• Gujarati News
  • Local
  • Gujarat
  • Battle To Enter Final Between Mumbai Gujarat Today; Bageshwar Baba's Divine Court In Surat; This MLA Narrowly Survived The Accident

મોર્નિંગ ન્યૂઝ બુલેટિનફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર:આજે મુંબઈ-ગુજરાત વચ્ચે ફાઈનલમાં પ્રવેશવા જંગ; સુરતમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર; આ ધારાસભ્ય અકસ્માતમાં માંડ માંડ બચ્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં પેઠા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ જોવામાં આવી છે.

આજે મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 રમાશે
આજે અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી IPLની ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાતને હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું. તો ગુજરાતની ટીમ હારતાની સાથે ક્વોલિફાયર-2માં પહોંચી હતી. ત્યારે આજે રમાનારી મેચમાં જે ટીમ જીતશે તે 28મી મે અને રવિવારના રોજ ચેન્નઈ સામે ફાઈનલમાં રમશે.

સુરતમાં આજે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. ત્યારે ગુરૂવારે બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીધા એક ભક્તના ઘરે ગયા હતા. તે દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેઓ વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જોકે, ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી સુરત રવાના થયા હતા. ત્યારે બાબના આગમનને લઇ સુરતમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પહોંચી ગયા હતા. જોકે, બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ માતા કિરણ પેટલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ બહાર આવ્યા હતા. સુરત એરપોર્ટ બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. આજે શુક્રવારે દિવ્ય દરબાર અને 27 તારીખે કથા અને ભભૂતી વિતરણ કરાશે.

કેનાલમાં નહાવા જતાં ત્રણ કિશોરી ડૂબી
વિરમગામ તાલુકાના નીલકી ગામની પૂજા નાનુભાઈ ભરવાડ (ઉં.વ.18) કે જે પોતે વરખડિયા ગામે રહેતા માસા માતમભાઈના ઘરે બે દિવસ અગાઉ આવી હતી. જ્યારે પિંકી સેનાભાઈ ભરવાડ (ઉં.વ.14) જે પોતે તેના મામા વરખડિયા ગામે રહેતા હોવાથી મનુભાઈ ભરવાડના ઘરે એક મહિના પહેલા આવી હતી. અને ભરવાડ કિસાબેન કનુભાઈ કે જે પોતે પોતાના મામા ભરવાડ કિરણભાઈના ઘરે 20 દિવસથી આવી હતી. ત્રણેયે ગુરુવારે બપોરે વરખડિયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કપડાં ધોવા જવા માટેનો નિર્ણય કર્યો અને ત્રણેય કિશોરીઓ કપડાં ધોવા ગઈ હતી. ત્રણેય કિશોરીઓ કપડાં ધોઈ રહી હતી. ત્યાં કપડાં ધોતા ધોતા ત્રણેયે નહાવા જવાનો નિર્ણય કરતા અચાનક જ પગ લપસ્યો ને ત્રણેય કિશોરીઓ કેનાલમાં ડૂબવા લાગી હતી. નહાવા પડેલી કિશોરીમાંથી એક બાર વર્ષીય કિશોરી કિસા ભરવાડને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગઈ હતી, પરંતુ બે કિશોરીઓને તરતાં ન આવડતું હોવાથી તે બે કિશોરીઓ નર્મદાના પાણીમાં ડૂબવા લાગી હતી. બાર વર્ષની કિસા એકાએક તરીને બહાર આવી હતી અને બુમાબૂમ કરતા આજુબાજુના રાહદારીઓ તેમજ ખેતરમાં કામ કરતા લોકો આવી પહોંચ્યા હતા અને તેને કેનાલમાંથી બહાર કાઢી હતી. ઘટના બનતા લોકોએ બાવલુ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે મહેસાણા ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી અને તાત્કાલિક તેઓ પણ ઘટનાસ્થળે તરવૈયા સહિત આવી પહોંચ્યા હતા અને બેની શોધખોળ આદરી હતી.

અકસ્માતમાં અનંત પટેલનો આબાદ બચાવ
વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે કારમાં નુકસાન થયું છે તો ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજા થઈ છે.

આગથી આકાશમાં ધૂમાડાના ગોટેગોટા
અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48ને અડીને ભંગારના અનેક ગોડાઉન આવેલા છે. જેમાં અનેક કેમિકલયુક્ત સરસમાન પણ લેવામાં આવતો હોવાના કારણે અનેક વખત આ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ગુરૂવારે બપોરના સમયે પણ અંકલેશ્વરના નોબલ માર્કેટની બાજુના રીગલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા બે ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં. આગ એટલી વિકરાળ હતી કે, આગના કાળા ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં. આગ અંગેની જાણ અંકલેશ્વર DPMCના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

લુખ્ખા તત્વોનો આતંક CCTVમાં કેદ
માણસાના મહાવીર કોમ્પ્લેક્સમાં પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામના શોરૂમમાં પૈસાની ઉઘરાણી મામલે ત્રણ શખસો લોખંડની પાઇપો લઈને ત્રાટક્યા હતા અને શોરૂમનાં કાચ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને એક્ટિવામાં તોડફોડ કરીને 71 હજારની લૂંટ કરી નાસી ગયા હતા. પિતા-પુત્રએ તપાસ કરતાં 43 ઇંચના ટીવી નંગ-2 કિંમત રૂ. 56 હજાર, 32 ઇંચના ટીવી નંગ-2, એક કૂલર, એક ટાવર ફેન, ફ્રિજ, ઘરઘંટી, એસી તેમજ એક્ટિવા મળીને રૂ. 1 લાખ 58 હજાર 300નું નુકસાન તેમજ ત્રણેય જણા દુકાનના ડ્રોઅરમાં મૂકેલા રોકડ રૂપિયા 71 હજારની લૂંટ કરતા ગયાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.