• Gujarati News
  • Local
  • Gujarat
  • 'Jai Adyashakti ... Maa Jai Adyashakti ...' Aarti Sivananda Vamdev Pandya Wrote On The Banks Of Narmada 421 Years Ago, The Description Of Mataji Appearing To Him Is In The Fourth Line

આરતીનું અથથી ઈતિ:'જય આદ્યાશક્તિ... માઁ જય આદ્યાશક્તિ...' આરતી શિવાનંદ પંડ્યાએ 421 વર્ષ પહેલાં નર્મદાતટે લખી, માતાજી પ્રગટ થયાંનું વર્ણન ચોથી પંક્તિમાં છે

17 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • ભરૂચ નજીકના માંડવા બુઝુર્ગ ગામમાં રહેતા 'સ્વામી શિવાનંદ' પછીથી સુરત સ્થાયી થયા હતા
  • કાળક્રમે આરતીની પંક્તિઓમાં ફેરફાર થતા રહ્યા અને ખોટાં ઉચ્ચારણ પણ આવ્યાં

માતાજીનું સ્થાપન થયેલું છે. દીપમાળ પ્રજ્વલિત છે. રોશની ઝગમગી રહી છે. ફૂલ, અબીલ, ગુલાલ ભરેલી થાળીમાં પાંચ દીવા પ્રગટી રહ્યા છે. ઢોલ, મંજીરા, ઝાલર અને ઘંટારવ શરૂ થાય છે. માતાજીની આરતી ઉતારવાનું શરૂ થાય છે...'જય આદ્યાશક્તિ... માઁ જય આદ્યાશક્તિ...' માતાજીની આરતી ચાલતી હોય ત્યારે સમૂહમાં 'જય ઓમ જય ઓમ માઁ જગદંબે...' બોલવાની અલગ જ આનંદ-શાંતિ મળે છે. નવરાત્રિમાં માતાજીની આ આરતી ગવાતી હોય ત્યારે અલગ તરંગો હવામાં વહે છે. દિવ્યતાની અનુભૂતિ થાય જ. આપણે આ આરતી ભાવથી ગાઈએ છીએ, ત્યારે કેટલાક ભક્તોને સવાલ થાય પણ ખરો કે આ આરતી કોણે લખી? ક્યારે લખી? શા માટે લખી? અને આ આરતી વિશ્વભરમાં આટલી લોકપ્રિય શા માટે બની? આવો, જાણીએ અંબેની આરતીનું અથથી ઈતિ...

આરતી કોણે લખી ?
આ આરતી શિવાનંદ વામદેવ પંડ્યા ઉર્ફે સ્વામી શિવાનંદે લખી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના તટે માંડવા બુઝુર્ગ ગામ છે. આ ગામમાં માર્કંડ મુનિનો આશ્રમ અને દેવી અંબાજીનું પુરાતન મંદિર છે. સ્વામી શિવાનંદના પૂર્વજો આ આશ્રમ અને મંદિરમાં દેખભાળ અને પૂજાપાઠ કરતા. વામદેવ પંડ્યાના ભાઈ સદાશિવ પંડ્યાએ દેવી અંબાજીની જીવનપર્યંત સેવા કરી હતી. કાકા સદાશિવ પાસેથી પ્રેરણા લઈને શિવાનંદ ભક્તિ માર્ગે વળ્યા. શિવાનંદ પંડ્યા 'સ્વામી શિવાનંદ' તરીકે ખ્યાતિ પામ્યા. સ્વામી શિવાનંદે 421 વર્ષ પહેલાં આ આરતીની રચના કરી હતી.

સ્વામી શિવાનંદના કાકા સદાશિવ વિદ્વાન હતા
સ્વામી શિવાનંદના કાકા સદાશિવ માટે એવી લોકવાયકા હતી કે તેઓ 35 વર્ષના હતા ત્યાં સુધી તેમને કંઇ આવડતું નહોતું. પછી મહેણાંથી કંટાળી સદાશિવ પંડ્યાએ નર્મદા તટે રામનાથ ઘેલા મંદિરમાં ભક્તિ કરવાની શરૂઆત કરી હતી. એવા સમયમાં એક દિવસ ત્યાં એક સંત આવ્યા અને સદાશિવની ભક્તિથી પ્રસન્ન થઇ વરદાન આપ્યું. પરિણામે, સરસ્વતી તેમની જીભે વસ્યાં. તેમણે સંસ્કૃતમાં ગ્રંથો રચ્યા અને મંત્ર-તંત્ર વિદ્યામાં સિદ્ધિ મેળવી.

