હવામાન વિભાગની આગાહીની આગામી 2થી 3 દિવસમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજવાળું વાતાવરણ રહેશે. રાજ્યમાં ગઈકાલે રવિવારથી ઠંડીમાં ધરધમ ઘટાડો જોવા મળ્યો. દિવસ દરમિયાન તાપમાન વધતાં સમગ્ર રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બેથી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. આગામી ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં ભેજ વધી શકે છે, જેને કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અંકલેશ્વરમાં પુત્રીઓનાં લગ્નમાં સ્વ.માતા મૂર્તિસ્વરૂપે બની આશીર્વાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પીયૂષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. બે પુત્રીનાં લગ્ન માતાની હાજરી વગર ન થાય એ માટે પિતાએ માતાની આબેહૂબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક મૂર્તિ બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી. વડોદરા ફાઈન આર્ટ્સના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.
નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો 192મો સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઊજવાઈ રહ્યો છે. મહાપૂર્ણિમાના અવસરે મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી હતી અને આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. આ પરંપરાના ભાગરૂપે દર વર્ષે માહપૂર્ણિમાના અવસરે આ દિવ્ય સાકરવર્ષા પ્રતીકરૂપ કરવામાં આવે છે. મંદિરના પરિસરમાં ઢળતી સંધ્યાએ પૂ. મહારાજના હસ્તે ઉતારવામાં આવતી દિવ્ય મહાઆરતીનાં દર્શન કરવા શહેર સહિત સમગ્ર જિલ્લાના ભાવિક ભકતજનો ઊમટી પડ્યા હતા.. આરતી બાદ 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે મહારાજશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઊજવાય છે.
વાહનમાં CNG ભરતી સમયે ક્યારે બ્લાસ્ટની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે CNG પંપ પર જ્યારે વાહનમાં CNG ભરવામાં આવે છે ત્યારે વાહનમાં સવાર તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવતા હોય છે, પરંતુ નવસારીની ચીખલીમાં આવેલા CNG પંપ પર એક કારમાં સવાર લોકોને નીચે ઊતરવાનું કહ્યું તો લોકોએ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે પંપના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. પંપ થયેલી મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ભોગ બનનાર કર્મચારી દ્વારા આ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
હાલોલ નજીક આસોજ ગામે ગઈકાલે બપોરે રિક્ષાનું પૈડું નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગામનો પરિવાર હતો અને તેઓ સાવલી તાલુકાના આદલવાડા ખાતે લગ્નમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા સિંહાપુરા ગામના રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે જ દીકરા અને દીકરીનાં લગ્ન યોજાયાં છે. બે દિવસથી ઘરે મંડપ સજાયેલો છે, જ્યાં લગ્નના ઢોલ વાગી રહ્યા હતા. ત્યાં આ અકસ્માતને પગેલે પરિવારના મોભીનું મૃત્યુ થતાં માતમ છવાઈ જવા પામ્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપધારકોનું કમિશન રૂ. 1.25થી વધારવાની માગ યથાવત્ રાખવામાં આવી હતી, પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષાતાં ફરીવાર આજે CNG પંપ બંધ રાખશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિ.ની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપધારકોની મિટિંગ મળી હતી, જેમાં કંપની દ્વારા પંપધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે બેઠક પડી ભાંગી હતી. પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતાં વિલંબ સામે પંપધારકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
ગાંધીનગરના રાયસણમાં ગુડાના મકાનમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી અચાનક શોર્ટસર્કિટ થયું હતું. જેથી સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં સ્માર્ટ ટીવી, ડ્રેસ મટીરિયલ્સ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવને પગલે ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.