• Gujarati News
  • Local
  • Gujarat
  • Bulldozer Ran In Ahmedabad And Mevani Got Damaged, Saurashtra Farmer's Unique Act, See Seven Big News

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:અમદાવાદમાં બુલડોઝર ચાલ્યું અને મેવાણી બગડ્યા, સૌરાષ્ટ્રના ખેડૂતનો અનોખો જુગાડ, જુઓ સાત મોટા સમાચાર

એક મહિનો પહેલા

મેવાણીએ ટ્વીટ કરી ભાજપ પર કર્યા પ્રહાર
મંગળવારે અમદાવાદના વાડજમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જિજ્ઞેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમણે ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે. અમદાવાદના વાડજમાં 250થી વધુ પરિવારોનાં મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી.

ટ્રાફિક દૂર કરવા રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે એવામાં ટ્રાફિક વિભાગમાં નવા ડીસીપીની નિમણૂક બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધનાં ચોક્કસ અપડેટ સહિત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ MOU કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ભારતમાં જ બની છે અને ગૂગલ મેપ કરતાં સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ એપ્લિકેશન મદદથી શું રાજકોટ પોલીસ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવી શકશે કે કેમ એ પણ મોટો સવાલ છે.

ખેડૂતનો અનોખો જુગાડ
ભારતમાં સંરક્ષણક્ષેત્રથી લઈને ફિલ્મ ઉદ્યોગમાં તો ડ્રોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય જ છે, પરંતુ શું ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી શકાય છે. આ નવતર અભિગમ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જોવા મળ્યો, જ્યાં ખેડૂતે ડ્રોનના મારફત યુરિયા ખાતરનો કપાસના પાકમાં છંટકાવ કર્યો હતો અને માત્ર 30 જ મિનિટમાં 1 એકરમાં તેમણે કપાસના પાક પર દવાનો છંટકાવ કરીને સમય અને પૈસા બન્નેનો બચાવ કર્યો હતો.

CA ફાઇનલ અને ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ
નવેમ્બર માસમાં લેવાયેલી સીએ ફાઈનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ફાઇનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય ઓલ ઇન્ડિયામાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે.સીએના પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદના 877 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી 135 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતાં પરિણામ 15.39% આવ્યું છે. ઓલ ઇન્ડિયા લેવલની વાત કરવામાં આવે તો 29,242 વિદ્યાર્થી પૈકી 3,243 વિદ્યાર્થીનું 11.9% પરિણામ આવ્યું છે.

ગોઝારો મંગળવાર
અમદાવાદમાં છેલ્લા મંગળવારે 5 ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દેવીપૂજક મહિલાને બેફામ ચાલી આવેલી ટ્રકે અડફેટે લેતાં તેમનું મોત થયું. તો વટવામાં સાઈકલ લઈને સ્કૂલે જઈ રહેલી કિશોરીને બોલેરો કારે ટક્કર મારતાં તે ફંગોળાઈને નીચે પડતાં મોતને ભેટી. અકસ્માતની ત્રીજી ઘટનામાં બાપાસિતારામથી કલ્યાણચોક તરફ ચાલતા જઈ રહેલા વૃદ્ધને બાઈકચાલકે ટક્કર મારી હતી. તો એફએસએલ ચાર રસ્તા તરફ બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેમનું મોત નીપજ્યું. અકસ્માતની પાંચમી ઘટના એનઆઈડી સર્કલ પાસેની રિવરફ્રંટ હોટલ સામે બની, જેમાં એસટી બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારીને યુવકને ટક્કર મારી. ત્યારે લોકોની ઉતાવળ અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.O
સરકાર દ્વારા સામાન્ય જનતા સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ બાબતે સરકાર દ્વારા સ્વર્ણિમ સંકુલ 2માં જન સંપર્ક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યો છે. સિસ્ટમ કેવી રીતે કામ કારશે એ બાબતે જન સંપર્ક કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ 1 જાન્યુઆરીથી શરૂ કરી છે, જેમાં સરકારે 7030930344 નંબર જાહેર કર્યો છે. અમાં કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ નંબર સેવ કરીને પોતાની ફરિયાદ પોર્ટલ માધ્યમથી કરી શકશે. ફરિયાદ પ્રાપ્ત થયા બાદ વિભાગ દ્વારા તાપસ કરવામાં આવે છે. ત્યાર બાદ જિલ્લા અને તાલુકા તથા કોર્પોરેશનદીઠ ફરિયાદને આગળ મોકલવામાં આવશે

વ્યાજખોરો સામે લાલ આંખ
વડોદરા શહેરમાં વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકદરબાર યોજાવામાં આવી રહ્યા છે, ત્યારે ફતેગંજમાં યોજાયેલા લોકદરબારમાં DCPએ જણાવ્યું હતું કે જો તમે વ્યાજખોરો સામે જાહેરમાં અમારી સમક્ષ રજૂઆત ન કરી શકતા હોય તો બેનામી અરજી આપો. અમે તેમના સામે તપાસ કરીશું.

અન્ય સમાચારો પણ છે...