સુરત માનહાનિ કેસમાં ચુકાદો
સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધી આ કેસ લઈને હાઇકોર્ટમાં જશે એવું જાણવા મળ્યું છે. કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવામાં આવી હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે તે મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
બંકરમાંથી નીકળ્યો દારૂનો ખજાનો
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યના પોલીસ વડાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરીને દારૂ જુગારના અડ્ડા પકડવામાં આવ્યા છે. વિજિલન્સની સતત વધતી ભીંસના કારણે હવે બુટલેગરો અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે. આવો જ એક કીમિયો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં વિજિલન્સની ટીમે નાકામ કર્યો છે. પોતાના હાથમાં પાવડા અને ત્રિકમ લઈને પહોંચેલી વિજિલન્સની ટીમ ખાડા ખોદતા ગયા અને દારૂની બોટલો નીકળતી ગઈ...અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દારૂ હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અર્બન નગર પાસે દારૂ હોવાની બાતમીના આધારે પોલીસ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી હતી. વિજિલન્સની ટીમ અલગ અલગ જગ્યાએ દારૂ શોધી રહી હતી, પણ ક્યાંય કોઈ કડી મળતી નહોતી. ત્યારે એક વ્યક્તિએ વિજિલન્સને જણાવ્યું કે, અર્બન નગરના બે ત્રણ ઘરમાં દારૂ સંતાડ્યો હોવાની પાક્કી માહિતી છે અને પછી પોલીસ તે ઘરમાં ઘૂસી હતી. બંકરમાંથી એકાદ બે નહીં પણ આખી વાઈન શોપ મળી આવી હતી. આટલો દારૂનો જથ્થો તો કદાચ તમે દારૂના બારમાં પણ નહીં જોયો હોય. આ મામલે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી અને સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
અમરેલીમાં વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસવાનું ચાલુ રહેતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, ધારી અને સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા ખેતરોમાં ઊભો પાક પડી જતા ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં આજે બપોરના સમયે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજુલા પંથકમાં બપોરના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. તો જાફરાબાદના નાગેશ્રી,કાગવદર, ભટવદર સહિતના વિસ્તારમાં અને સાવરકુંડલાના ચીખલી, વીજપડી, ભમર, ધાંડલા, આંબરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
તિરંગાનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ
ગુજરાતમાં રહેતા શીખ સમાજે દેશ પ્રત્યેની પોતાની એકતા અને અખંડિતતા દર્શાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થતા ખાલિસ્તાની વિરોધ સામે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે વિદેશમાં થયેલા ભારતના તિરંગાનું અપમાન તથા ખાલિસ્તાનની હરકતનો આજે અમદાવાદમાં શીખ સમુદાયે નારા સાથે ભારતનો તિરંગો બતાવી વિરોધ કર્યો હતો. તો છત્તીસગઢમાં ઊલટી ગંગા વહી હતી. એમાં રાયપુરમાં પંજાબના ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. વારિસ પંજાબ દેના વડાના સમર્થનમાં ઉગ્ર નારા લગાવવામાં આવ્યા હતા. આ અંગે શીખ ફાઉન્ડેશનના પ્રમુખ પરમજિત કૌર છાબડાએ જણાવ્યું હતું કે ધર્મ હંમેશાં રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યો છે અને દેશના નાગરિક તેમજ ભારતીય હોવાનો અમને ગર્વ છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને વિશ્વ કે અન્ય દેશોમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એની ઘોર નિંદા શીખ સમાજ કરી રહ્યો છે. વિશ્વના અન્ય દેશો કે ધાર્મિક સ્થાનો, દીવાલો પર અસામાજિક તત્ત્વોએ ખલિસ્તાનનું નામ લખ્યું અને નારા લગાવ્યા, જેની નિંદા શીખ સમાજ કરી રહ્યું છે.
