રાજ્યમાં 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓના પ્રોજેક્ટો પૂર્ણ
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન જે. ગડકરીએ 15 માર્ચ 2023ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનના જવાબમાં માહિતી આપી કે, ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન, કુલ રૂ. 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પુલ, નાના અને મોટા પુલ અને બ્લેક સ્પોટ રેટિફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.
સી.આર.પાટીલને રાજસ્થાનના ઈન્ચાર્જ બનાવવામાં આવે તેવી શક્યતાઓ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સીટ મેળવી ભાજપે વિક્રમ સર્જ્યો હતો. જેમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પરદા પાછળ કામ કરનારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે ભાજપે 156 સીટ પર બહુમત હાંસલ કરી માધવસિંહ સોલંકીના વર્ષ 1985ના રેકૉર્ડને તોડી નાખ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજસ્થાનના ઇન્ચાર્જ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોનાના 435 એક્ટિવ કેસ
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં 897 દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 435 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 431 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,801 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સુરત અને અમરેલીમાં ફાગણમાં અષાઢી માહોલ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એક જ મહિનામાં બીજી વખત માવઠાનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકા વિસ્તારમાં મોતીનો વરસાદ થતો હોય તેમ આકાશમાંથી કરા પડ્યા હતા. કરા સાથેના ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ગામની શેરીઓમાં અને નદીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ફાગણ મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદની મહિલા સાથે ડિજિટલ છેતરપિંડી
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક મહિલાએ યુ-ટ્યૂબ પર વીડિયો લાઈક કરીને પૈસા કમાવવાની લાલચમાં 18.29 લાખ રૂપિયા ગુમાવી દીધા છે. ગઠિયાએ મહિલાનો વિશ્વાસ કેળવવા પહેલાં ખાતામાં રૂ.1700 જમા કરાવ્યા. આ બાદ મહિલાએ વધુ પૈસાની લાલચમાં કામ ચાલુ રાખ્યું ત્યારે પેનલ્ટી અને રજિસ્ટ્રેશનના બહાને તેની પાસેથી ઓનલાઈન પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. હાલમાં આ મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ગુજરાતના દરિયાકાંઠે મોટી સંખ્યામાં ડોલ્ફીનનો શિકાર, 10 શિકારીઓ પકડાયા
દરિયામાં અત્યાર સુધી દાણ-ચોરી તથા ડ્રગ્સના જથ્થા સાથે તો અનેક વખત આરોપીઓ ઝડપાયાની ઘટનાઓ બનતી રહે છે પરંતુ સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોરબંદરના દરિયાઇ વિસ્તારના 12 નોટિકલ માઇલ દૂર મધદરિયે ગત તારીખ 15 માર્ચના રોજ ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત પોલીસ તથા વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડાયનાસ-2 નામની માછીમારી બોટ સાથે બોટમાં સવાર 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. બોટમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર શિકાર કરવામાં આવેલી 22 ડોલ્ફીન મૃત હાલતમાં મળી આવી હતી. આ ઓપરેશન અંગેની તમામ તપાસ વન વિભાગ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીઓના કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કર્યા બાદ આરોપીઓ તથા મુદામાલને હાલમાં પોરબંદર વન વિભાગના ચોબારી રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો છે. પકડાયેલી બોટને હાલ પોરબંદરના અસ્માવતી બંદર ખાતે લાંગરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા જે ડોલ્ફીનનો શિકાર કરવામાં આવ્યો છે તે ડોલ્ફીન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ-2 હેઠળ પ્રોટેક્ટેડ છે જેથી ડોલ્ફીનનો શિકાર કરવા પર પ્રતિબંધ છે.
લગ્નના ત્રણ જ દિવસમાં દુલ્હને ગળેફાંસો ખાઈ લીધો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવશક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલાં લગ્ન કરેલી પરિણીતાએ પોતાના સાસરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.