‘ઉજ્જ્વલા યોજના’ની અંધારી બાજુ:ગુજરાતના 65 ગામોમાં 6 મહિનાથી 4.65 લાખ બાટલા ભરાયા નથી, હવે બાટલા ક્યાંક ‘વૃક્ષ’ પર તો ક્યાંક ‘ખેતર’માં ફેંકાયા

ભાસ્કર ન્યૂઝ નેટવર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 65% પરિવારોની માસિક આવક 4-5 હજાર રૂપિયા, 800નું ગેસ સિલિન્ડર ભરાવીએ તો ખાઇએ શું?
  • દાહોદ, ભરૂચ, ચરોતર, સુરેન્દ્રનગર સહિત 16 ગામોમાં ચૂલાનો જ સહારો

ગરીબ મહિલાઓની મદદ માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના શરૂ કરાઇ હતી. જેનો ઉદ્દેશ મહિલાઓને ચૂલા - લાકડાનાં ધુમાડાથી છુટકારો અપાવવાનો હતો. જેનો મોટા પાયે પ્રચાર - પ્રસાર કરાયો. ગુજરાતમાં યોજના અંતર્ગત 35,38,543 ગેસ જોડાણ અપાયા પરંતુ જેમ જેમ ગેસના ભાવ વધતા ગયા તેમ તેમ ગ્રામીણ - ગરીબ મહિલાઓ ગેસથી દૂર થતી ગઇ.

મોદીએ જ્યાંથી આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો તે દાહોદ જિલ્લામાં જ 75 ટકા લાભાર્થીએ છેલ્લા ઘણા મહિનાથી સિલિન્ડર રિફીલ કરાવવાનું બંધ કરી સિલિન્ડર ઠેકાણે મૂકી ચૂલા પર રાંધવાની પરંપરાગત પદ્ધતિ પુન: અપનાવી છે. સમગ્ર યોજનામાં સૌથી દુ:ખની વાત એ છે કે લાભાર્થીઓએ જ્યારે આ યોજનાનો લાભ લીધો ત્યારે તેમના અંત્યોદય/બીપીએલ કાર્ડમાં ગેસ જોડાણનો સિક્કો વાગી જતાં તેમને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળતું કેરોસીન બંધ થઇ ગયું છે. હવે ગેસ મોંઘો પડે છે અને કેરોસીન બંધ થઇ જતા ‘બાવાના બેવ બગડ્યાં’ જેવી હાલત થઇ.

દાહોદ જિલ્લામાં કુલ 199557 ગેસ સિલિન્ડરના કનેક્શન આપવામાં આવ્યા છે પરંતુ બોટલનો ભાવ રૂ. 1029 જેટલો થઇ જતાં માત્ર 25 ટકા લાભાર્થી બોટલ રિફીલ કરાવી રહ્યા છે. છે. આણંદ - ખેડા જિલ્લાની વાત કરીએ કુલ 2.89 લાખ જોડાણમાંથી 1.80 લાખ જોડાણધારકોએ છેલ્લા છ મહિનામાં બોટલ રિફીલ કરાવ્યા નથી. પંચમહાલ જિલ્લાના કડાણા તાલુકામાં 5623 પરિવારોએ ઉજ્જ્વલા યોજનાનો લાભ લીધો છે જેમા 40 %થી વધુ ગરીબ પરિવારોએ બીજીવાર બોટલ ભરાવ્યો નથી.

દિવ્ય ભાસ્કર દ્વારા રાજ્યના 7 જિલ્લાના નાના મોટા 65 ગામોમાં વાસ્તવિક સ્થિતિ તપાસવામાં આવી તો ચોંકાવનારી હકીકત ઉજાગર થઇ. ગત 6 થી 8 માસમાં 4,65 લાખ ગેસ સિલિન્ડર પુન: ભરવાયા નથી. હવે આ બાટલા રસોડાને બાદ કરતાં અન્યત્ર વેરવિખેર અવસ્થામાં જોવા મળે છે. ક્યાંક ઝાડ પર લટકાવાય છે તો ક્યાંક લારી પર તો અનેક ઠેકાણે ખેતરોમાં ફેંકી દેવાયા છે. ભાવની મજબૂરીના કારણે ફરી પાછા ચૂલા પર રાંધવાનું શરુ કરનારા મહિલાઓએ આપવીતી વર્ણવતા કહ્યું કે અડધી કમાણી બાટલો ભરાવવામાં જ જાય છે. એનાથી તો સારું છે કે લાકડા સળગાવી રસોઇ બનાવીએ. અમને બાટલાના 800 - 1000 રૂપિયા પોસાતા નથી.

