ધો.10નું પરિણામ જાહેર
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે, જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું. નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયાં હતાં. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે. આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિતમાં પાક્કા સાબિત થયા છે. ગુજરાતીઓનું ગણિત સારું હોવાનું પરિણામમાં બહાર આવ્યું છે. ધોરણ-10ની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે, જેમાં ગણિત, વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ. આ ઉપરાંત તેમણે ભાષાઓ જેવી કે સંસ્કૃત, પર્શિયન, ઉર્દૂમાં પણ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. જોકે આ બાબતે ગુજરાતીમાં એકપણ વિદ્યાર્થી 100 માર્ક્સ મેળવવામાં સફળ થયો નથી. ગુજરાતીમાં સૌથી વધુ 97 માર્ક્સ એક વિદ્યાર્થીને આવ્યા છે. જ્યારે સેકન્ડ લેગ્વેંજ અંગ્રેજીમાં 48 વિદ્યાર્થીને 99 માર્ક્સ આવ્યા છે. હિન્દીમાં એકને 96 માર્ક્સ આવ્યા છે.
બાગેશ્વર સરકારના ગુજરાત પ્રવાસની શરૂઆત
અમદાવાદ એરપોર્ટ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થયું હતું. તેમના આગમનને વધાવવા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયના વિવાદ બાદ આજે બાગેશ્વરધામના શાસ્ત્રી ગુજરાત આવી પહોંચ્યા હતા અને તેઓ કોંગ્રેસનેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. આજે અમદાવાદમાં વટવા વિસ્તારમાં બાબાએ દેવકીનંદન મહારાજની કથામાં હાજરી આપી. અહીં બાબા બાગેશ્વરે પ્રવચન પણ કર્યું. તેમણે તમામ હિન્દુઓને એક થવા અપીલ કરી. આ પ્રસંગે બાબાએ કહ્યું- ,'ગુજરાતના લોકોને ચૂપ કરાવવા ઘણા મુશ્કેલ, સનાતન હિન્દુ માટે જાગવાનો સમય; નહીં જાગીએ તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય'.
મુખ્યમંત્રી વિપક્ષ પર આકરા પાણીએ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સંસદભવનના ઉદઘાટન મામલે વિરોધપક્ષ દ્વારા કરાયેલા વિરોધ અંગે નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે 19 વિપક્ષીઓના વિરોધનો નિર્ણય નિંદનીય છે, વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલા સમાન છે. આજે ખેડા જિલ્લાના નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ ખેલ સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત વિજેતા રમતવીરોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ખેડા જિલ્લાની તમામ બેઠકના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સંસદભવનના ઉદઘાટન સમારોહના વિરોધ પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટનાના નથી. છેલ્લાં નવ વર્ષમાં આવી વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રક્રિયાઓ અને નિયમોની અવમાનના કરી છે. સંસદના સત્રને અટકાવ્યા છે. સંસદનો બહિષ્કાર કર્યો છે. આ તેમનું આત્મઘાતી પગલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના દૂરંદેશીપણા હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સંસદભવનના નવનિર્મિત સંકુલનું તારીખ 28 મે રવિવારના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આપણા 19 જેટલા વિપક્ષી દળો દ્વારા આ સંસદભવનના લોકાર્પણનો વિરોધનો નિર્ણય એ કઠોર, નિંદનીય છે. વિપક્ષી દળોનો આ નિર્ણય માત્ર અપમાનજનક જ નથી, પરંતુ મહાન દેશના લોકતાંત્રિક મૂલ્યો અને સંવર્ધન માન્યતાઓ પર પણ હુમલો સમાન છે. અફસોસની વાત એ છે કે તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટનાના નથી. છેલ્લાં નવ વર્ષમાં વિપક્ષી દળોએ વારંવાર આવી સંસદીય પ્રક્રિયાઓ અને નિયમોની અવમાનના કરી છે. સંસદના સત્રને અટકાવ્યા છે. સંસદનો બહિષ્કાર કર્યો છે. આ તેમનું આત્મઘાતી પગલું છે.
