ અધિકારીને આવ્યો હોત તો બ્રિજ ન તૂટ્યો હોત.આ અંગે જનક ગજ્જર નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મોરબી બ્રિજ તૂટ્યો તો હવે આ પ્રકારની ઘટના ન બને એ માટે અમે આ મોડલ બનાવ્યું છે. આ મોડલથી બ્રિજની કેપેસિટી પણ નક્કી થશે, જેથી વધુ લોકો બ્રિજ પર જઈ ન શકે. આ ઉપરાંત કોરોના જેવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું હોય તો આ બ્રિજ પર મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે, જેથી કોરોના જેવી સ્થિતિમાં પણ બ્રિજ ઉપયોગી રહેશે.

અન્ય સમાચારો પણ છે...