પરિવારની આવક રૂ.4000, 800ના બાટલા કરતાં ચૂલો જ સારો?
અમે 2018માં ગેસ-સિલિન્ડર મળ્યું હતું. શરૂઆતમાં 600 રૂપિયા હતા ત્યારે ભરાવતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી ગેસ-સિલિન્ડર ભરાવ્યું નથી. અમારી માસિક આવક માંડ 4 હજાર જેટલી છે. ઘરમાં ચાર સભ્યો છે, જેમાં બે બાળક છે. તેમને ખવડાવવું કે ગેસના બાટલા ભરાવીએ ? અત્યારે 1000 રૂપિયા છે. એમાંથી 200 રૂપિયા સબસિડી મળે તો બાકીનાં નાણાં લાવવા ક્યાંથી? તેથી હું લાકડાં વીણી લાવી ચૂલા પર રસોઇ બનાવું છું. - ચંદાબેન સોલંકી, ગેસ-કનેક્શનધારક, સોજીત્રા

2018માં 2,11,650 ને હાલ માત્ર 30 હજાર કાર્ડધારકોને કેરોસીન મળે છે
2018 પહેલાં ગેસ-કનેક્શન નહીં ધરાવનાર 2,11,650 કાર્ડધારકને માસિક વ્યક્તિદીઠ 4 લિટર મહત્તમ 10 લિટર કેરોસીન અપાતું હતું. હાલમાં માત્ર ગેસ-કનેક્શન નહીં ધરાવતા અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને વ્યકિતદીઠ માત્ર 2 લિટર મહત્તમ 8 લિટર કેરોસીન આપવામાં આવે છે. હાલમાં આણંદ જિલ્લામાં માંડ 30 હજાર રેશનકાર્ડધારકને કેરોસીન મળે છે.

બોટલ પાછા લઇ કેરોસીન આપો
ઝૂંપડીમાં સાત સભ્યનો પરિવાર રહે છે. એક ભાઇ મજૂરી કરી અમને ખવડાવે છે. બોટલ ભરાવાનું બાજુમાં રહ્યું આને સાચવીને થાક્યા. એના કરતાં સરકાર બાટલા પાછા લઇ કેરોસીન ચાલુ કરી આપે તો સારું. - વાગડિયા નવલબેન રૂમાલભાઇ, ઠાકોર નાધરા, કડાણા

બાટલો માળિયે ચડાવી દીધો છે
અમારી એટલી આવક નથી ખેતીમાં ઘરનું ખાવાનું નીકળે છે બોટલ ક્યાંથી ભરાવીએ અમારે તો ચૂલો બરાબર છે. આના કરતા તો કેરોસીન મળતું હતું એ સારું એ સગડી અને બોટલ માળીએ ચઢાવી દીધા છે. - રાજીબેન મનુભાઈ વાગડિયા, રાજનપુર, કડાણા

રેશનકાર્ડમાં ઉજ્જ્વલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસીન વિતરણ પણ બંધ
જે યોજનાનો અમલ આણંદ-ખેડા જિલ્લામાં 2017માં થયો હતો, પ્રથમ તબક્કામાં જિલ્લાના 1.42 લાખ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને માત્ર રૂા. 100માં ગેસ-કનેક્શન ફાળવવાનું શરૂ થયું હતું. અત્યારસુધીમાં આણંદ જિલ્લામાં 1,42,704 અને ખેડા જિલ્લામાં 1,46,520 મળી ચરોતરમાં કુલ 2,89,224થી વધુ ગરીબ પરિવારોને ત્યાં ગેસ-કનેક્શન પહોંચ્યાં છે. આ તમામ ગેસ-કનેક્શન ધરાવતા કાર્ડધારકોના રેશનકાર્ડમાં ઉજ્જ્વલાનો સિક્કો લાગી જતાં રેશનિંગ કેરોસીન વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડરે મળતી સબસિડી હવે 200 રૂપિયા થઈ ગઈ છે. આમ, 14.2 કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર ઉજ્જ્વલા લાભાર્થીઓને 803 રૂપિયામાં પડશે. એલપીજી સિલિન્ડરના ભાવવધારાની સાથોસાથ ઉજ્જ્વલાના લાભાર્થીઓને પણ મોંઘવારીનો માર પડ્યો છે.

ફેબ્રુઆરી 2020માં સબસિડી વગરના 14.2 કિગ્રાના સિલિન્ડરનો ભાવ 714 રૂપિયાથી વધીને 858.50 રૂપિયા થયો તો ઉજ્જ્વલા લાભાર્થીઓની પણ પ્રતિ સિલિન્ડર સબસિડી 174.86 રૂપિયાથી વધારીને 312.48 રૂપિયા કરવામાં આવી હતી. આમ, લાભાર્થીને એક સિલિન્ડરે 546 રૂપિયા ચૂકવવા પડતા હતા. આમ બે વર્ષના સમયગાળામાં પ્રતિ સિલિન્ડરે લાભાર્થીને 257 રૂપિયા (47 ટકા) વધુ ચૂકવવા પડે છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ 24 માર્ચ 2022ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 35,38,543 એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. તેમાં PMUY ફેઝ-1માં 28,98,006 અને ઉજ્જ્વલા 2.0માં 5,40,537 કનેક્શનનો સમાવેશ થાય છે.

સિલિન્ડરનો ભાવ આસમાને પણ સબસિડી નામની

મહિનો-વર્ષસબસિડી વગરનો ભાવસબસિડી

ચૂકવવી પડતી રકમ

ફેબ્રુઆરી 2020858.5312.48546.02
જૂન 20221003200803

(નોંધ: 14.2 કિગ્રા એલપીજી સિલિન્ડરનો ભાવ રૂપિયામાં)

ઉજ્જ્વલા યોજના લૉન્ચ થઈ ત્યારે સિલિન્ડરનો ભાવ રૂ. 527.50 હતો
ઉજ્જ્વલા યોજના 1 મે 2016માં લૉન્ચ થઈ હતી ત્યારે સબસિડી વગરનો 14.2 કિગ્રા સિલિન્ડર 527.50નો હતો. જે મે 2022માં 1003નો થયો. ભાવ 90% વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...