પાકિસ્તાનની મોડેસ ઓપરેન્ડી:ભારતીય બોટ માલિકોને 610 કરોડ રૂપિયાનો ફટકો, પાક. જેલમાં કેદ માછીમારોને મળે છે એક જ સમયનું ભોજન

ગુજરાત2 વર્ષ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • 1979થી ચાલતો આવે છે ભારતીય માછીમારોના અપહરણનો સિલસિલો
  • અપહૃત માછીમારોના પરિવારજનો માનસિક,આર્થિક હાલાકી અનુભવે છે

રાતનો સમય. આકાશમાં તારલિયા ચમકી રહ્યા છે, આજુબાજુ અફાટ સમુદ્રનો ઘુઘવાટ સંભળાઈ રહ્યો છે. મધદરીએ સમુદ્રના ઉછળતા મોજા ઉપર બોટ હાલક-ડોલક થઇ રહી છે. બોટમાં જાફરાબાદના 6 માછીમારો નાનકડી લાઈટના સહારે બેસીને વાતો કરી રહ્યા છે. આ માછીમારો સૂર્યના પહેલા કિરણની રાહ જોઈ રહ્યા છે. દિવસ ઉગે એટલે જથ્થાબંધ માછલી પકડવાની રાહ છે. સવાર પડી. હજુ તો એન્કર ખેંચ્યું અને જાળ દરિયામાં નાખવાની તૈયારી થઇ રહી હતી ત્યાં જ આજુબાજુમાંથી પાકિસ્તાનની ચાર બોટ આવી જાય છે. બોટમાં સવાર પાકિસ્તાની મરીન સિક્યુરિટી પાસે એકે-47, પિસ્તોલ, છરા જેવા ઘાતક હથિયાર છે. જાફરાબાદના માછીમારોને ડરાવીને બોટ અને ચારેય ખલાસીનું અપહરણ કરી પાકિસ્તાની મરીન સિક્યુરિટી કરાંચી બંદરે લઇ જાય છે.

આ દ્રશ્યો સૌરાષ્ટ્ર-ગુજરાતના માછીમારો માટે નવા નથી. ચાર દાયકાથી શરુ થયેલી માછીમારોના અપહરણની ઘટમાળ થોભવાનું નામ લેતી નથી. આ વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવવા અનેકે પ્રયાસો કર્યા છતાં માછીમારોના પાકિસ્તાન દ્વારા અપહરણનો સિલસિલો અટકતો નથી. એક બોટની કિંમત 50 થી 60 લાખ રૂપિયા થાય. 1220 બોટનો હિસાબ માંડો તો ભારતના બોટ માલિકોને 610 કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. પાકિસ્તાનની મોડેસ ઓપરેન્ડીના કારણે ભારતીય મત્સ્યોદ્યોગને પણ ગંભીર આર્થિક અસર થઈ છે.

અરબી સમુદ્રમાં ભારતીય માછીમારો પર જોખમ ઝળુંબતું રહ્યું છે
અરબી સમુદ્રમાં ભારતીય માછીમારો પર જોખમ ઝળુંબતું રહ્યું છે

પાકિસ્તાનની મોડેસ ઓપરેન્ડી શું છે?
કચ્છ પાસેના જખૌ બંદર નજીક સમુદ્ર છીછરો છે એટલે અહીંયા માછલીઓ મોટી સંખ્યામાં મળી રહે. બીજો ફાયદો એ કે, છીછરાપણાંના કારણે બોટનું એન્કર સારી રીતે ખૂંપી શકે. ક્યારેક એવું બને છે કે, મધદરિયે તોફાન આવે અને બોટ ફંગોળાય જાય તો રાતના સમયે માછીમારોને ખબર રહેતી નથી કે બોટ કઈ દિશામાં જઈ રહી છે. સવાર પડે ત્યારે જાણ થાય છે કે, બોટ કરાંચી તરફ ફંટાઈ છે. આ તકનો ગેરલાભ લઇ પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી આપણાં માછીમારોના અપહરણ કરી જાય છે.

આ તો કુદરતી રીતે બોટ ફંટાઈ, તેના કારણે અપહરણના બનાવ બને છે પણ પાકિસ્તાનની મોડેસ ઓપરેન્ડી તો અલગ જ છે. જ્યાં સૌથી વધારે માછલીઓ પકડી શકાય તે જખૌ વિસ્તાર આસપાસ કુદરતી રીતે ચેરના વૃક્ષો ઉગે છે. જેને મેંગ્રોવ્સ પણ કહે છે. આ મેંગ્રોવ્સના ઝાડ 18 થી 20 ફુટ ઊંચા અને પથરાયેલા હોય છે. રાતના સમયે પાકિસ્તાની મેરિન સિક્યુરિટી એજન્સીના ચાંચીયાઓ બોટ લઈને આવી જાય છે અને મેંગ્રોવ્સ પાછળ બોટ છુપાવી સવાર થવાની રાહ જોઈને બેસી રહે છે. દિવસ શરુ થાય અને ભારતીય બોટ માછીમારી કરવાનું શરુ કરે છે ત્યારે ચેરના વૃક્ષો પાછળ છુપાયેલા પાકિસ્તાની ચાંચિયાઓની પાંચ-છ જેટલી બોટ અલગ અલગ વૃક્ષો પાછળથી નીકળે છે અને ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરીને કરાંચી બંદર તરફ લઇ જાય છે.

