• Gujarati News
  • Local
  • Gujarat
  • Big News For Lunch Workers; Why Did Jammu And Kashmir Police Reach Ahmedabad?; Those Who Play The Game Of Politics Will Now Play Cricket

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓ માટે મોટા સમાચાર; જમ્મુ કાશ્મીરની પોલીસ અમદાવાદ કેમ પહોંચી?; રાજનીતિનો ખેલ ખેલનારા હવે ક્રિકેટ રમશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંતે સરકારે રજૂઆત સ્વીકારી
સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે સરકાર દ્વારા સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. જેને પગલે આ યોજનામાં કાર્યરત ગુજરાતના 84 હજાર કર્મચારીઓને ડિસેમ્બર 2022થી પગાર પણ ચૂકવાયો નથી. અનાજનો પૂરતો જથ્થો પણ ફાળવવામાં આવતો નથી. આ મામલે ત્વરિત જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા CMને પત્ર લખી રજુઆત કરી હતી. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા સમગ્ર મામલે કર્મચારીઓને વાચા આપતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેના 24 કલાકમાં સરકારે કર્મચારીઓનો અટકેલો પગાર સરકારે ચૂકવવાનો વાયદો કર્યો છે.

જમ્મુ કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી
મહાઠગ કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે તો આપી જ હતી, સાથે રોફ જમાવવા PMOના અધિકારી હોવાનું વિઝીટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. અમદાવાદના મણીનગરની પ્રિન્ટિંગ પ્રેસ આકાંક્ષા ક્રિએશનમાં તેણે વિઝીટિંગ કાર્ડ છપાવ્યા હતા. કિરણ પટેલની ધરપકડ બાદ ખુલાસો થતા જમ્મુ કાશ્મીર પોલીસ અમદાવાદ પહોંચી હતી. અમદાવાદમાં જમ્મુ કાશ્મીર પોલીસે આકાંક્ષા ક્રિએશનમાં સર્ચ કર્યું હતું, જોકે કોઈ પુરાવા નહોતા મળ્યા. જમ્મુ કાશ્મીર પોલીસે આકાંક્ષા ક્રિએશનના હાર્ડડિસ્ક, ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત પ્રિન્ટિંગ પ્રેસના માલિકનું નિવેદન પણ લીધું હતું.

રાજ્યમાં કોરોનાનો વધતો જતો આતંક
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેની સામે 45 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 655 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 651 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,881 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યના અનેક પંથકમાં માવઠાનો માર
અમદાવાદ અને કચ્છ સહિત રાજ્યના અનેક પંથકમાં ગઈકાલે માવઠું વરસ્યું હતું. કચ્છના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તેમજ અનેક સ્થળે કરા પણ પડ્યા હતા. ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ભરાયા હતા. ભુજમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાનુશાળી નગર સહિતના વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયા હતા. બે કલાકથી વીજળી ગુલ થઈ હતી.

MLA ક્રિકેટ લીગની જાહેરાત
ગુજરાતમાં રાજનીતિક રમત રમી ચુકેલા ધારાસભ્યો હવે ક્રિકેટની રમત પણ રમશે. ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23 ની શરૂઆત થવા જઇ રહી છે. તારીખ 20,27 અને 28 માર્ચ દરમિયાન આ ક્રિકેટનું આયોજન થશે. આ મેચનું આયોજન કોબા ખાતે આવેલા એક ખાનગી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થશે. આ મેચ 20 ઓવરની રહેશે. જેમાં બનાસ, તાપી, વિશ્વામિત્રી, ભાદર, સરસ્વતી, શેત્રુંજી, સાબરમતી, નર્મદા, મહીસાગર અને મીડિયા ટીમ બનાવવામાં આવી છે. જેનો પ્રથમ રાઉન્ડ 20 માર્ચના દિવસે આયોજીત થશે. જેમાં બનાસની સામે વિશ્વામિત્રી ઉતરશે. 28 તારીખે ફાઇનલ અને સેમીફાઇનલનું આયોજન થશે. જેમાં સેમી ફાઇનલમાં મેચ ત્રણની વિજેતા ટીમ અને ચોથી મેચની વિજેતા સાંજે સાત વાગ્યે સામસામે ઉતરશે. જ્યારે પાંચમી મેચ અને છઠ્ઠી મેચની વિજેતા ટીમ સાંજે 8.30 વાગ્યે આયોજીત થશે. ત્યાર બાદ સાતમી મેચની વિજેતા ટીમ અને આઠમી મેચની વિજેતા ટીમ સામસામે ફાઇનલ સ્વરૂપે સાંજે 10 વાગ્યે ટકરાશે.

H3N2 સામે તંત્ર તૈયાર
રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2ની પરિસ્થિતી વિશે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલના વિધાનસભામાં જણાવ્યા અનુસાર આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસ્લેટામાવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં જરૂર જણાયે કુલ 200થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.

અંગદાનથી સાત લોકોને નવજીવન આપ્યું
સુરતથી હિંદુ તળપદા કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ શૈશવ ગીરીશભાઈ પટેલ ઉ.વ 24ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષીમાનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કોસંબાના રહેવાસી ૨૨ વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 40 વર્ષીય મહિલામાં અમદાવાદની K.D હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. જયારે બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પીટલમાં કરવામાં આવશે. હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ, ફેફસા, લિવર અને કિડની સમયસર અમદાવાદની K.D હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...