લક્ષ્મી જોઈએ છે કે સરસ્વતી?
સદાશિવ જ્યારે મૃત્યુ શૈયા પર હતા ત્યારે તેમણે તેમના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને બોલાવી પૂછ્યું કે તમારે લક્ષ્મી જોઇએ છે કે સરસ્વતી? તેમના બે પુત્રોએ લક્ષ્મી માગી, પણ શિવાનંદે કહ્યું, તમને જે યોગ્ય લાગે એ આપો. આ સાંભળી પ્રસન્નતા અનુભવી કાકા સદાશિવે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો અને કહ્યું કે તારી પ્રસિદ્ધિ થશે. તું ભક્તિ માર્ગની પ્રશસ્તિ કરતો રહેજે અને આપણા રામનાથ ઇષ્ટનું પૂજન કરતો રહેજે. શિવાનંદે આદેશ સ્વીકારી લીધો અને શિવની આરાધના કરી અને ભાગવતકથાઓ પણ કરી.

કાકાની જેમ જ ભત્રીજા પણ બન્યા વિદ્વાન
કાકા સદાશિવ પંડ્યાની જેમ જ સ્વામી શિવાનંદ વિદ્વાન હતા. શિવાનંદ વિદ્ધાન શાસ્ત્રી હતા. તેમની વિદ્વત્તા કાશીના વિદ્ધાનો જેટલી જ માનવામાં આવતી. ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, પુરાણો અને શ્રોતકર્મના અભ્યાસ માટે તેમના નિવાસસ્થાને પાઠશાળા ચાલતી. તેમણે આદ્યશક્તિ અંબાજી માતાની આરતીની રચના તો કરી. એ ઉપરાંત સંસ્કૃત હિન્દી અને ગુજરાતીમાં શિવ સ્તુતિનાં પદ, ઢોળ, વસંતપૂજા, હિંડોળાના પદ, ભોજન સમયનાં પદ જેવા સાહિત્યની રચના કરી.

આમ મળી આરતી લખવાની પ્રેરણા

નર્મદા તટે આવેલું દેવી અંબાનું પુરાતન મંદિર.
નર્મદા તટે આવેલું દેવી અંબાનું પુરાતન મંદિર.

સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યાના ઘરે ઈ.સ.1541માં સુરતમાં અંબાજી રોડ પર નાગર ફળિયામાં થયો. નાની ઉંમરે તેમના પિતાના નિધન પછી સ્વામી શિવાનંદને તેમના કાકા સદાશિવ પંડ્યાએ ઉછેર્યા હતા. જોકે પંડ્યા પરિવાર માંડવા બુઝુર્ગ ગામથી સુરત સ્થાયી થઈ ચૂક્યો હતો. સ્વામી શિવાનંદ અલગ અલગ શહેરોમાં કથા, પૂજા માટે ફરતા રહેતા હતા. એકવાર ખંભાતમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્વામી શિવાનંદ પોતાના વડવાઓના જૂના ગામ માંડવા બુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. સાલ હતી 1601. એ સમયે સ્વામી શિવાનંદની ઉમર 60 વર્ષ હતી. એક સાંજે એ દેવી અંબાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા. લાલ કલરનો સૂરજ આથમી રહ્યો હતો, જાણે માડીનું કંકુ આકાશમાંથી ખરતું હોય....એ જ સમયે દક્ષિણ દિશામાં ચાર ભુજાવાળા માઁ લક્ષ્મી પ્રગટ થયાં. આ દર્શનથી અભિભૂત થઈને સ્વામી શિવાનંદે ત્યારે જ નર્મદા નદીના તટે આરતીની રચના કરી.

સ્વામી શિવાનંદની છઠ્ઠી પેઢીના જમાઈ હતા કવિ નર્મદ

ભાસ્કર પંડ્યા નોંધે છે કે શિવાનંદ સ્વામી ગૃહસ્થ હતા. તેમને ત્રણ પુત્ર હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમના પુત્ર ચંદ્રવિદ્યાનંદ અને દીકરી ડાહીગૌરી થયાં. ડાહીગૌરીનાં લગ્ન કવિ નર્મદાશંકર સાથે થયા. કવિ નર્મદના આ બીજા લગ્ન હતા. ચંદ્રવિદ્યાનંદને બ્રિટિશ સરકાર તરફથી રાવ બહાદુરનો ઇલ્કાબ મળ્યો હતો, તેમના પુત્ર પુષ્પેન્દ્ર પંડ્યાએ ભારતના લશ્કરમાં આર્મી આફિસર તરીકે સેવાઓ આપી. શિવાનંદ સ્વામીની સાતમી પેઢીએ 79 વર્ષીય પલ્લવીબેન વ્યાસ છે, જે સુરત રહે છે. પલ્લવીબેનના પુત્ર ધર્મેશ વ્યાસ હિન્દી સિરિયલ અને ફિલ્મના અભિનેતા છે. સ્વામી શિવાનંદે ઉત્તરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કર્યો. 85 વર્ષની પાકટ વયે ઈ. સ. 1626માં સમાધિ લીધી.

