ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:PM મોદીને મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો, કોરોનાએ ફરી માથું ઊંચક્યું, હનીટ્રેપથી કંટાળી સુરતના વિદ્યાર્થીએ મોત વહોલું કર્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અતીકને આજે કોર્ટમાં રજૂ કરાશે
રવિવારની સાંજે 6 વાગ્યે યુપીના માફિયા અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી લઈને પ્રયાગરાજ લઈ ગઈ છે. અમદાવાદથી નીકળેલી યુપી પોલીસકાફલો વાયા રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. પોલીસકાફલાએ અમદાવાદથી પ્રયાગરાજ સુધી યુપી એસટીએફ વાનમાં લગભગ 1300 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અતીકને રવિવારે સાંજે 6 વાગ્યે સાબરમતી જેલથી લઈને નીકળેલા કાફલાને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલ પહોંચતાં 24 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ પહેલાં ચિત્રકૂટ પાસે મોખ ગામના રેલવેફાટકે ટ્રેન નીકળતાં કાફલો રોકી દેવાયો હતો અને ફાટક ખૂલ્યા બાદ કાફલો રવાના થયો હતો.

કોરોનાએ ફરી માથું ઊંચક્યું
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે, તો બીજી તરફ કોરોનાનાં લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જોકે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ગઈકાલે સાંજ સુધીમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે, જેની સામે 149 દર્દી સાજા થયા છે અને હાલ આઠ દર્દી વેન્ટિલેટર ઉપર છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે, જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1841 દર્દી હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યારસુધીમાં 12, 67, 864 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યારસુધીમાં કોરોનાથી કુલ 11, 053 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું
ધોરણ 12 કોમર્સનું ગઈકાલે સોમવારે કોમ્પ્યુટરનું પેપર હતું. 3 વાગે પેપર શરૂ થયું હતું અને અંશ 5:15 વાગે પેપર પૂર્ણ થવાનું હતું, પરંતુ એ પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. એ અંગે યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. જોકે આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. જે સેન્ટર પરથી પેપરના ફોટા વાઇરલ થયા હશે ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે. પેપર શરૂ થયાને 43 મિનિટમાં જ પેપર કેટલાક જવાબ ટિક કર્યા સાથેનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વ્હોટ્સએપ નંબર સુધી જાગ્રત નાગરિક દ્વારા પેપર લીક થવાની માહિતી પહોંચાડવામાં આવી છે. પેપર સાચું છે કે ખોટું એની પૃષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે.

સટ્ટા કૌભાંડમાં SITની રચના
અમદાવાદ PCBને છેલ્લા ઘણા મહિનાથી કંપનીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થતાં હોવાની બાતમી મળી હતી. એ સંદર્ભે માધુપુરા વિસ્તારમાં એક કડી મળી અને એક-બે નહિ, પણ 1800 કરોડનો હિસાબ મળ્યો છે. અત્યારસુધીના સટ્ટાના રેક્ટમાં PCBને સૌથી મોટી સફળતા મળી છે. આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી અને 2 પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. આ SITમાં ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાના DCP ભારતી પંડ્યાની અધ્યક્ષ, પીસીબીના પીઆઇ તરલ ભટ્ટની તપાસ અધિકારી અને માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આઈ.એન.ઘાસુરાની SITના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. SIT દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે, જેમાં કેટલા સમયથી પૈસાની હેરાફેરી થતી હતી, અન્ય કોણ કોણ સામેલ છે તથા ફરાર 16 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવશે.

PMને મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો
અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન એક વાંધાજનક પોસ્ટ સામે આવી હતી, જેમાં ફેસબુકમાં પોસ્ટ દેશના વડાપ્રધાન વિરોધમાં તથા તેમને જાનથી મારી નાખવાની હતી. એ મામલે સાયબર ક્રાઈમે વધુ તપાસ કરી તો નડિયાદના એક શખસનું નામ જાણવા મળ્યું હતું. સાયબર ક્રાઈમે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમની ટેક્નિકલ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 25 માર્ચે બપોરે 2 વાગ્યાના અરસામાં સાયબર ક્રાઈમના ધ્યાનમાં એક પોસ્ટ આવી હતી. આ પોસ્ટમાં વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ફેસબુકમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ કરી હતી તેમજ વડાપ્રધાન વિશે જેમ ફાવે તેમ પોસ્ટ કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો હતો.

કોંગી ધારાસભ્યો સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળની શરૂઆતમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની શરૂઆતમાં જ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગૃહમાં અદાણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઇને વેલમાં ઘૂસી ગયા હતા, જેથી વિધાનસભાની કલમ 51 હેઠળ અધ્યક્ષે નેમ કરીને હાજર તમામ ધારાસભ્યને વિધાનસભાની એક દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જોકે સંસદીય બાબતોના મંત્રીની દરખાસ્ત બાદ તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતા. વિધાનસભા અધ્યક્ષે હાજર કોંગી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કલમ 52 હેઠળ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે તમામને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી, જેને રાધવજી પટેલ અને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો. એને અધ્યક્ષે માન્ય રાખીને વિધાનસભામાં હાજર તમામ ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરાયા છે. જોકે અનંત પટેલ ગેરહાજર હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

હનીટ્રેપથી કંટાળી વિદ્યાર્થીએ મોતને વહાલું કર્યું
સુરતમાં કતારગામના વિદ્યાર્થીએ હનીટ્રેપને કારણે કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં સેક્સટોર્શનનો ઘટસ્ફોટ થયો છે અને એના હબ એવા ઝારખંડથી એક બીએ પોલિટિકલ સાયન્સ કરેલા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ગામમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે એ ગામ સેક્સટોર્શનનું હબ છે. સુરતના કતારગામ ધનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ 22 દિવસ પહેલાં ધાબા પરથી ભૂસકો મારી મોતને વહોલું કરી લીધું હતું. આ ઘટનામાં ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. વિદ્યાર્થીના ફોન-પેમાંથી 9600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ 4 ફોન નંબરથી વિદ્યાર્થીને સતત કોલ આવ્યા હતા. વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ટોળકીએ ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.