રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ વાયનાડથી લોકસભાના સભ્ય હતા. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે. આ કેસમાં સુરત કોર્ટે તેમને સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે 2013માં ચૂકાદો આપ્યો હતો કે જો કોઈ જનપ્રતિનિધિ, જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.
કોંગ્રેસના કાર્યકર્તાઓનું ઉગ્ર પ્રદર્શન
ગુજરાતના વડોદરા અને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી તેના વિરોધમાં યુથ કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરી આવી હતી. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ કાળીપટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ મંજૂરી વગર ધરણા કરતાં તેમને સ્થળ પરથી હટાવાનો પ્રયાસ કરાયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા 'લોકશાહીને બચાવવાના' બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે અમે મૌન ધારણ કર્યું હતું, પરંતુ અમને કરવા દેવામાં આવતું નથી. આ દરમિયાન દેખાવકારોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓએ આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધીના વ્યક્તિત્વ અને છબીને ખરડાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને યુથ કોંગ્રેસ કેન્દ્ર સરકારના આ કાવતરા સામે મજબૂત અવાજ તરીકે મેદાનમાં ઉતરવા તૈયાર છે.
અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
અમિત ચાવડાએ ઓબીસીનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો આક્ષેપ લગાવ્યો..ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનુ પાલન ન કર્યુ ,અને સમયસર જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરી તેના આધારે અનામત સુનિશ્ચિત ન કરી અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટણીમાં ઓબીસી સમાજમને મળતી 10 ટકા અનામત નાબુદ કરી ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ભાજપ સરકારે ખતમ કરી નાખ્યું..
ગુજરાત વિધાનસભાની વેબસાઈટ
ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. પરંતુ આગળના સમયમાં તમામ પ્રશ્નતરી સહિત મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે અને લોકો જોઈ શકશે.ગુજરાત વિધાનસભાની આજથી ટ્રાયલ સ્ટેજ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં વિધાનસભા ગૃહની તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના દસ્તાવેજો મુકવામાં આવશે. તો સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે.છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ લાઈવ પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે લાઈવ પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે વેબસાઇટ તથા યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ગૃહમાં આપેલા નિવેદનને સોશિયલ મીડિયા પર જોઈ અને સાંભળી શકાશે.સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે. યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ નહીં કરવામાં આવે. જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગૃહમાં આપેલ નિવેદન સોશલ મીડિયા પર જોઈ શકાશે.
મહાઠગને લવાશે અમદાવાદ
ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરની જેલમાં છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફરીને આવેલા કિરણ પટેલ સામે હવે ગુજરાતમાં પણ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાવાની તૈયારીમાં છે. ત્યારે હવે કિરણ પટેલને અમદાવાદ લાવવા માટેની તૈયારીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર નોંધાયેલી ફરિયાદના આધારે હાલ ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવામાં આવશે, એવી વિગત ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવી છે.આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંગલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે કિરણ પટેલ સામે એક ગુનો દાખલ કર્યો છે અને તેને અમદાવાદ લાવવા માટેની પ્રોસેસ હાથ ધરી છે. હાલ અમે તેને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવાના છીએ, ત્યાર બાદ તેની સામે જો વધુ કોઈ છેતરપિંડીના ગુનાઓ હશે તો એ સંદર્ભે પણ અમે તપાસ કરવાના છીએ.
નર્મદામાં દારૂના નશામાં શિક્ષક પહોંચ્યો શાળાએ
એક તરફ જ્યાં ગુજરાત સરકાર 'ભણશે ગુજરાત જીતશે ગુજરાત' સહિતના સુત્રો સાથે રાજ્યમાં શિક્ષણ અવ્વલ કક્ષાનું હોવાની વાતો કરે છે ત્યાં બીજી બાજુ એવા શિક્ષકો પણ છે જે માત્ર શિક્ષણ જગતને જ નહિ, પરંતુ સમગ્ર શિક્ષક સમુદાયને પણ બદનામ કરે છે. નર્મદા જિલ્લામાં શિક્ષણ અને શિક્ષકોના નામને શર્મસાર કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શિક્ષક દારૂ ઢીંચીને શાળાએ આવ્યો છે.નર્મદા જિલ્લામાં શિક્ષણને શર્મશાર કરતી આ ઘટના કોયારી પ્રાથમિક શાળાની છે જ્યાં શિક્ષક રાજુ સોલંકી દારૂના નશામાં શાળાએ આવ્યો છે. નર્મદાની કોયારી પ્રાથમિક શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શિક્ષક રાજુ સોલંકી ક્લાસરૂમમાં દારૂ પીને પહોંચ્યો હતો અને જે બેંચ પર ગુજરાતનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે તે બેંચ પર જ ટલ્લી થઈને બેસુદ અવસ્થામાં પડ્યો હતો. ત્યારે કોઈ જાગૃત નાગરિક વાલીએ આ નાફાવટ શિક્ષકનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. ત્યારે સવાલ એ ઉઠે છે કે જ્યાં એક શિક્ષક કે જે આવનાર પેઢીને જીવન જીવવાના મૂલ્યો શીખવતો હોય ત્યાં આ પ્રકારનો દારૂડિયો શિક્ષક કેવી રીતે શોભે? આવા શિક્ષકોની છત્રછાયામાં કેવી રીતે ભણશે ગુજરાત?
10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
રાજકોટમાં ચાર દિવસ પહેલા શહેરના નિર્મલા રોડ પર રાત્રિના સમયે ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની બાળકી સવારે મળી આવ્યા બાદ તેની પૂછપરછમાં તે દુષ્કર્મનો શિકાર બની હોવાનું સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીએ મોબાઈલ માટે માતા-પિતા પાસે જીદ કરી હતી. પરંતુ વાદ-વિવાદ થતા બાળકી ઘરેથી પિતાના મોબાઈલ અને એક્ટિવા સાથે ઘરેથી નીકળી ગઈ હતી. બાદમાં હોટલમાં રૂમ રાખવા જતા ત્યાંનો કર્મચારી બીજી હોટલમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ બનાવ અંગે પિતાએ પોલીસને જાણ કરતા બાળકીના નિવેદન બાદ પોલીસે અપહરણના ગુનાની ફરિયાદમાં પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.