જ્ય આદ્યાશક્તિ આરતીનો પંક્તિ સહિત વિસ્તૃત અર્થ
જ્ય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યાં માઁ,
ૐ જય હો જય હો માઁ જગદંબે...
અર્થ : આદ્ય એટલે સર્વ પ્રથમ જગત, વિશ્વ કે અખંડ એક ઈંડા આકારના બ્રહ્માંડનું સર્જન થવા માટે જે શક્તિ નિમિત્ત બની અને એ દિવસ પણ બ્રહ્માનો પ્રથમ દિવસ પડવો કહેવાયો. એવી ૐના નાદરૂપ માઁ જગદંબાનો જય હો જય હો.
દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર માઁ
અર્થ : બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે માઁ, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણી માઁ
અર્થ : ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્‍મી અને મહાકાળી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
ચોથે ચતુરા મહાલક્ષ્‍મી માઁ સચરાચર વ્યાપ્યાં, ચારભુજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં
અર્થ : મહાલક્ષ્‍મીને સૌથી વધારે ચતુર ગણ્યાં છે. મહાલક્ષ્‍મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભુજા ચાર દિશા સમાન છે અને તેઓ આશીર્વાદ આપવા દક્ષિણમાં પ્રગટ થયાં છે.
પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં
અર્થ : જગદંબાના આશીર્વાદથી કરુણા, પ્રેમ, સત્ય, સત્ત્વ અને મમત્વ આ પાંચ ગુણ પ્રાપ્ત થાય છે. હે કમળ ઉપર બિરાજમાન માઁ, પાંચ મહાન ઋષિઓએ પણ આપના ગુણગાન ગાયા છે. હે માઁ, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ વ્યાપ્ત છો.
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નર-નારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે માઁ
અર્થ : મહિષાસુર રાક્ષસને મારનારી માઁ તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છો.
સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા; ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા માઁ
અર્થ : સાતેય પાતાળમાં આપ બિરાજમાન છો, સાવિત્રી (પ્રાતઃ) અને સંધ્યા આપ છો. પાંચ માતાનાં સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ગૌરી (પાર્વતી) અને ગીતા આપ જ છો.
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો માઁ
અર્થ : (દૈત્યોને હણનારી મહાકાળી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાળી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયા છે.
નવમી નવ કુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધા હરબ્રહ્મા
અર્થ : નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. આપનું નવરાત્રિએ પૂજન થાય છે, શિવરાત્રિએ શિવની સાથે આપનું અર્ચન થાય છે. બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. (નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.)
દસમી દસ અવતાર વિજ્યાદસમી, રામે રામ રમાડયા, રાવણ રોળ્યો માઁ
અર્થ : દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો, એટલે જ એને વિજ્યાદશમી કહેવાય છે. હે માઁ, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો. (રાવણનો વધ કરવા માટે અંબાએ જ રામને ધનુષ આપ્યું હતું).

એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા
અર્થ : નોરતાંની અગિયારમી રાતે કાત્યાયની માઁનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માઁનું વ્રત કરેલું. કાત્યાયની મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
બારસે બાળારૂપ, બહુચરી અંબા માઁ, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ માઁ
અર્થ : બહુચર માઁ બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલાં એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધા તારા જ સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.
તેરસે તુળજારૂપ તમે તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારા ગાતાં
અર્થ : હે માઁ, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજે છે, જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.
ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા
અર્થ : શક્તિનું ચૌદમું સ્વરૂપ માઁ ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર માઁ, અમને થોડા ભક્તિભાવ અને ચતુરાઈ આપો.
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા માઁ, વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા.
અર્થ : પૂનમ એટલે ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.
સંવત સોળ સતાવન સોળશે બાવીસ માઁ, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે
અર્થ : 1657ના સંવતમાં આપે સોળ વર્ષની કુંવારીકાના રૂપમાં દર્શન આપ્યાં, આપ રેવા (નર્મદા)ના કાંઠે પ્રગટ્યા
ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી
અર્થ : અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે માઁ, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત્તિ થાશે, હર કૈલાસ જાશે, માઁ અંબા દુઃખ હરશે
અર્થ : આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતીના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે,એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

