હર્ષ સંઘવીને યુઝર્સે કર્યા ટ્રોલ
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ ટ્વિટર પર એક સુવિચાર પોસ્ટ કરતા જ યુઝર્સે તેમને બરાબરના ટ્રોલ કર્યા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી યુવા નેતા હોવાના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે અને તેઓ એક્ટિવ પણ ખૂબ રહે છે. એવામાં એક સુવિચાર ટ્વીટ કરવો તેમને ભારે પડ્યો છે. હાલમાં જ PSI ભરતી મામલે થયેલા ખુલાસાના કારણે યુઝર્સે સંઘવીને બરાબરના ટ્રોલ કર્યા. લોકોએ કહ્યું, ગુજરાતમાં ભરતી પણ આ જ રીતે થઈ રહી છે, એક: પેપર ફોડીને, અથવા બીજી: 40 લાખ આપીને. લોકોએ તો સંઘવીને એમ પણ સલાહ આપી કે આવા ટ્વીટ કરવાની જગ્યાએ તમે સરકારી અધિકારીઓ તથા ભ્રષ્ટાચારના ઘોડાઓ પર લગામ લગાવો તો બહુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો
અમદાવાદમાં ગત શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલી વાર એવા ડિફોલ્ટર સામેની મેગા સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ટોરેન્ટ અને જીઈબી સાથે સંકલન કરીને બાકીદારોનાં વીજળીનાં કનેક્શન પણ કાપવાની કામગીરી તંત્રએ કરી હતી. હવે આજે પણ તંત્ર બાકી ટેક્સ કરદાતાઓ સામે ત્રાટક્યું છે. સવારથી મોટી રકમના બાકીદારો સામે સીલ મારવાની ઝુંબેશ જોશભેર હાથ ધરાઈ છે. વહેલી સવારના સાડા પાંચ વાગ્યાથી સમગ્ર શહેરમાં તંત્રની વિવિધ ટીમોએ કોમર્શિયલ એકમોની યાદી તૈયાર કરી તેના આધારે સીલ મારવાની શરૂઆત કરતા ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે.
સુરતના બિલ્ડરનો અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ
નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજુ પાટે ચઢ્યો નથી. એને કારણે મોટા વરાછાના અનેક બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટા વરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે. જોકે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં આ બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો, એ તેના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો.
24 કલાકમાં હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં 24 કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટિયા પાસે હિટ એન્ડ રન ઘટનામાં એક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. શહેરમાં ગઈકાલે BMW કારચાલકે એક દંપતીને અડફેટે લીધું હતું. આ ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે ત્યાં ફરી એકવાર એક કારચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં રૂંવાટાં ઊભાં કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક યુવક રોડ ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે. તે લગભગ એક રોડ ક્રોસ કરી પણ લે છે અને રોડના ડિવાડર પર ચડવા જાય છે ત્યારે જ અચાનક એક કાર તેને અડફેટે લે છે. અડફેટે લેતાં જ યુવક રોડ પર પટકાય છે અને કાર નીચે કચડાય છે. તે ઘસડાઈને રોડ પર દૂર ફેંકાઈ જાય છે. આ દૃશ્યો હિટ એન્ડ રનની ઘટના બની એ તરફની એક દુકાનમાં કેદ થયો છે. આ દુર્ઘટના બાદ ત્યાં દુકાન પર હાજર એક શખસ પણ ચોંકી જાય છે ને દુર્ઘટના બની એ તરફ તે હાથ લાંબો કરે છે. દરમિયાન રોડ પર વાહનોની લાઈનો લાગી જાય છે.
આતુરતાનો અંત, માર્કેટમાં આવી ગઈ છે કેસર કેરી
કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.
શા માટે ચીકીનો પ્રસાદ?
અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. મોહનથાળની જગ્યાએ ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. મંદિરમાં વહેંચવામાં આવતા પ્રસાદ બદલવાને લઇને મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો મળ્યાં હતાં. જે બાદ મંદિરના પ્રશાસન દ્વારા નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરમાં માને ધરાવવામાં આવતો રાજભોગ ગણાતો મોહનથાળનો પ્રસાદ ભક્તોને આજથી જ મળવાનું બંધ થઇ જશે. આજથી જ ભક્તોને ચીકીનો પ્રસાદ વહેંચવામાં આવશે.ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સૂકા પ્રસાદ અંગે રજૂઆત અને મંતવ્યો મંદિરને મળ્યાં હતાં. જેથી મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સૂકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્સ ચાલુ છે. જો કે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. સોમનાથ તિરુપતિ સહિતનાં મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માગ છે. જે મંદિરોની માગ જોઈને અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાંસદ રંજનબેન ભટ્ટ છવાયાં
વડોદરામાં ત્રિદિવાસિય સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ પોતે પણ ખેલના મેદાનમાં ઊતર્યાં હતાં. તેમણે કબડ્ડીના મેદાનમાં ઊતરીને વિરોધી ટીમને ગજબની હંફાવી હતી. રંજનબેન ભટ્ટનો આ કબડ્ડી રમતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.