• Gujarati News
  • Local
  • Gujarat
  • Agricultural Land Measurement Survey And Government's Big Decision On Stray Cattle, Truck Rammed 4 Vehicles In 15 Seconds, CCTV

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:ખેતીની જમીન માપણીનો સર્વે અને રખડતાં ઢોરોને લઈ સરકારનો મોટો નિર્ણય, 15 સેકન્ડમાં ટ્રકે 4 વાહનને ફંગોળી દીધાં, CCTV

એક મહિનો પહેલા

ખેતીની જમીન પર રી-સર્વે મામલે સરકારનો મોટો નિર્ણય
બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.

રખડતાં ઢોરના આતંકને રોકવા 50 હજાર આખલાનું ખસીકરણ
રાજ્ય સરકાર દ્ધારા કરાયેલ સર્વે મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 50 હજાર જેટલા આખલા નોંધાયા છે. આ આખલાના હુમલાથી નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડી રહ્યો છે. સરકારે લોકો પર થતા હુમલાને રોકવા સમાધનરૂપે આખલાનું ખસીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલવામાં આવશે. અગાઉ સરકારે રખડતાં ઢોર બાબતે વિધાનસભામાં કાયદો પસાર કર્યો હતો. જોકે, સમગ્ર ગુજરાતમાં આ કાયદાનો વિરોધ થતાં કાયદો પરત ખેંચવામાં આવ્યો હતો.

સિંહ પાછળ JCB દોડાવ્યું
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વસવાટ કરતા એશિયાટિક લાયન ગુજરાતનું ઘરેણું છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિંહના જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર આંટાફેરાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ક્યારેક પજવણીના વીડિયો પણ વાઈરલ થાય છે. હાલ પણ અમરેલીના જાફરાબાદના રેવન્યુ વિસ્તારમાં સિંહની પાછળ જેસીબી દોડાવી પજવણી કરાતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જે વીડિયોના આધારે વનવિભાગે પજવણી કરનારા ત્રણ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક પછી એક ચાર વાહનો ફંગોળાયા
વેરાવળ સોમનાથ બાયપાસ રોડ ઉપર ભોપાલના પ્રવાસીઓને લઈને સોમનાથ દર્શનાર્થે આવી રહેલી કારને સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જયારે કારને અડફેટે લીધા બાદ ચાલકે કાબૂ ગુમાવતા બેકાબુ બનેલા ટ્રકે રોડની સાઈડમાં પડેલ રીક્ષા, બાઈક અને આઈશર ટ્રક જેવા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ વિચિત્ર અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ વિચિત્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ટ્રક એક પછી એક એક વાહનોને અડફેટે લેતો જોવા મળ્યો છે.

છરીના આડેધડ ઘા ઝીંકાયા, CCTV
રાજકોટ શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ છાશવારે કાયદો હાથમાં લઈને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો મંગળવારે રાત્રે ભગવતીપરામાં બન્યો હતો. બે શખસે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ઘટનાને લઈને બન્ને યુવાને દેકારો કરતાં આસપાસમાંથી લોકો દોડી આવતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.

ચાંદીની પતંગ અને ફીરકી
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગ રસિયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દર વર્ષે શહેરમાં અલગ અલગ પતંગો અને ફીરકીઓ બજારમાં આવતી રહે છે. પરંતુ સુરતમાં એક જવેલર્સમાં ચાંદીની ફીરકી તૈયાર કરવામાં આવી છે. જી હા ચાંદીની ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાહકની ખાસ ડીમાંડ પર ચાંદીના પતંગ અને ફિરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવ્યા છે. લોકો તેનો ઉપયોગ શુભ પ્રસંગમાં યુનિક ભેટ આપવા માટે કરે છે. તો ચાંદીમાં નાની પતંગ અને નાની ફીરકી ઉતરાયણમાં ભગવાન પાસે મૂકવા માટે બધું ડિમાન્ડ રહે છે.

સિટી બસ ભડકે બળી
સુરતની બ્લ્યૂ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...