• Gujarati News
  • Local
  • Gujarat
  • Govt Admits 63 Bridges Need Repairs; Congress Protests With Gas Bottles; The Old Man Was Trampled By The Cows

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:રાજ્ય સરકારે કયા ચાર દસ્તાવેજ છુપાવ્યા છે? સુરેશ મહેતાનો ગંભીર આરોપ, ઓવરબ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઈકોર્ટમાં સરકારની કબૂલાત
રાજ્યમાં બનેલા તમામ બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં ખુદ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવ્યું છે કે અમદાવાદ, સુરત સહિતનાં શહેરોમાંના બ્રિજોના રિપેરિંગની જરૂરિયાત છે. કુલ 63 બ્રિજને સમારકામ કરવાની જરૂરિયાત હોવાનો ખુલાસો થયો, જેમાં 40 બ્રિજને સામાન્ય રિપેરિંગ કરવાની જરૂરિયાત છે, જ્યારે 23 બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે.

વિધાનસભા બહાર ગેસના બાટલા સાથે કોંગ્રેસનો વિરોધ
માર્ચ મહિનાની પહેલી તારીખથી જ રાંધણગેસના નવા ભાવ દેશભરમાં અમલી થયા છે, જેમાં ઘરેલું LPGના ભાવમાં રૂ.50 અને કોમર્શિયલ LPGના ભાવમાં રૂ.350નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે મોંઘવારીના મારથી પીડાતી પ્રજા માટે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. વિધાનસભાની બહાર જ કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં ગેસનો બાટલો અને પ્લે કાર્ડ લઈને વિરોધ કર્યો હતો, જેમાં 2014ના સમયમાં UPAના શાસનમાં ગેસના સિલિન્ડરનો ભાવ રૂ.450 અને 2023માં ભાજપના શાસનમાં સિલિન્ડર 1100 રૂપિયાનો દર્શાવાયું છે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર 'હાય રે મોંઘવારી… હાય, હાય' ના નારા પણ લગાવ્યા હતા. મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા માટે ધારાસભ્યો રસ્તા પર ઊતર્યા હતા. દરમિયાન અમિત ચાવડાએ કહ્યું હતું કે ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપી 2014માં દિલ્હીમાં સરકાર બનાવી હતી. આજે 9 વર્ષનો સમય થયો છતાં મોંઘવારી ઘટનાને બદલે આસમાને છે. ગુજરાતમાં ગ્રોથ એન્જિનની વાતો થતી હોય, ખેડૂતોની આવક બમણી કરવાનાં વચનો અપાયાં હોય, મોંઘવારી ઘટાડવાનાં સ્વપ્ન બતાવ્યાં હોય. એવી સ્થિતિમાં આજે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ નબળી થઈ છે. 50 પૈસા કિલોએ ડુંગળી વેચવા મજબૂર બન્યો છે. રૂ.2 કિલોએ બટાટા, લસણ વેચાય છે. બીજી બાજુ સામાન્ય ગૃહિણી બજારમાં એ ખરીદવા જાય ત્યારે ઊંચી કિંમત ચૂકવવી પડે છે.