માછીમારો માટે લડત આપતી સંસ્થાના સેક્રેટરી જીવણભાઈ જુંગી
માછીમારો માટે લડત આપતી સંસ્થાના સેક્રેટરી જીવણભાઈ જુંગી

પાકિસ્તાનમાં માછીમારો સાથે કેવું વર્તન કરાય છે?
નેશનલ ફિશ વર્કર્સ ફોરમ ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના સેક્રેટરી જીવણભાઈ જુંગી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે કે, અત્યારે ભારતના 558 માછીમારો પાકિસ્તાનની અલગ અલગ જેલમાં કેદ છે. માછીમારોનું અપહરણ કરાયા પછી તેઓને કરાંચીની જેલમાં રખાય છે. ત્યાં જગ્યા ના હોય તો લાહોરની જેલમાં અને ત્યાં પણ જગ્યા ના હોય તો ઇસ્લામાબાદની જેલમાં કેદ કરાય છે. પાકિસ્તાનની જેલ એટલે પૃથ્વી પરનું નરક. અહીં આજે પણ ભારતીય માછીમારો પર સીતમ ગુજારાય છે. એક બેરેકમાં 25 કેદીઓની ક્ષમતા હોય, તેવી બેરેકમાં 50 કેદીઓને ઠાંસી-ઠાંસીને રખાય છે.

જેલના નિયમ મુજબ કેદીઓને સવારે નાસ્તો અને બન્ને સમય ભોજન આપવાનું હોય છે, પણ ભારતીય માછીમારોને ત્રણના બદલે એક જ ટાઈમ ભોજન અપાય છે. ગાય પણ ના ખાય એવી સૂકી રોટલી અને પાણી જેવું શાક પધરાવી દેવાય છે. માનો કે, કોઈ માછીમારને પેટમાં દુઃખે છે, કોઈ માછીમારને માથું દુઃખે છે અથવા કોઈને તાવ આવ્યો કે કોઈને સાંધા દુઃખે છે તો એક પ્રકારની જ ટેબલેટ દરેક બીમારીમાં આપી દેવાય છે. જીવણભાઈ જુંગી કહે છે, પહેલાં તો માછીમારોને ખુબ માર મરાતો પણ હવે એ ઓછું થયું છે. બાકી ભારત-પાકિસ્તાનના ભેદભાવ રાખીને સીતમ ગુજારાય છે. તેની સામે ભારતની જેલમાં પાકિસ્તાનના જે માછીમારો કેદ છે, તેમને તકલીફ ના પડે તેવી રીતે રાખવામાં આવે છે. એવું પાકિસ્તાનના માછીમારો પણ કબૂલે છે.

પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોની પ્રતિકાત્મક તસવીર
પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોની પ્રતિકાત્મક તસવીર

બન્ને દેશ વચ્ચેના શું છે નિયમ?
જમીન પર સરહદ નક્કી કરવા દીવાલ કે કાંટાળી વાડ ઉભી કરવામાં આવે છે, તે રીતે અફાટ સમુદ્રમાં કોઈ દીવાલ કે વાડ થઇ શકતા નથી. એટલે બન્ને દેશોએ આંતરરાષ્ટ્રીય જળસીમા નક્કી કરી છે. નિયમ એવો છે કે, પાકિસ્તાનના માછીમારો કરાંચી બંદરથી પાંચ નોટીકલ માઈલ દૂર માછીમારી કરવા જઈ શકે. એનાથી આગળ નહીં. ભારતના માછીમારો જખૌ બંદરેથી પાંચ નોટીકલ માઈલ દૂર સુધી જઈ શકે. તેનાથી આગળ નહીં. પણ આ નિયમનું પાલન માછીમારો કરતા નથી.

