ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:સુરતમાં પતંગની લાલચમાં કિશોરે જીવ ગુમાવ્યો, કાલથી ઠંડી ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

19 દિવસ પહેલા

રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી

રાજ્યમાં આજથી ફરી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 6 ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. તો કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન બે દિવસ ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ પોતાના પરિવાર સાથે પતંગોત્સવ ઊજવશે. આથી તેઓ આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. ઉત્તરાયણના દિવસે સવારે તેઓ અમદાવાદમાં જગન્નાથ મંદિરે દર્શન કરવા જશે. ત્યારબાદ વેજલપુરમાં પાર્ટી કાર્યકરો સાથે ઉત્તરાયણ મનાવશે. તો બપોર બાદ તેઓ કલોલમાં પોતાના મત વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. તો 15 જાન્યુઆરીએ તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના મોટી આદરજ ગામે ગામના વિકાસ અને પર્યાવરણ જાગૃતિ અંગે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક મળશે. જે બાદ સંગઠનમાં કરવામાં ફેરફાર કરવામાં આવી શકે છે. અમિત શાહની મુલાકાત બાદ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે નિર્ણય લેવામાં આવશે. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોનાં રાજીનામાં લેવાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અનેક શહેર જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા.

એક પતંગે 12 વર્ષીય કિશોરનો ભોગ લીધો

સુરતના પલસાણામાં પતંગની લૂંટ કરવા જતા કિશોર પાંચમા માળના ધાબાથી નીચે પટકાયો હતો. જેમાં વાંકાનેડા ગામનો 12 વર્ષીય કિશોર ગોવિંદ રાજપૂત ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. ગોવિંદ રાજપૂત વાંકાનેડા ગામે શિવશક્તિ કોમ્પલેક્સના A-101માં રહેતો હતો. જેમાં એક ધાબાથી બીજા ધાબે પતંગ લૂંટવાની લાલચમાં નીચે પટકાતા ગોવિંદનું મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

દેવાયત ખવડનો જેલવાસ લંબાયો!

રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10મા દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે દેવાયત ખવડ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી શકે છે.

અમદાવાદમાં યોજાશે જૈન સમાજનો મહાવિરાટ 'સ્પર્શ મહોત્સવ

અમદાવાદમાં એક મહિનાથી ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ બાદ વધુ એક ધાર્મિક મહોત્સવનો 15 જાન્યુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પદ્મભૂષણ અને જૈન સમાજના ગુરુ શ્રીરત્નસુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબના 400મા પુસ્તક વિમોચન નિમિત્તે 15 થી 26 જાન્યુઆરી દરમિયાન 'સ્પર્શ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજરી આપશે.

ખુલ્લેઆમ દારૂનું વેચાણ

દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે એક સગીર વયનો યુવક દારૂનું વેચાણ કરતો હોવાનું અને તેને ત્યાં મોટી સંખ્યામાં પીનારાની લાઈનો લાગતી હોવાનું સામે આવી રહ્યું છે. સગીર દ્વારા દારૂ વેચાણ કરીને ત્યાં જ પીવાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે પીઆઈએ કહ્યું કે, આ વાઈરલ વીડિયો અમારા ધ્યાનમાં નથી, અમે રેડ કરતાં હોઈએ છીએ અને વાઈરલ વીડિયોની પણ ખરાઈ કરીશું.

કૂતરાઓના હુમલામાં વૃદ્ધા લોહીલુહાણ

વડોદરા શહેરમાં રખડતાં ઢોર અને કૂતરાઓનો ત્રાસ ઓછો થવાને બદલે પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક વૃદ્ધા પર 8થી 10 જેટલાં શેરી કૂતરાંએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી છે. હાથ-પગ અને છાતીના ભાગે કૂતરાઓએ બચકાં ભરતા વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયાં હતાં. વૃદ્ધાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વૃદ્ધાએ જણાવ્યું હતું કે, સ્થાનિક યુવાન સમયસર આવ્યો ન હોત તો મને કૂતરાઓએ મારી નાંખી હોત.

અન્ય સમાચારો પણ છે...