રૂપાણીનો પતંગ કપાયો અને પટેલનો ઉંચે ચગ્યો. હા, આ ઉત્તરાયણમાં બે રાજકીય દિગ્ગજના પતંગ ચર્ચામાં રહ્યા. એક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બીજા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. બન્ને દિગ્ગજોએ ઉત્તરાયણ પર્વમાં પરિવાર સાથે ધાબે ચઢીને પતંગ ચગાવ્યા. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરામાં તો વિજય રૂપાણીએ વતન રાજકોટ આ મહાપર્વની ઉજવણી કરી.
ભૂપેન્દ્ર પટેલે ભાઈના ઘરે ધાબે ચઢીને પતંગ ચગાવ્યો
ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણ પર્વ મનાવવા અમદાવાદના નારણપુરા પહોંચ્યા. અહીં તેમણે પોતાના ભાઈના ઘરે ઉત્તરાયણ મનાવી. પરિવારજનો અને નિકટના સભ્યોની સાથે તેમણે અહીં આ મહાપર્વની ઉજવણી કરી. ધાબા પર ચઢીને મુખ્યમંત્રીએ પતંગની દોર પર પણ હાથ અજમાવ્યો. મુખ્યમંત્રીએ બે ટીચકીમાં જ પતંગ ચગાવી બતાવ્યો. પતંગ ચગાવતાં ચગાવતાં તેઓ પોતાના અસલી અંદાજમાં જોવા મળ્યા. વારંવાર ઢીલ દેતાં અને પેચ લગાવતાં પણ જોવા મળ્યા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ચીકી ખાતાં ખાતાં આસપાસના લોકો સાથે વાતચીત પણ કરી.
પતંગ ચગાવ્યા પહેલાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સવારે અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચ્યા. અહીં તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને ગાયનું પૂજન કરી નિરણ ખવડાવી. આ દરમિયાન તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું. મુખ્યમંત્રીએ મંદિર વિસ્તારમાં રહેતાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઈનું પણ વિતરણ કર્યું.
વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ મનાવી
આ તરફ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. પરિવાર સાથે પતંગ ચગાવતાં ચગાવતાં રૂપાણી પણ આગવા અંદાજમાં જોવા મળ્યા. જો કે ઢીલ દઈને પતંગ કાપવાના પ્રયાસમાં રૂપાણીનો પતંગ કપાઈ ગયો. પતંગ ઉડાડવાની મજા માણતાં રૂપાણીએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે, તેમણે ક્યારેય કોઈને કાપવાની રાજનીતિ કરી નથી, તેમણે હંમેશા લોકોને જોડવાનું કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.