બન્ને દેશના માછીમારો સારી માછલી પકડવાની લાલચમાં એકબીજાની સરહદમાં ઘુસી જાય છે. બીજો નિયમ એવો છે કે, બન્ને દેશના માછીમારો એકબીજાની સરહદમાં ઘૂસે છે અને પકડાઈ જાય છે તો 90 દિવસમાં છોડી દેવા પડે. આ નિયમનું પાલન પાકિસ્તાન સરકાર કરતી નથી. ભારતના અમુક માછીમારો તો પાંચ-પાંચ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ છે. માછીમાર આગેવાન વેલજીભાઇ મસાણી કહે છે કે, નિયમ મુજબ ભારતીય માછીમારોને 90 દિવસ સુધી પાકિસ્તાન કેદમાં રાખી શકે પણ પછી વર્ષો સુધી કેદમાં રાખવા એ 'નજરકેદ' કહેવાય.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી સતત અપહરણની ફિરાકમાં રહે છે
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી સતત અપહરણની ફિરાકમાં રહે છે

આ સમસ્યાનું નિરાકરણ શું?
ભારત અને પાકિસ્તાનના માછીમારોની માહિતીની આપ-લે અને મોનીટરીંગ માટે બન્ને દેશોના નિવૃત્ત જજોની જ્યુડીશિયરી કમિટી બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2013 પછી આ કમિટી નિષ્ક્રિય છે. જો કે એ પહેલાં બન્ને દેશના પોતપોતાના ડેલિગેશન હતા. જે રૂબરૂ જેલમાં જઈને માછીમારોની હાલત જોતા અને રિપોર્ટ તૈયાર કરતા હતા. હવે આ પ્રકારનું ડેલિગેશન નથી. માછીમારો અને સરકાર વચ્ચે સંકલન કરવા પાકિસ્તાન-ઇન્ડિયા પિસ ફોરમ એન્ડ ડેમોક્રેસી અને નેશનલ ફિશ વર્કર્સ ફોરમ જેવી સંસ્થાઓ સક્રિય છે. આ સંસ્થાઓ પાકિસ્તાનમાં કેદ માછીમારોને છોડાવવા બનતા પ્રયાસ કરે છે.

ભારત અને પાકિસ્તાનમાં કેદ માછીમારોને 26 જાન્યુઆરી અથવા 15 ઓગસ્ટે વાઘા કે અટારી સરહદ પર સોંપી દેવામાં આવે છે. માછીમારોના અપહરણ રોકવા માટે સરકારે બોટમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય લીધો. જેથી બોટ પર કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ધ્યાન રાખી શકે અને માછીમારોને પણ ખ્યાલ રહે કે તેની બોટ કઈ દિશામાં જઈ રહી છે. જીપીએસ સિસ્ટમ ખર્ચાળ હોવાથી ગુજરાત સરકાર તેના પર 20 હજાર સુધીની સબસીડી આપી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતની પાંચ હજાર જેટલી બોટમાં જીપીએસ સિસ્ટમ લાગી ચૂકી છે.

અપહૃત બોટનું શું થાય છે?
એક સમય હતો કે પાકિસ્તાન ભારતની બોટ લઇ જાય પછી બોટના પાર્ટ્સ છુટા કરીને અલગ અલગ શહેરોની બજારમાં વેંચી નાખે. જેનાથી ભારતના બોટ માલિકોને મોટો આર્થિક ફટકો પડે. બોટમાં વોકીટોકી, માછલી પકડવાની જાળ, બોટનું એન્જીન આ બધું ગણો તો એક બોટ 50 થી 60 લાખ રૂપિયામાં તૈયાર થાય. થોડા સમય પહેલાં ભારતમાં બનેલી માછલી પકડવાની જાળ દુબઈની બજારમાં વેચાતી જોવા મળી હતી. જીવણભાઈ જુંગી કહે છે કે, અમારી ફોરમે બોટ ભાંગવાનો વિરોધ કર્યો પછી બોટના પાર્ટ્સ વેંચતા નથી. પાકિસ્તાનના અલગ અલગ બંદરોએ લાંગરેલી ભારતની બોટો કાટ ખાઈ રહી છે. જો કે, પાકિસ્તાન આપણી બોટ છોડતા પણ નથી. પાકિસ્તાને છેલ્લે 2003માં 42 બોટ પરત આપી હતી. એ પછી બોટ આપી નથી. હાલમાં પાકિસ્તાનના કબજામાં 1220 બોટ છે. એક બોટની કિંમત 50 લાખ ગણો તો 1220 બોટનું 610 કરોડ રૂપિયાનું જંગી નુકસાન ભારતના બોટ માલિકોને થયું છે.

