• Gujarati News
  • Local
  • Gujarat
  • Legislation On Examination Malpractice; BJP Congress Your MLAs Will Celebrate The Dust; Disturbance Of Mavtha Nadu In Holika Dahan

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:માવઠાએ હોળી બગાડી, હજુ આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી, પેપર ફોડનારને હવે 1 કરોડનો દંડ થશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેપર લીક કરનારા સામે કાર્યવાહી થશે
ગુજરાતમાં અવારનવાર સરકારી પરીક્ષામાં પેપર લીક થવાની ગંભીર સમસ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે. આ સમસ્યાનું અત્યારસુધી સરકાર પાસે કોઈ નિરાકરણ નહોતું, પરંતુ વિધાનસભા સત્રમાં સરકાર પેપર લીક કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી શકે એ માટે બિલ લાવી હતી. એને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપતાં કાયદો બની ગયો હતો. ગુજરાત જાહેર પરીક્ષા અટકાવવાના શીર્ષક હેઠળ આ વિધેયક તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયક અંતર્ગત જાહેર પરીક્ષા, એટલે કે જે પરીક્ષા સરકારના વિભાગો દ્વારા યોજવામાં આવી રહી છે એને જાહેર પરીક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી એટલે કે પરીક્ષા સત્તામંડળ દ્વારા જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે પરવાનગી આપવામાં આવી હોય તે વ્યક્તિ અને એમાં જાહેર પરીક્ષામાં સત્તામંડળ દ્વારા અધિકૃત કરવામાં આવી હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

182 ધારાસભ્ય ધુળેટીની ઉજવણી કરશે
રાજ્યમાં હાલ 15મી વિધાનસભાનું બીજું સત્ર યોજાઈ રહ્યું છે અને જોગાનુંજોગ ધુળેટી પર્વ પણ દેશભરમાં ઊજવાશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 182 ધારાસભ્ય એકસાથે ધુળેટી પર્વની ઉજવણી કરશે. આજે પડતર દિવસ અને આવતીકાલે બુધવારે દેશભરમાં જ્યારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે મંગળવારે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વ ઉજવણી માટે તૈયારી કરવામાં આવી છે. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરાશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીની ઉજવણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ભાગ લેશે. રાજ્યના મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ પણ ઉજવણીમાં ભાગ લેશે.

હોલિકાદહનમાં માવઠાનું વિઘ્ન
ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. એને પગલે આજે સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. માવઠાને કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, સાથે જ કમોસમી વરસાદ હોલિકાદહનમાં વિઘ્ન બનતાં કેટલાક લોકોએ વરસાદી છાંટાં વચ્ચે જ હોળી પ્રગટાવી હતી.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં વ્યાજખોરોના આતંકની ઘટના સામે આવી છે. જ્યાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કારબ્રોકરને રવિવાર રાત્રે તેની જ ઓફિસમાં ઘૂસીને વ્યાજખોરોએ ઢોરમાર માર્યો હતો. એ સમયે પોતાનો જીવ બચાવીને કારબ્રોકર ત્યાંથી નાસીને CP કચેરી પાસે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પણ વ્યાજખોરો આવી જતાં ઘેનના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ત્રણ ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂરઝડપે પસાર થતા વાહનચાલકો દ્વારા અવારનવાર નાનામોટા માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે. કાલે સવારે સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. પીપરાળા નજીક હાઇવે પર પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ આવતી અન્ય બે ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર અંદર જ ચગદાઇ ગયા હતા. આ ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા.

સુરેન્દ્રનગરમાં કાયદાના લીરેલીરા ઊડ્યા
સુરેન્દ્રનગરમાં કાયદાના લીરા ઉડાવતો એક બનાવ સામે આવ્યો છે. શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક યુવકને સામાન્ય બાબતે સાત શખસે લાકડી અને પથ્થરોથી ઢોરમાર માર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે સાત શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં ઘવાયેલા યુવકને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જે બનાવ બન્યો છે એનો વીડિયો જોઈએ તો લાગે કે માથાકૂટ પાછળ કોઈ ગંભીર બાબત જવાબદાર હશે, પરંતુ આ બનાવમાં 'સામું કેમ જુએ છે?' એવી સામાન્ય બાબતે જ ભોગ બનનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ સમીર મામાણીને આરોપીઓએ સામે કેમ જુએ છે એમ કહી સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં મારામારી કરી હતી. સમીર મામાણીને નીચે પાડી દઈ આરોપીઓ લાકડી લઈ તૂટી પડ્યા હતા. તો બીજા શખસોએ મોટા પથ્થરો લઈ માર્યો હતો.

જામતારાની ગેંગ ગુજરાતમાં ત્રાટકી
ગુજરાતમાં થતા સાયબર ક્રાઇમના સેંકડો ગુનાઓનું એપી સેન્ટર ઝારખંડનું જામતારા હોય છે. આ ગામના સગીરો મોટા ભાગે આ પ્રકારના ચીટિંગમાં સંડોવાયેલા હોય છે અને તેમની સુનિયોજિત ચીટિંગ થિયરીને કારણે આરોપીઓને પકડવામાં ઘણી વખત મુશ્કેલી આવે છે. ઠગ ટોળકીઓથી ભરેલા આ ગામની નેટફ્લિક્સ પર બે વેબસિરીઝ પણ બનાવવામાં આવી છે...ત્યારે ફરી આ ઠગ ટોળકીઓએ ગુજરાતના લોકોને પોતાના ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને ભરૂચવાસીઓને લૂંટવામાં સફળ પણ બન્યા હતા...જોકે અનેક ફરિયાદો બાદ પોલીસે એક્શન પ્લાન બનાવી અંતે ટોળકીને ઝડપી પાડી છે.

અન્ય સમાચારો પણ છે...