TETની પરીક્ષાની તારીખો જાહેર
લાંબા સમયથી શિક્ષક બનાવવા થનગનતા લાખો ઉમેદવારની ધીરજનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. મળતી વિગતો મુજબ TET-1 અને TET-2ની પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. એપ્રિલ મહિના મધ્યમાં TETના બે પાર્ટની એક્ઝામ લેવાશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી. TET-1ની કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે. જ્યારે TET-2ની કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે.
ગુજરાત MLA ક્રિકેટ લીગની જાહેરાત
ગુજરાતમાં રાજનીતિક રમત રમી ચુકેલા ધારાસભ્યો હવે ક્રિકેટની રમત પણ રમશે. હાલ સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે. આઇપીએલ હોય કે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની લીગ હોય લોકોને ખુબ જ રસ પડતો હોય છે. જો કે હવે ગુજરાત વિધાનસભામાં અનોખી પહેલ થવા જઇ રહી છે. ગુજરાતમાં હવે ધારાસભ્યો પણ ક્રિકેટ રમતા જોવા મળશે. ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23 ની શરૂઆત થવા જઇ રહી છે. તારીખ 20,27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન થશે. આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. આ મેચ 20 ઓવરની રહેશે. જેમાં બનાસ,તાપી, વિશ્વામિત્રી, ભાદર,સરસ્વતી,શેત્રુંજી, સાબરમતી, નર્મદા, મહીસાગર અને મીડિયા ટીમ બનાવવામાં આવી છે. જેનો પ્રથમ રાઉન્ડ 20-03-2023 ના દિવસે આયોજીત થશે. જેમાં બનાસની સામે વિશ્વામિત્રી ઉતરશે. આ મેચ સાંજે 7 વાગ્યે હશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યે તાપીની સામે ભાદર ઉતરશે. સરસ્વતીની સામે શેત્રુંજી 10 વાગ્યે ઉતરશે. 27 તારીખે મેચનો બીજો રાઉન્ડ હશે. જેમાં સવારે 7 વાગ્યે સાબરમતીની સામે નર્મદાની ટીમ ઉતારવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ મેચની વિજેતા ટીમ મહિસાગરની સામે 8.30 વાગ્યે ઉતરશે. જ્યારે મીડિયાની ટીમ સામે બીજી મેચની વિજેતા ટીમ ઉતરશે. 28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે. જેમાં સેમી ફાઇનલમાં મેચ ત્રણની વિજેતા ટીમ અને ચોથી મેચની વિજેતા સાંજે સાત વાગ્યે સામસામે ઉતરશે. જ્યારે પાંચમી મેચ અને છઠ્ઠી મેચની વિજેતા ટીમ સાંજે 8.30 વાગ્યે આયોજીત થશે. ત્યાર બાદ સાતમી મેચની વિજેતા ટીમ અને આઠમી મેચની વિજેતા ટીમ સામસામે ફાઇનલ સ્વરૂપે સાંજે 10 વાગ્યે ટકરાશે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો સરકાર પર આક્ષેપ
રાજ્ય સરકાર ખાનગી કંપનીઓને લાભ મળે તે માટે પોતાના પાવર સ્ટેશન બંધ રાખી ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયામાં વીજળી ખરીદતી હોવાનો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, સરકાર પાસે પોતાના પબ્લિક સેક્ટર યુનિટના 16 પાવર સ્ટેશન છે. જેમાંથી સાત સંપૂર્ણ બંધ છે અને 9 પાવર સ્ટેશન માત્ર 50 ટકા કેપેસિટીમાં ચાલે છે. ત્યારે સરકાર પોતાના પાવર સ્ટેશન યુનિટ બંધ રાખી ખાનગી કંપની પાસેથી ઊંચા દરે વીજળી ખરીદે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્ય, કેન્દ્ર અને ખાનગી કંપનીઓ મળીને કુલ 21114 મેગાવોટનું વીજ ઉત્પાદન થાય છે જે પૈકી માત્ર 6070 મેગાવોટ વીજળી રાજ્ય હસ્તકના વીજ મથકો પેદા કરી રહ્યાં છે. રાજ્ય ઉપર ખાનગી વીજળીનું ભારણ વધતું જાય છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર અને ખાનગી કંપનીઓએ વીજ ઉત્પાદન ક્ ક્ષમતામાં 5535 મેગાવોટનો વધારો કર્યો છે પરંતુ રાજ્ય હસ્તકના વીજમથકોમાં શૂન્ય વધારો થયો છે.
ચિક્કી નહીં ભક્તોને તો મોહનથાળ જ પ્રિય
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ પુરજોશમાં થઈ રહ્યું છે. મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરાતા ચિક્કીનું વેચાણ ઘટ્યું છે. ગઈકાલે 14 હજાર મોહનથાળના પેકેટની સામે ચિક્કીના માત્ર 1 હજાર 600 પેકેટ વેચાયા છે. આપને જણાવી દઈએ કે, મંદિરમાં જ્યારે મોહનથાળનો પ્રસાદ બંધ હતો ત્યારે ચિક્કીના 2 લાખથી વધુ પેકેટ વેચાયા હતા.
કચ્છમાં અનેક સ્થળે કમોસમી વરસાદ યથાવત
કચ્છ સહિત રાજ્યના અનેક પંથકમાં આજે માવઠું વરસ્યું હતું. કચ્છના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તેમજ અનેક સ્થળે કરા પણ પડ્યા હતા. ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ભરાયા હતા. ભુજમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાનુશાળી નગર સહિતના વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયા હતા. બે કલાકથી વીજળી ગુલ થઈ હતી.
કિરણ પટેલને લઈ MLA જીગ્નેશ મેવાણીનું ટ્વિટ
જમ્મુ કાશ્મીરમાં PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે એકબાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે કિરણ પટેલને લઈ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ MLA જીગ્નેશ મેવાણીએ ટ્વિટ પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ કિરણ પટેલને લઈ ટ્વિટ કરતાં કહ્યું કે, 'એવું લાગે છે કે કિરણ પટેલની તપસ્યામાં કંઈક કમી રહી ગઈ હતી, નહીંતર આટલું સારું જુઠ્ઠું બોલીને લોકો વડાપ્રધાન બની જાય છે.'
માણેકચોકના વિવાદનો સુખદ અંત
અમદાવાદની શાન સમાન માણેકચોકનું ખાણી પીણી બજાર વિવાદમાં રહ્યું હતું. કારણ કે માણેકચોકમાં ચાર પાંચ દિવસથી લોકોને ટેબલ ખુરશી નહીં, પરંતુ જમીન પર બેસીને જમાડવામાં આવતા હતા. જેમાં કેટલાક વેપારીએ પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. જે અંગે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે નોંધ લઈને ગઈકાલે માણેકચોકના વેપારીઓને રસ્તા પરથી વધારાનું દબાણ દૂર કરવા સમજાવીને એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એટલો રસ્તો ખુલ્લો રાખવા જણાવ્યું હતું. જે વેપારીઓએ માની લેતા માણેકચોકના વિવાદનો સુખદ અંત આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.