પાકિસ્તાનના કબજામાં ભારતની 1220 બોટ છે
પાકિસ્તાનના કબજામાં ભારતની 1220 બોટ છે

અપહૃત માછીમારોના પરિવારોની શું હાલત છે?
જે માછીમારોનું અપહરણ થયું છે તેમના પરિવારજનોની હાલત ભારે કફોડી છે. ઘરના કમાનારા મોભીનું જ અપહરણ થઇ ગયું તો તેમના માતા પિતા, પત્ની-બાળકોનું ભરણ પોષણ કોણ કરે? આમ તો ગુજરાત સરકાર અપહૃત માછીમારોના પરિવારજનોને રોજની 300 રૂપિયા સહાય આપે છે પણ ઘર ચલાવવા, બાળકોને ભણાવવા, અન્ય ખર્ચ માટે પણ વધારાની આવક જોઈએ, એટલે માછીમારોની પત્નીઓ સફાઈકામ, મજૂરીકામ કરીને પણ ઘર ચલાવે છે.

અત્યારે પાકિસ્તાનની જેલમાં જેટલા માછીમારો છે તે કઈ જેલમાં છે, તેની શું સ્થિતિ છે, તે બાબતે પરિવારજનો અજાણ છે. કારણ કે પાકિસ્તાની સત્તાએ માછીમારોને કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આમ તો પાક. જેલમાં કેદ 558 માછીમારો મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર અને ગુજરાતના છે. એમાંય સૌથી વધારે ગુજરાતના છે. ગુજરાતના દીવ-વણાંકબારા વિસ્તારના માછીમારો વધારે છે. એ પછી કોડીનાર વિસ્તારના અને પછી વલસાડ વિસ્તારના માછીમારો છે. જો કે અપહૃત માછીમારોમાં પોરબંદર, વેરાવળ, ઉના, જાફરાબાદ જેવા વિસ્તારોના પણ માછીમારો કેદ છે. જેલમાં બંદીવાન માછીમારોના પરિવારજનોની હાલત આર્થિક અને માનસિક રીતે ખરાબ છે.

અપહૃત માછીમાર જીતુભાઈ ચાવડાના પત્ની રમીલાબેન પર ત્રણ સંતાનની જવાબદારી છે
અપહૃત માછીમાર જીતુભાઈ ચાવડાના પત્ની રમીલાબેન પર ત્રણ સંતાનની જવાબદારી છે

વણાંકબારાના માછીમાર જીતુભાઇ ચાવડા પાકિસ્તાનની જેલમાં કેદ છે. તેમના 36 વર્ષીય પત્ની રમીલાબેન કહે છે, મારા પતિ અઢી વર્ષથી પાકિસ્તાન જેલમાં છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ ઉપરાંત ભાઈ, મામા સહિત પરિવારના પાંચ સભ્યો પાક. જેલમાં છે. ત્રણ સંતાનના ઉછેરની જવાબદારી રમીલાબેન પર આવી પડી. સરકારી સહાય મળે છે અને આ ઉપરાંત બીજા કામ કરીને ઘર ચલાવવું પડે છે. ત્રણ-ત્રણ બાળકોનો ઉછેર કઠીન બની રહે છે.

અપહૃત માછીમાર દીપકભાઈ ચાવડાના પત્ની હીરાબેન મજૂરીકામ કરે છે
અપહૃત માછીમાર દીપકભાઈ ચાવડાના પત્ની હીરાબેન મજૂરીકામ કરે છે

22 વર્ષના હીરાબેન ચાવડાના પતિ દીપકભાઈનું સાડાત્રણ વર્ષ પહેલાં અપહરણ થયું હતું. હીરાબેન કહે છે, ત્યારે મારો પુત્ર વિદ્યુત 6 મહિનાનો હતો. આજે એ ચાર વર્ષનો થઇ ગયો છે. એ સમજણો થયો ત્યારથી પૂછે છે કે, મારા પપ્પા ક્યાં છે? હીરાબેન મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. માછીમારોના પરિવારોમાં કોઈનો પુત્ર, કોઈનો પતિ, કોઈનો ભાઈ પાક. જેલમાં બંદી છે. એ કોઈના તરફથી કોઈ પત્ર નથી, ફોન નથી, ત્યાંની સરકાર તરફથી પણ કોઈ જ પ્રકારની જાણ કરાતી નથી. પોતાનું સ્વજન કેવી સ્થિતિમાં અને કઈ જેલમાં છે, તે તેમના પરિવારજનોને ખબર જ નથી.

ફેક્ટ ફિગર
ગુજરાતમાં નોંધાયેલી બોટ37,965
મશીનથી ચાલતી બોટ28,580
મશીન વગર ચાલતી બોટ9385
બોટમાં જીપીએસ સિસ્ટમ લાગી5126
ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં1220
ભારતીય માછીમારો પાક. જેલમાં કેદ558
પાકિસ્તાની માછીમારો ભારતની જેલમાં કેદ74
પાકિસ્તાની બોટ ભારતના કબજામાં92
અન્ય સમાચારો પણ છે...