યાત્રાધામ સાળંગપુર. અહીં શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. દિવ્યભાસ્કર એપ તમને સૌથી પહેલા આ હાઈટેક ભોજનાલયની ઝલક બતાવે છે. સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે. દિવ્યભાસ્કરે કષ્ટભંજનદેવ મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી સાથે અને ભોજનાલયની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જર સાથે ખાસ વાતચીત કરી હતી.
નવું ભોજનાલય કેમ બનાવવું પડ્યું?
આ અંગે વાત કરતાં શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે ''અત્યારે મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું છે, જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે. શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું. આ નવું ભોજનાલય અંદાજે 35થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે ''
ભોજનાલયની વિશેષતા
ભોજનાલયની વિશેષતા અંગે આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ''આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે, એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું રહેશે ''
એકસાથે ચાર હજાર લોકો પ્રસાદ લઈ શકશે
આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે કહ્યું હતું કે ''ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110x278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે. કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહીં.''
રસોઈ બનાવવા માટે મંદિરમાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ થશે
આ અંગે વાત કરતાં આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે ''અત્યારે જૂના ભોજનાલયમાં વર્ષ 2017થી ઓઇલ બેસ્ડ ટેક્નોલોજીથી રસોઈ તૈયાર થઈ રહી છે, એટલે કે આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઈલેક્ટ્રિસિટીનો ડાયરેક્ટ ઉપયોગ થતો નથી. ઓઇલ બેઝ્ડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઇલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઇલ ખાસ પ્રકિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. આ પછી એ ઓઇલ કિચનમાં આવે છે, જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઇડ ફરતું રહે છે. એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે, જેમાં કોઈ અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.