દરેક વિષયના એક-એક શિક્ષકની માંગ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી પરીક્ષાની બેઠક વ્યવસ્થા હોય કે પરિણામ દરેક બાબત વિવાદમાં આવી રહી છે. ત્યારે આજે આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓને લઇને ડિપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓની માંગણી હતી કે, ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં 6 વિષયોની વચ્ચે એક શિક્ષક છે, જેથી નવા પ્રોફેસર્સની ભરતી કરવી જોઇએ અને દરેક વિષયના એક-એક શિક્ષક હોવા જોઇએ. સાથે જ વિદ્યાર્થીઓને ખોટી રીતે નાપાસ કરવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરાયા હતા. વિદ્યાર્થીઓ વિરોધ દર્શાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જર્મન ખાતે પહોંચ્યા ત્યારે આ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરાવતા એકમાત્ર પ્રોફેસર જ્યોત્સના ફણસે પણ ત્યાં હાજર હતાં. જેથી વિદ્યાર્થીઓએ જર્મન ડિપાર્ટમેન્ટને તાળાબંધી કરી હતી અને પ્રોફેસરને અંદર જતાં અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓને ત્યાંથી હટી જવા સમજાવ્યા હતા. પરંતુ, વિદ્યાર્થીઓ પોતાની માંગણી પર અડગ રહેતા વિજિલન્સ ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને વિજિલન્સની ટીમ દ્વારા ધક્કા મારી ત્યાંથી હટાવવામાં આવ્યા તો વિદ્યાર્થીઓએ પણ વળતા જવાબમાં વિજિલન્સની ટીમના કર્મચારીઓને ધક્કા મારી નીચે પાડી દીધા હતા.
સરીગામ GIDC નજીક ભીષણ આગ
વલસાડ જિલ્લાના ઉમરગામની સરીગામ GIDCમાં આવેલા પ્લાસ્ટિક ઝોનમાં આવેલી રિશીકા પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. કંપનીમાં કામ કરતા કામદારોને મેનેજરે સૂચના આપીને તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આજુબાજુની કંપનીમાં કામ કરતા કામદારો મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સરીગામ GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઉમરગામ અને આજુબાજુના નજીકના ફાયર ફાઈટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. પેકેજિંગ કંપની હોવાથી ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. કંપનીમાં તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરતાં મેજર બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી સરીગામ GIDCના પ્લાસ્ટિક ઝોનમાં આવેલી રિશીકા પેકેજિંગ કંપનીમાં સવારે અચાનક કંપનીના શેડમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જેની જાણ કંપનીના કામદારોએ કંપનીના મેનેજરને કરી હતી. રિશીકા કંપનીના મેનેજરે તમામ કામદારોને સુરક્ષિત રીતે બહારની સાઈડ જતા રહેવા સૂચના આપવામાં આવી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
જેતલસર-જૂનાગઢ હાઇવે રક્તરંજીત બન્યો
જેતપુરના જેતલસર ગામ પાસે આજે સવારે કારે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર વૃદ્ધ દંપતી ફંગોળાઇને રોડ પર પટકાયું હતું. આ બનાવમાં વૃદ્ધ દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે બીજા બનાવમાં આજે સવારે આજી ડેમ ચોકડી પાસે શ્વાન પાછળ દોડતા બાઇક પર પતિની પાછળ બેઠેલી મહિલા ડરી ગઈ હતી. આથી તેણે બેલેન્સ ગુમાવતા નીચે પટકાયાં હતાં. ગંભીર ઇજા સાથે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. પરંતુ ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. મેંદરડા તાલુકાના નતાડિયા ગીર ગામના કવાભાઈ સરવૈયા અને તેમનાં પત્ની સોમીબેન જેતપુરના છોડવડી ગામે ભાણેજના ઘરે આવ્યાં હતાં. આજે સવારે બન્ને લૌકિક કાર્ય માટે છોડવડીથી બાઇક પર જેતલસર જંક્શન જઈ રહ્યાં હતાં ત્યારે જેતલસર ગામ નજીક કારે બાઇકને અડફેટે લીધું હતું. આથી કવાભાઈ અને તેમનાં પત્ની સોમીબેન રોડ પર પટકાયાં હતાં. બન્નેના માથામાંથી એટલું લોહી વહી ગયું હતું કે, રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઇ ગયાં હતાં. જો કે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.