28 અને 29 મેએ વરસાદની આગાહી
રાજ્યમાં ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જે મુજબ 28મી અને 29મી તારીખે રાજ્યમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સ્ટર્ક્યુલેશન સક્રિય થતાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદની આગાહી કરવાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી છે, જેને કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી 25થી 29 મેના રોજ કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે હળવાથી ભારે અને તોફાની વરસાદની આગાહી કરી હતી. અરબી સમૃદ્રમાં સર્જાયેલા હવાના દબાણના કારણે વરસાદ વરસશે. અંબાલાલ પટેલના મતે ભારે વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાટકેશ્વર બ્રિજના આરોપીઓની મુશ્કેલીમાં વધારો
શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાટકેશ્વર બ્રિજના આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોપીઓએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હલકી ગુણવત્તાવાળું કામ કરનારને જામીન ન આપી શકાય છે. અજય એન્જિ.-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આ જામીન અરજી ફગાવી છે. કેસના 4 આરોપી- રમેશ પટેલ, કલ્પેશ પટેલ, રસિક પટેલ, ચિરાગ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. તમામ આરોપી જેલભેગા થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ આરોપીઓ સામે IPCની કલમ 420, 406,409 અને 120B હેઠળ પુલમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તમામ આરોપીઓ હવે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. અગાઉ AEIPLના ડિરેક્ટરોને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત પણ મળી ન હતી.
લોકસભા પહેલાં ભાજપના સંગઠન માળખામાં ફેરફાર
2024ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગત રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં 8 મહાનગરના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના બીજા જ દિવસે 3 જિલ્લા અને 1 શહેરના પ્રમુખોની બદલી કરવામાં આવતાં અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શહેર પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી શહેર ભાજપ કારોબારીની બેઠક બાદ નિર્ણય અચાનક જ પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા તેમજ રાજકોટ શહેર પ્રમુખની અચાનક નવી નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં શહેર અને જિલ્લા પ્રમુખ બદલાતાં ભાજપમાં ચાલી રહેલો આંતરિક કલહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગાંધીનગર ખાતે શહેર ભાજપની કારોબારીની બેઠક મળ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણીની કામગીરી પર અનેક આક્ષેપ થયા હતા તેમજ રાજકોટના વોર્ડ નં. 18 સહિત કેટલાક વોર્ડમાં જૂથવાદ શરૂ થયો હતો.
મામાના ઘરે વેકેશનમાં આવેલી ભાણીઓ કેનાલમાં ડૂબી
કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર આવેલા વરખડિયા ગામે ત્રણ કિશોરી ડૂબવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યારે બે વિરમગામ તાલુકાની અને એક માંડલ તાલુકાની કિશોરીઓ ડૂબી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના બનતાં સમગ્ર ગામજનો નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યાં હતાં. જ્યારે ત્રણેય કિશોરી માસાના તેમજ મામાના ઘરે વરખડિયા ગામ ખાતે આવી હતી. ત્રણેયે નર્મદા કેનાલમાં કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યારે એકાએક અચાનક જ ત્રણેય કિશોરીઓ નર્મદા કેનાલમાં ડૂબી હતી. તેમાંથી 12 વર્ષની કિશોરીને તરતા આવડતું હોવાથી તેનો બચાવ થઈ ગયો હતો, જ્યારે અન્ય બે કિશોરીને તરતા ન આવડતું હોવાથી તેમજ ઊડા પાણીમાં જતી રહી હોવાથી ડૂબવા લાગી હતી. જ્યારે ઘટનાને લઇ બાવલુ પોલીસ આવી પહોંચી હતી અને મહેસાણા ફાયરની ટીમને જાણ કરતાં તેઓ પણ ઘટનાસ્થળે તરવૈયા સહિત આવી પહોંચ્યા હતા અને બે કિશોરીની શોધખોળ આદરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.