ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:રિવરફ્રન્ટ પર આજથી કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, વડોદરામાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી 4 જીપ આકર્ષણનું કેન્દ્ર, જુઓ સાત મોટા સમાચાર

24 દિવસ પહેલા

રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023નો કાઈટ ફેસ્ટિવલ G20 સમિટની થીમ પર યોજાવા જઈ રહ્યો છે. આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ હાજર રહેશે. 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી પતંગ મહોત્સવ યોજાશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો જોડાશે. આ વખતે અંદાજિત 56 દેશના પતંગબાજો કાઈટ ફેસ્ટિવલમાં જોડાશે.

બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી જીપ્સ!
વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં આયોજિત એશિયાના સૌથી મોટા વિન્ટેજ કાર શોમાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલી 4 વિન્ટેજ જીપ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાંથી 1 જીપ ઇડરના રાજકુમાર સૂર્યવીરસિંહની, બે કાર સુરતના એડ્વોકેટ કપિલ આહીરની છે. 4 જીપમાંથી 3 જીપને સચિનના નવાબ દ્વારા રી-સ્ટોર કરવામાં આવેલી છે. આ ચારેય જીપ બીજા વિશ્વયુદ્ધમાં વર્ષ-1941થી 1945 દરમિયાન યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવી હતી.

માનસિક અસ્થિર મહિલાએ કરી તોડફોડ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ નશો કર્યો હોય તે રીતે આતંક મચાવ્યો હતો. મહિલાએ દુકાનોમાં તોડફોડ કરી અભદ્ર ગાળો આપી હતી. મહિલાએ લોકોને પથ્થર પણ માર્યા હતા. જેના કારણે લોકોને ઇજા થઈ હતી અને લોકોમાં મહિલાનો ખોફ પણ જોવા મળ્યો હતો. મહિલાને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી હતી. ત્યાં પણ મહિલાએ તોડફોડ કરી હતી. મહિલાએ મચાવેલા આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઝાડમાં અથડાતાં CNG કાર ભડકો
છોટા ઉદેપુરના તેજગઢ રેલવે ફાટક પાસે એક વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે ટકરાઇ હતી. ગાડી CNG કિટ વાળી હોવાથી તરત જ ગાડીમાં આગ લાગી હતી. આ ઘટનાને આંખે જોનાર વ્યક્તિએ યુવકને બચાવવાની કોશિશ કરી, પરંતુ ચાલક સ્ટિયરિંગમાં ફસાઈ ગયો હોવાથી તેને બચાવી શક્યા નહીં. ત્યારબાદ જોતજોતામાં ગાડી અને યુવક બંને બળીને ભડથું થઈ ગયાં હતાં.

ચાઈનીઝ દોરી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી કહ્યું- ચૂંટણીમાં પ્રચાર કરો છો તેમ ચાઈનીઝ દોરીનો દુરુપયોગ કરો છો. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગના કારણે અનેક લોકોના જીવનું જોખમ હોય છે, એ સંદર્ભે હાઇકોર્ટમાં ગુજરાત સરકાર તરફથી બીજી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી હતી. તેનાથી હાઈકોર્ટને અસંતોષ લાગતા ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને ચૂંટણીમાં જે રીતે પ્રચાર કરો છો, તે રીતે જ ચાઈનીઝ દોરીના દૂરુપયોગ અંગેનો પ્રચાર કરવામાં આવે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં, જરૂર પડે તો ન્યૂઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવામાં આવે તેવું સૂચન હાઇકોર્ટે કર્યું છે.

નકલી પોલીસ.. નકલી પત્રકાર.. નકલી રેડ
પાટણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નકલી પોલીસ અને પત્રકાર બનીને વેપારીઓને લૂંટતી ટોળકી સાથે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપલો પણ ઝડપાયો છે. પાંચ શખ્સોની ટોળકીએ ગ્રાહક બનીને ચાઇનીઝ દોરીનો વ્યાપાર કરતા વેપારીને ફોન કર્યો ને દોરી મંગાવી. જ્યારે વેપારી દોરી આપવા ગયો તો નકલી પોલીસ અને પત્રકારોની ઓળખ આપીને ડરાવી ધમકાવીને 50 હજાર માંગ્યા.. પણ ન મળતાં 3500 રોકડા અને 5 હજારનો મોબાઇલ લઇને અપહરણ કરીને માર માર્યો.. આ ઘટના ચાલી રહી હતી ને અસલી પોલીસ આવી જતાં જોવા જેવી થઇ... આ ઘટનામાં નકલી પોલીસ અને પત્રકારની ટોળકીના બે શખ્સોને ઝડપીને ઓળખ કરી તો પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે, એમાંનો એક આરોપી તો તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો...

અંગદાનથી ઉજાસ પથરાયો
અંગદાનના શહેર તરીકેની ઉપમા મેળવનારા સુરતમાંથી વર્ષ 2023ની શરૂઆતમાં જ અંગદાન થયું છે. લેઉવા પટેલ સમાજના 38 વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ ભીકડિયાના પરિવારે બ્રેઈનડેડ વિપુલભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. જેથી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...