તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટમાં સાવજ:ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી વગર જંગલ ખાતાના કર્મચારીઓ સિંહને પકડે તો પણ ગુનો બને

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા પાસેથી પકડાયેલા પાંચ સિંહોનું શું કર્યું? તેનો ખુલાસો વન વિભાગે કર્યો નથી

રાજુલા નજીક પીપાવાવ પોર્ટ રોડ પરથી વન વિભાગે પાંચ સિંહોને ઉઠાવી લીધા હતા. આ વાતને સપ્તાહ વીતી ગયું. આ સિંહોને ક્યાં રાખવામાં આવ્યા છે? તેનું શું કર્યુ? આ તમામ બાબતો અંગે જંગલ ખાતાએ તદ્દન મૌન સેવી લીધું છે. પણ અહીં સવાલ એ છે કે શું વન વિભાગના કર્મચારીઓ સિંહોને પકડે તે ગુનો ગણાય? આ સવાલનો જવાબ એ છે કે જો, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની મંજૂરી વગર જંગલ ખાતાના કર્મચારીઓ સિંહને પકડે તો ગુનો બને છે. કારણ કે સિંહ શેડ્યુઅલ-1 હેઠળ આવતું પ્રાણી છે.

ગીરમાં સિંહ પરિવાર
ગીરમાં સિંહ પરિવાર

તો વન વિભાગના કર્મચારીઓ સામે ગુનો નોંધી શકાય
કાયદામાં શું જોગવાઈ છે? એ અંગે નિવૃત એડિશનલ એન્ડ સેશન જજ જે.બી.ધાધલે જણાવ્યું હતું કે, કે જે શેડ્યુલ ૧,૨ ને ૩ માં આવતું હોય તેને પકડવા માટે ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની મુદ્દાસર લેખિત પરવાનગી ફરજીયાત છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ ૨(૧૬) મુજબ શિકારની વ્યાખ્યામાં આવે છે. અન્ય કલમ ૧૧ મુજબ કોઈપણ વન્યપ્રાણી જોખમરૂપ કે બીમાર પડે ત્યારે, તેને પકડવાનાં કિસ્સામાં ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડનની લેખિત પરવાનગી જરૂરી છે.

નિવૃત એડિશનલ એન્ડ સેશન જજ જે.બી.ધાધલ
નિવૃત એડિશનલ એન્ડ સેશન જજ જે.બી.ધાધલ

આવા કિસ્સામાં વગર પરવાનગીએ નિયમોનો ભંગ કરીને જો કાર્ય કરવામાં આવે, તો એની માટે ૭ વર્ષની સજાની જોગવાઈ છે. આ નિયમ વનવિભાગનાં અધિકારીઓને પણ લાગુ પડે છે. હાલમાં, જે સિંહો ને ધડાધડ પકડીને રેસ્ક્યુ કરવામાં આવે છે. તો શું વનવિભાગ પાસે ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની લેખિતમાં પરવાનગી છે?
સ્થાનિક લોકોની લાગણીને ધ્યાન પર રાખે સરકાર: અંબરિશ ડેર
રાજુલા પંથકમાંથી સપ્તાહ પહેલા પાંચ સિંહને રેસ્ક્યુ કરીને લઇ ગયા હોવાની ધારાસભ્ય અંબરીશ ડેરને માહિતી મળતા તેમણે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વનવિભાગ સાથે વાતચીત કરી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, અહીંથી જે સિંહને રેસક્યૂ કરવામાં આવ્યા છે, તેમની આરોગ્ય ચકાસણી માટે કરાયું હોવાની વાત વનવિભાગે કરી છે. જો કે, અંબરીશ ડેરે કહ્યું કે, જો આ સિંહોને ફરીથી અહીં મુક્ત કરવામાં નહીં આવે તો સરકારે સ્થાનિક લોકોના રોષનું ભોગ બનવું પડશે, અને આંદોલનનો સામનો કરવો પડશે.
ક્યા સવાલો ઉભા થાય છે?
રાજુલા પાસેના પીપાવાવ પોર્ટમાં પાંચ સિંહોના જૂથે માત્ર એકવાર લટાર મારી છે. સિંહનું આ જૂથ તદ્દન શાંત છે, માનવી ઉપર હુમલો કર્યો નથી. આસપાસના લોકો પણ તેને ચાહે છે. તો સવાલો એ ઉભા થાય છે કે,
તેનું રેસ્ક્યુ કરવાનું કારણ શું?
કોઈ સિંહ બીમાર પણ નથી, છતાં આરોગ્યની ચકાસણી કેમ?
જે રેસ્ક્યુ થયું તે કોના આદેશથી થયું અને કોણે તેની અમલવારી કરી?
રેસ્ક્યુ કરવાની જરૂર નથી તેવી કોઈ સલાહ કે માર્ગદર્શન મળેલું?
રેસ્ક્યુ થયેલા સિંહોને અંતિમ તબક્કામાં કયાં રાખવાના થાય છે?
જો તેને જંગલ વિસ્તારમાં જ છોડવાના હોય તો તે સ્થાન નક્કી છે?
કોઈ સિંહને રેડિયો કોલર હોય તો તે અંગે શું કાર્યવાહી થશે?
જો આ રેસ્ક્યુ બીનજરૂરી કે બિનજવાબદાર પૂરવાર થાય તો સરકાર કોઈ પગલાં લેશે?

અન્ય સમાચારો પણ છે...