આદ્યા નહીં પણ આદ્ય, જયો નહીં જય હો!
આપણે આરતીમાં "જય આદ્યાશક્તિ, માઁ જય આદ્યાશક્તિ" ગાઈએ છીએ. વાસ્તવમાં 'આદ્યા' શબ્દ નથી, પરંતુ 'આદ્ય' છે. જ્યારે 'જયો જયો માઁ જગદંબે' અપભ્રંશ થયેલું છે. વાસ્તવમાં એ છે - 'જય હો જય હો માઁ જગદંબે. આવી રીતે આ આરતીમાં પછીથી કેટલાય ભકતોએ ફેરફાર કર્યા અને કોઈએ નવી પંક્તિઓ પણ ઉમેરી. કેટલીક પંક્તિઓ ખોટી રીતે આપણી સામે આવે છે. જોકે ગાવામાં 'આદ્યા' બેસી ગયું છે અને જય ૐ કે પછી જય હો... પણ ગવાય છે.

ઇંગ્લેન્ડના લ્યુટનમાં ગવાય છે ઇંગ્લિશમાં આ આરતી
ઇંગ્લેન્ડના લ્યુટન શહેરમાં માતાજીનું સરસ મંદિર છે. નવરાત્રિમાં આ મંદિરમાં ભારતીયો એકઠા થાય છે અને 'જય આદ્યાશક્તિ...' આરતી ભાવથી ગાય છે, પણ કોવિડને કારણે ત્યાં ઘરમાં જ આ આરતી ગવાય છે. જોકે લ્યુટનના સ્થાનિક રહેવાસીઓ પણ આ આરતી ગાવામાં જોડાય છે. તેમને ભારતીય ભાષામાં ગાવું ફાવતું ના હોવાથી, લ્યુટનની બ્રાહ્મણ સોસાયટીએ આ જ આરતીનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.
પહેલી પંક્તિ : Maa, you are the Great Universal Mother. You are first to be born.
Born on the first day of last month, Aaso (Hindu calendar)
Praise be to you Maa Jagadambe
બીજી પંક્તિ : You appear in the two forms of Shiv & Shakti (male/female, Shiva/Parvati).
You are praised by Brahma, Ganesh & Shiva
ત્રીજી પંક્તિ : You appear in the three forms of Kali, Maha Laxshmi & Saraswati
And rule over the three worlds (Heaven, Earth & Hell)
ચોથી પંક્તિ : You appear as Maha Laxshmi the four handed one, ruler of the universe.
Arising in the south from the churning of the ocean by Demi Gods and Demons
પાંચમી પંક્તિ : The five great rishis praise you, who sits upon the Lotus flower and
Have all five elements in you (fifth being Space/Infinity)
છઠ્ઠી પંક્તિ : You are the destroyer of the form changing Mahisahasura demon,
You that are formless yourself, but you are also whole.
સાતમી પંક્તિ : On The seventh day you are all seven of Sandhya (evening); Savitri (Brahma’s Wife); Gau (cow); Ganga (river); Gayatri mata, Gauri (Parvati mata) & Gita (holy book)
આઠમી પંક્તિ : You appear as Saraswati the eight handed one full of happiness and pleasure. Goddess of Knowledge. Praised by sages and gods.
નવમી પંક્તિ : All nine generations of serpents (Kaal which is time and infinity) Serve you. Especially during Navratri
દસમી પંક્તિ : Tenth day of Vijaya Dashmi, Rama destroyed Ravan, with your blesssings mother.
અગિયારમી પંક્તિ : You appear as Katyani (Kali maa form) on the eleventh day to destroy evil and protect your followers.
બારમી પંક્તિ : On the twelfth night you appear as Bauchar maa, a Maiden. Praised and adored by Shiva’s Disciples (Batuk & Kala)
તેરમી પંક્તિ : The thirteenth day is devoted to you Tulja maa the maiden who removes the
Cycle of Death & Rebirth and is praised by the Holy Trinity (Brahma, Vishnu & Shankar)
ચૌદમી પંક્તિ : On the fourteenth day you appear as the destroyer of the Demons Chand & Mund. Give us your blessing of love, devotion and pure understanding.
પંદરમી પંક્તિ : On the fiftieth day (Poonam) Oh Great Mother have mercy upon us all. The great sage Vashitha sings your praises
સોળમી પંક્તિ : (Hindu calendar) between 1622- 1657, you took the form of a mortal on The banks of the Narmada river
સત્તરમી પંક્તિ : Trambavati, Rupavati & Manchvati (legendary places of pilgrimage) You have taken 16000 forms. Forgive us maa. Have mercy and pity upon us.
અઢારમી પંક્તિ : Whoever sings these verses will benefit from happiness, prosperity And be liberated.
ઓગણીસમી પંક્તિ : Believe in Her in any of Her thousands of forms. You shall receive blessings From your worship. Praise be to you Maa Jagadambe.

અન્ય સમાચારો પણ છે...