ઓર્ચિડ ગ્રીનની આગ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી
7 જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગમાં સવારે 7 વાગ્યાના સુમારે ઓર્ચિડ ગ્રીન નામની બિલ્ડિંગ ખાતે 7મા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં 17 વર્ષીય સગીરા પ્રાંજલ જીરાવાલા ગંભીર રીતે દાઝી જતાં મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન (સુઓમોટો) લીધું છે. ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ 2023ની પહેલી જાહેરહિત અરજી હાઇકોર્ટે સુઓમોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે નોંધી છે. ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ ઉપર જાહેરહિતની અરજી નોંધાઈ છે.
પતંગરસિકો માટે સારા સમાચાર
ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. આ સાથે 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે, હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી કરી છે. જેમાં સવારે ઠડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠડા પવનોનું જોરમાં થયો ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ થશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠડીમાં રાહત મળશે. હવામાન વિભાગે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે તેવી આગાહી કરી છે. જેને લઈ પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
NRI સાથે લગ્નનો મોહ ભારે પડ્યો!
જે રીતે માતા-પિતા પોતાનાં બાળકોને વિદેશમાં ભણવા મોકલવા પાછળ ગાંડપણ બતાવે છે તેમજ વિદેશના યુવકો સાથે પોતાની લાડકવાયી દીકરીના લગ્ન કરવામાં ગર્વ અને ખુશી અનુભવે છે. સમાજમાં આવા કેટલાય ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે સુરતમાં જ એવા અનેક કિસ્સાઓ છે કે લગ્ન કરી લીધાના વર્ષો બાદ પણ પોતાની પત્નીને વિદેશ લઈ જતા નથી. ઘણા કિસ્સાઓમાં તો પતિ વિદેશ જતો રહ્યો છે અને પત્ની અને તેનાં બાળકો વર્ષોથી અહીં જ છે. એક પટેલ પરિવારની ઉદ્યોગપતિની દીકરી સાથે લગ્ન કરીને તેનો પતિ અમેરિકા જતો રહ્યો છે. જ્યારે સોનાના દાગીના અને લાખો રૂપિયા પડાવ્યા બાદ પતિ હવે સંપર્ક પણ ન કરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો!
રાજસ્થાન પાસિંગની પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસના સોફા હેઠળ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આટકોટ પોલીસે આજે સવારે વાડીમાં દોરોડા પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ ભીખાભાઈ સાગઠિયા ફરિયાદ કરતા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ કલમ 65 (એ) (ઇ), 116 (બી), 81, 98 (2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાવકા પિતાએ પુત્રીને મોતને ઘાટ ઉતારી
રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી. આથી લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ સાવકા પિતા અમિત ગોરે બાળકીને ફડાકા મારી ચુપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે આ બાળકીને વાળ પકડી, ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી ઝાડીમાં ફેંકી આવ્યો હતો. જો કે, મૃતદેહ ફેંકવા જતો હતો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બાદમાં ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી હતી.
ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઊભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એમાં બસમાં અંદાજે 40 લોકો સવાર હતા, જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતાં 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પત્ની-પુત્રની હત્યા કર્યાં બાદ પતિનો આપઘાત
વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ છે. પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી નાખી હતી અને પછી પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.