• Gujarati News
  • Local
  • Gujarat
  • Allegations Of Recruitment Of Unqualified Professors And Lecturers Against Former Health Department Official

ઈમ્પેક્ટ:આખરે આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ અધિકારી સામે તપાસ શરૂ, લાયકાત વગરના પ્રોફેસર, લેકચરરની ભરતી થઈ હોવાનો આક્ષેપ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક
  • ચાર વર્ષ પહેલાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો બાદ PMને લખેલા પત્રની તપાસ કરાશે

લાયકાત વગરના ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ કરતી અરજદાર એડવોકેટની ફરિયાદ અંગે કાર્યવાહી કરીને અહેવાલ પાઠવવા અંગેના રાજયના લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ પાંચ પાંચ પત્રો આરોગ્ય વિભાગને લખ્યાં હતા. છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. છેવટે અરજદારે કંટાળીને ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજયના આરોગ્ય મંત્રી ઉપરાંત છેક PM ઓફીસના પબ્લીક ગ્રીવેન્સીસ વિભાગમાં ફરિયાદ કરી હતી. PM ઓફીસમાંથી તપાસ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા.

ચાર વર્ષથી સતત લડત ચલાવી રહેવા અરજદારને ન્યાય અપાવવા માટે દિવ્ય ભાસ્કર ડીજીટલે 15-4-2022ના રોજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલના પગલે સરકારી તંત્ર સફાળું જાગી ઉઠયું છે. આ અંગેની તપાસ ખાતાકીય તપાસના ખાસ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે જ ખાતાકીય તપાસના ખાસ અધિકારીએ અરજદાર એડવોકેટ પ્રતિક ભટ્ટને 25મી મેંના રોજ જરૂરી પુરાવા સાથે કચેરીમાં હાજર રહેવા સૂચવ્યું છે. બીજી તરફ આક્ષેપિત અધિકારી આઇ.એમ. કુરેશીની બદલીના હુક્મનો તાબડતોબ અમલ કરીને તેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી સરદાર સરોવર નર્મદા નિગમ લી.માં બદલીવાળા સ્થળે હાજર થવા ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

વાંચોઃ છેક PMO સુધી ફરિયાદ, ખુદ ACBએ પણ 5 પત્ર લખ્યા છતાં રાજ્યના આરોગ્ય વિભાગમાં ભરતીમાં ગેરરીતિની ફરિયાદ પર કોઈ કાર્યવાહી નહીં

ગુજરાતના આયુષ વિભાગના તાબા હેઠળની સરકારી આયુર્વેદ કોલેજોમાં પ્રોફેસર ( વર્ગ-1 ) અને રીડર તથા લેકચરર ( વર્ગ-2 )ની જીપીએસસી મારફતે રેગ્યુલર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જીપીએસસીની ભલામણ બાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ આઇ.એમ. કુરેશી ( આયુષ ) દ્રારા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફેકશનમાં ખોટા અનુભવના પ્રમાણપત્રો તથા સી.સી.આઇ.એમ.ના નિયમોની અવગણના કરીને પોતાની સત્તાનો દુરપયોગ કરી અનુભવ વગરના 10થી 12 ઉમેદવારોનો અનુભવ માન્ય ગણીને તેમને ફાયદો પહોંચાડી ભ્રષ્ટ્રાચાર કરી કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરતી ફરિયાદ અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતાં અને એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાં પ્રતિક ભટ્ટે રાજયના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો સમક્ષ 30-9-2018ના રોજ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ અરજદારની અરજી મોકલીને તે અંગે તપાસ કરીને તેનો અહેવાલ મોકલવા સૂચન કર્યું હતું.

પાંચ વખત પત્રો લખવા છતાં આરોગ્ય વિભાગ તરફથી કોઇ જ પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો ન હતો. આખરે હારી થાકીને અરજદારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ 18મી ફ્રેબુઆરી-2022ના રોજ ફરિયાદ કરી હતી. આ ફરિયાદની તપાસ એસ.આઇ.ટી. મારફતે કરાવવાની માંગણી કરી છે. આ ફરિયાદને પી.એમ.ઓફીસ તરફથી ગુજરાત સરકાર મારફતે આરોગ્ય વિભાગમાં મોકલવામાં આવી હતી. PMOના પબ્લીક ગ્રીવેન્સીસની વેબસાઇટમાં દર્શાવ્યા પ્રમાણે આ ફરિયાદ 23મી ફ્રેબુઆરીના રોજ મળી હતી. તેની તપાસ 17 માર્ચના રોજ આયુર્વેદના ડેપ્યુટી સેક્રેટરી વિકલ્પ ભારદ્રાજને સોંપવામાં આવી હોવાનું દર્શાવ્યું હતું. માત્ર આઠ દિવસ બાદ એટલે કે 25 માર્ચના રોજ આ વેબસાઇટમાં ઓફીસરના નામમાં ડેપ્યુટી સેક્રેટરી ભક્તિબેન શામળનું નામ દર્શાવ્યું હતું. સાથોસાથ આ તપાસ ચાલુ હોવાની વિગતો પણ જણાવાઇ હતી. આ સમગ્ર ઘટનાનો અહેવાલ દિવ્ય ભાસ્કર ડીજીટલમાં 15-4-2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આખરે બદલીના હુક્મનું પાલન કરાયું
રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા 25 ઓક્ટોબર 2021ના રોજ નાયબ સચિવ સંવર્ગના 21 અધિકારીઓની બદલી અંગેનો હુક્મ કર્યો હતો. જેમાં ઉપરોક્ત આક્ષેપિત અધિકારી આઇ.એમ. કુરેશીની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી સરદાર સરોવર નર્મદા નિગમ લી. ( માં મૂળ વિભાગ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગ ) ખાતે કરી હતી. આ હુક્મને છ મહિનાથી વધુ સમય વ્યતિત થઇ ગયો હોવા છતાં આ અધિકારીની બદલી કરવામાં આવી ન હોવાનો પણ ઉલ્લેખ દિવ્ય ભાસ્કરના અહેવાલમાં કરાયો હતો. આ અહેવાલના પગલે રાજયના આરોગ્ય અને કલ્યાણ વિભાગે 9મી મેના રોજ અધિક સચિવ આઇ.એમ. કુરેશીને બદલીવાળા વિભાગમાં હાજર થવા માટે 9મી મેના કચેરી સમય બાદથી ફરજમુકત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...