અધિકારીઓ પર ગાજ:ભ્રષ્ટાચારના કેસમાં 22 જણા સામે ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધવા આયોગની તાકીદ

અમદાવાદ2 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક
  • 211 અધિકારી-કર્મચારી સામે શિસ્ત અને અપીલ નિયમો નીચે ભારે શિક્ષાની કાર્યવાહી કરવાની ભલામણ

ભ્રષ્ટ્રાચાર અને ગેરરીતિ બદલ 22 અધિકારી- કર્મચારી સામે ગુજરાત તકેદારી આયોગે ફોજદારી ધારા હેઠળ કાર્યવાહી કરવા ભલામણ કરી છે. જ્યારે 211 અધિકારી- કર્મચારી સામે સંબંધિત આક્ષેપિતોને લાગુ પડતા શિસ્ત અને અપીલ નિયમો નીચે ભારે શિક્ષાની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે તેમ જ ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો હેઠળ 24 અધિકારી-કર્મચારી સમે પેન્શન કાપની ભલામણ કરી છે.

ભ્રષ્ટ્રાચાર તેમ જ ગેરરીતિ આચરવા બદલ થયેલી ફરિયાદોની તપાસના અંતે વિભાગ તરફથી રજૂ થયેલા અહેવાલોને ધ્યાનમાં લઇને ગુજરાત તકેદારી આયોગ દ્વારા 2020ના વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગો હસ્તકના અધિકારીઓ-કર્મચારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા માટે કુલ 357 ભલામણ કરી છે, જેમાં 22 અધિકારી સામે તો ફોજદારી ધારા હેઠળ કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. તો 211 કર્મચારી-અધિકારી સામે ભારે શિક્ષા, 24 સામે પેન્શન કાપ અને 78 સામે સામાન્ય શિક્ષા અને 22 જણા સામે અન્ય શિક્ષા અંગેની ભલામણો કરી હતી. એમાં સૌથી વધુ માર્ગ અને મકાન વિભાગના 149 અને આરોગ્ય વિભાગના 44 કર્મચારી- અધિકારીનો સમાવેશ થાય છે.

એ જ રીતે બોર્ડ-નિગમના 168 અધિકારી- કર્મચારી સામે ભલામણો કરી છે. તે પૈકી 162 અધિકારી- કર્મચારી સામે ભારે શિક્ષાની કાર્યવાહી હાથ ધરવાની તથા 4 જણા સામે નાની શિક્ષાની કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. તો 2 કિસ્સામાં અન્ય કાર્યવાહીની ભલામણ કરાઇ છે. આ 168 કર્મચારી-અધિકારીમાં 69 કર્મચારી-અધિકારી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના તથા 46 ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી-અધિકારીઓનો સમાવેશ થાય છે.

કયા વિભાગના 22 કર્મચારીઓનો સમાવેશ
22 કર્મચારી-અધિકારીઓ સામે ફોજદારી ધારા હેઠળ કાર્યવાહી કરવાની આયોગ દ્વારા કરાયેલી ભલામણ જોઇએ તો સૌથી વધુ કૃષિ વિભાગ, કલ્યાણ અને સહકાર વિભાગ તથા મહેસૂલ વિભાગના ચાર ચાર કર્મચારી-અધિકારીનો સમાવેશ થાય છે. જ્યારે આરોગ્ય અને પરિવાર, ગૃહ વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમ જ બંદરો અને વાહનવ્યવહાર વિભાગના બે-બે કર્મચારીનો સમાવેશ થાય છે. તો કાયદા વિભાગ, નર્મદા,જળસંપત્તિ,પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, શિક્ષણ તેમ જ સામાન્ય વહીવટ વિભાગના એક-એક કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અગાઉ 383 શિક્ષાના હુક્મો થયા
આયોગ દ્વારા અગાઉ કરાયેલી ભલામણને પગલે વિભાગો તરફથી 383 કર્મચારી-અધિકારીને શિક્ષાના હુક્મો થયા છે. આ હુક્મમાં 86 વર્ગ-1ના અધિકારીઓને શિક્ષા કરવામાં આવી છે, જેમાં 11 અધિકારીને મોટી શિક્ષા અને 44 અધિકારીને પેન્શન કાપની શિક્ષા ફટકારવામાં આવી છે, જ્યારે વર્ગ-1ના 31 અધિકારીઓને સામાન્ય શિક્ષા થઇ છે. આ ઉપરાંત વર્ગ-2ના 182 અધિકારીઓ પૈકી 10 અધિકારીને મોટી શિક્ષા, 99 અધિકારીને પેન્શન કાપની તથા 73 અધિકારીને નાની શિક્ષા કરાઇ છે. તો વર્ગ-3ના કુલ 115 કર્મચારીને શિક્ષા ફટકારાઇ છે, જેમાં 11 કર્મચારીને મોટી શિક્ષા, 44 કર્મચારીને પેન્શન કાપ તેમ જ 60 કર્મચારીને સામાન્ય શિક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે.

2 જણાને બરતરફીની મહત્તમ શિક્ષા થઇ
વિભાગો દ્વારા 383 અધિકારી-કર્મચારીને કરાયેલી શિક્ષામાં બે જણાને તો બરતરફીની મહત્તમ સજા ફટકારવામાં આવી હતી. એમાં વર્ગ-1 ના અધિકારી અને વર્ગ-3ના કર્મચારીનો સમાવેશ થાય છે. તો એક વર્ગ-1ના અધિકારીને રુખસદની સજા કરાઇ છે. તો 2 કેસમાં ફરજિયાત નિવૃત્તિની શિક્ષા થઇ છે. અને 27 જણાને પગાર ધોરણમાં નીચલા તબક્કે લઇ જવામાં આવ્યા છે. 187 અધિકારી-કર્મચારીને પેન્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે.

69 કેસોમાં નિવૃત્તિના સમયે અથવા નિવૃત્તિ બાદ રજૂ થયા હોવાનો ઘટસ્ફોટ
વય નિવૃત્ત થતા આક્ષેપિતોની વય નિવૃત્તિના ત્રણ માસ અગાઉ તેમની સામેની તપાસનાં પ્રકરણો આયોગને રજૂ કરી દેવા અંગે તકેદારી આયોગની સૂચના છે. આમ છતાં 69 કેસો નિવૃત્તિના સમયે અથવા તો નિવૃત્તિ બાદ રજૂ થયા હોવાની હકીકતનો ઘટસ્ફોટ થવા પામ્યો છે, જેમાં સરકારી જુદા જુદા વિભાગના 54 કેસો તથા બોર્ડ-નિગમના 15 કેસોનો સમાવેશ થાય છે. ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મહત્તમ 10, સરદાર સરોવર નર્મદા નિગમના 3 તથા ગુજરાત આૈદ્યોગિક વિકાસ નિગમના 2 કેસોનો સમાવેશ થાય છે.

આયોગ દ્વારા વિભાગને ફરિયાદ અરજી તપાસાર્થે મોકલવામાં આવે છે. તપાસ બાદ આયોગ સમક્ષ 69 પ્રકરણ રજૂ કરવામાં એક વર્ષ કરતાં વધારે સમયનો વિલંબ કરવામાં આવ્યો હોવાનું આયોગના ધ્યાન પર આવ્યું હતું. આ બાબતે આયોગે વિભાગ તેમ જ બોર્ડ-નિગમના શિસ્ત અધિકારીઓને સ્થાયી સૂચનાઓ અનુસાર નિયત સમય મર્યાદામાં આયોગ સમક્ષ કેસો રજૂ કરશે તેવી આશા સેવી છે.

અન્ય સમાચારો પણ છે...