કડક દારૂબંધીની પોકળ વાતો વચ્ચે સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા
રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગત પ્રમાણે, અમદાવાદમાં વર્ષ 2021માં 14 લાખ 64 હજાર 666નો દેશી દારૂ પકડાયો, જ્યારે વર્ષ 2022માં 15 લાખ 40 હજાર 134નો દેશી દારૂ ઝડપાયો તેમજ વર્ષ 2021માં 2 કરોડ 71 લાખ 98 હજાર 267નો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે વર્ષ 2022માં 5 કરોડ 34 લાખ 99 હજાર 739નો વિદેશી દારૂ ઝડપાયો હતો. ગાંધીનગરમાં 2021માં 24 હજાર 560નો દેશી દારૂ પકડાયો, જ્યારે વર્ષ 2022માં 30 હજાર 780નો દેશી દારૂ પકડાયો હતો, સાથે 2021માં 13 લાખ 13 હજાર 567નો વિદેશી દારૂ પકડાયો હતો. વર્ષ 2022માં 10 લાખ 27 હજાર 402નો વિદેશી દારૂ પકડાયો હતો. છેલ્લાં 2 વર્ષમાં પ્રોહિબિશનનાં કેસના 360 આરોપી વોન્ટેડ હોવાનો સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો ગુજરાત સરકાર પર આરોપ
ગુજરાત સરકારે વિધાનસભામાં તાજેતરમાં 2023-24 માટે જે રૂ. 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે એ સરકારના ખર્ચમાં 2022-23ના બજેટ કરતાં આશરે રૂ. 50,000 કરોડનો વધારો દર્શાવે છે, પરંતુ આ ખર્ચ અંગે જે વિગતો વિધાનસભાને કે ગુજરાતના ભારતીય નાગરિકોને પ્રાપ્ત થવી જોઈએ એ રાજ્યની ભાજપ સરકારે ચાર દસ્તાવેજ વિધાનસભા સમક્ષ રજૂ નહિ કરીને છુપાવી છે એવો આરોપ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે છુપાવાયેલા આ દસ્તાવેજો છે: મધ્યમ ગાળા માટેના ખર્ચના માળખાનું પત્રક, પરિણામલક્ષી અંદાજપત્ર, મહિલા અંદાજપત્ર અને વિકાસલક્ષી કાર્યક્રમ. આ ચારેય દસ્તાવેજો બજેટની વિગતોને સમજવા માટે તેમ જ સરકારની મનશાનો અંદાજ મેળવવા માટે અત્યંત અગત્યના છે અને એમ છતાં એ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા નથી તેમ જ એ સરકારના નાણાં વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ થતા નથી. આ ચારેય દસ્તાવેજો હંમેશાં બજેટનો ભાગ રહેતા હતા અને એ બજેટ પ્રકાશન નંબર સાથે રજૂ થતા હતા. આ દસ્તાવેજો રજૂ ના થવાથી સરકારે સુશાસનના પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના પાયાના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ કર્યો છે, એમ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું હતું.

ગાયોએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યાં
વડોદરામાં રખડતાં ઢોરના હુમલાના બનાવો વાંરવાર બની રહ્યા છે. આજે બપોરે દોઢ વાગ્યા આસપાસ હાઉસિંગના મકાનમાં રહેતાં ગંગાબેન પરમાર નામનાં વૃદ્ઘા પંચરત્ન સોસાયટીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. આ દરમિયાન સોસાયટીના મકાન પાસે જ ગેરકાયદે બનેલા ઢોરવાડા પાસેથી પસાર થતાં જ એક ગાયે ગંગાબેન પર હુમલો કર્યો હતો. ગાયે વૃદ્ઘાને ગોથે ચડાવતાં તેઓ જમીન પર પટકાઇ ગયાં હતાં અને ગાય વારંવાર તેમના પર હુમલો કરી રહી હતી, પરંતુ વૃદ્ઘાને કોઈ બચાવી ન શક્યું અને બચાવો બચાવોની બૂમો પાડતાં ગંગાબેનનું કરુણ મોત થયું. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જોકે જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં ગંગાબેનનું મોત થઈ ચૂક્યું હતું, જેથી પોલીસ પણ આવી ગઇ હતી અને મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

હુમલાખોરોએ યુવાનને જાહેરમાં લાકડીના ફટકા માર્યા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી બકરો લઈ પસાર થઈ રહેલા યુવાનને સામાન્ય બાબતમાં ચારથી પાંચ યુવાનોએ જાહેરમા લાકડીના ફટકા માર્યા હતા. હુમલાખોર ટોળકીનો ભોગ બનેલા યુવાનના ત્રણ દાંત તૂટી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ બનાવ અંગે મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ડબલડેકરબ્રિજ પરથી મહિલાનો આપઘાત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો સીટીએમ ડબલડેકરબ્રિજ રીતસરનો સુસાઇડ પોઈન્ટ બન્યો છે. એક મહિનામાં ત્રણ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે આજે વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે કમનસીબે મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. અગાઉ બે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે એક બાળક આત્મહત્યાનો પ્રયાસ કરવા જતો હતો, તેને પોલીસે બચાવ્યો હતો. સતત વધી રહેલા આત્મહત્યાના બનાવોને કારણે હવે પોલીસ દ્વારા આ બ્રિજ પર પેટ્રોલિંગ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...