ગુજરાત સરકારના GOOGLE સાથે MOU
ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગૂગલ સાથે ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા અને ગૂગલના વાઈસ-પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરવામાં આવ્યા હતા. એમ.ઓ.યુ. અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગૂગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઈન્ટરનેટ ઉપયોગ સહિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. આ સાથે જ દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આવી તાલીમ પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં, ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લિટરસી વધારવા સાથે બાળકો-વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કિલિંગને વધુ વેગ મળે એ માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.
વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાત પહેલા નંબરે
દેશમાં ગુજરાતની છાપ વિકાસશીલ રાજ્ય તરીકેની છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ લાંબો કૂદકો લગાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત વીજ ઉત્પાદનક્ષેત્રે દેશમાં પહેલા નંબરે પાસ થયું છે. ખુદ કેન્દ્ર સરકારના મંત્રાલયે આ વાતની સાબિતી આપી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI) દ્વારા વર્ષ 2023 માટે 'એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા' રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતને પહેલો નંબર આપવામાં આવ્યો છે. 2023માં ગુજરાતે 37.35 ગીગાવોટ (GW) વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી, જે મહારાષ્ટ્રના 36.12 ગીગાવોટ કરતાં વધારે હતી. 2022માં મહારાષ્ટ્ર 36.84 ગીગાવોટની ક્ષમતા સાથે ટોચ પર હતું, જ્યારે ગુજરાત 33.91 ગીગાવોટ સાથે બીજા સ્થાને હતું. એક વર્ષમાં ગુજરાતની ક્ષમતામાં 10 ટકાનો વધારો થયો છે.
હજુ માવઠામાં કોઈ રાહત નહીં
અમદાવાદ સહિત રાજ્યભરમાં માહોલ બદલાઈ ગયો છે. રાજસ્થાન પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને એની આસાપાસના વિસ્તારમાં ફેલાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ગુજરાતમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય એમ માર્ચ મહિનામાં પણ અષાઢ મહિનાની જેમ સુસવાટાભેર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ભરઉનાળે માવઠું થઇ રહ્યું છે. માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે. આજે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ગાંધીનગર અને મહેસાણામાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વાદળછાળું વાતાવરણ રહેશે. આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહીં થાય, અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
કોરોનાથી રાજ્યમાં બે દિવસમાં બે મોત
રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે, જેની સામે 98 દર્દી સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં ભરૂચના ઝઘડિયામાં કોરોનાને કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે ગઈકાલે ફરી મહેસાણામાં કોરોનાથી ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1064 એક્ટિવ કેસ છે, જેમાંથી 06 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1058 દર્દી હાલ સ્ટેબલ છે.
શ્વાને વધુ એક માસૂમનો ભોગ લીધો
સુરત શહેરમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનના ઝુંડે 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતાં તેને ગંભીર ઈજાઓ થઇ હતી. સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં જ બાળકનું મોત થયું હતું. પરિવારના એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકનાં માતા-પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. આ ઘટનાને લઈને સુરત શહેરમાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
યુવકને યુપી-બિહાર સ્ટાઇલથી માર્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ ભગવતપરામાં રહેતા યુવાનને ભાજપ અગ્રણી તથા તેના પુત્રો સહિત છ શખસે ધોકા તથા લોખંડની સાંકળ વડે બેરહેમીપૂર્વક માર મારવાના બનાવ અંગે એટ્રોસિટી સહિત ફરિયાદ થતાં ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત મોડી રાતે ભગવતપરામાં બનેલી આ ઘટનામાં ધોકા વડે યુવાનને માર મારતા હોય એના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું
વડોદરા શહેરના VIP રોડ બ્રાઈટ સ્કૂલ સામે અમિતનગર સર્કલ તરફ જવાના માર્ક ઉપર પૂરપાટ પસાર થઈ રહેલા કારચાલકે એક્ટિવાચાલકને અડફેટમાં લીધો હતો. આ ઘટના બનતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને હરણી પોલીસના હવાલે કરી દીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે કારનું આગળનું ટાયર નીકળી ગયું હતું. સદભાગ્યે મોટી દુર્ઘટના બનતા બચી ગઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.