તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાટીવાસીઓની વાટ:અંબિકા નદી પર પુલ ક્યારે બનશે

વાંસદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળાઆંબા-વાટી ગામમાં અંબિકા નદીનો માર્ગ ચોમાસામાં ડૂબી જાય છે જે ગ્રામવાસીઓ જાતે બનાવે છે. - Divya Bhaskar
કાળાઆંબા-વાટી ગામમાં અંબિકા નદીનો માર્ગ ચોમાસામાં ડૂબી જાય છે જે ગ્રામવાસીઓ જાતે બનાવે છે.
  • વાંસદા તાલુકાના વાટી ગામના લોકોને વર્ષોથી સરકાર હથેળીમાં ચાંદ દેખાડી રહી છે, ગ્રામવાસીઓની આંદોલનની ચીમકી
  • 1000ની વસતીવાળુ ગામ ચોમાસામાં નદીમાં પૂર આવતાં સંપર્ક વિહોણુ બને છે, વાંસદા જવા 4 માસ સુધી 30 કિમીનો ચકરાવો લેવો પડે છે

વાંસદા તાલુકાના ડાંગ તથા તાપી જિલ્લાને જોડતા અંબિકા નદી પર વાટી ગામને જોડતો કોઝવે કમ પુલ માટે છેલ્લા કેટલાક વર્ષોથી લોકો માગ કરી રહ્યાં છે. વાંસદા તાલુકાના ખેડૂતોની નદીને સામેની બાજુએ ખેતીની જમીન આવેલી છે તે લોકો અને 1 હજાર વસતિ ધરાવતો વાટી ગામ વરસાદની સિઝનમાં નદીમાં પાણી આવતા સંપર્કવિહોણુ બને છે. 4 માસ સુધી લોકોને કામ અર્થે 30 કિલોમીટરનો ફેરો ફરીને વાંસદા પહોંચવું પડે છે. વહેલી તકે આ કોઝવે કમ પુલનું નિર્માણ કરાવી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી આ વિસ્તારના લોકોની માંગ છે.

વાંસદા તાલુકાના વાટી ગામ નજીક કાળાઆંબા ગામે આવેલા અંબિકા નદી પરના કોઝવે કમ પુલના નિર્માણ માટે વર્ષોથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અંબિકા નદીના સામેની બાજુએ વાટી ગામ આવેલું છે. આ ગામની અંદાજિત વસતિ 1000ની છે. ચોમાસાની સિઝનમાં અંબિકા નદીમાં પાણી ફરી વળતા ગામના લોકો ચાર માસ વાંસદા તાલુકાથી વિખૂટું પડી જાય છે. ચોમાસાની સિઝનમાં ચાર માસ વાટી ગામના લોકોએ સરકારી કામે વાંસદા પહોંચવા વઘઈ થઈ 30 કિ.મી.નું અંતર કાપીને જવું પડે છે.

દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થતા આજુબાજુના ગામના લોકો અંબિકા નદીમાં સ્વખર્ચે માટી નાંખી અવરજવર માટે રસ્તો બનાવે છે. સરકાર અને ભાજપી નેતાઓને ગામના આગેવાનોએ અવારનાવર રજૂઆતો કરી છે. તેઓ દ્વારા આ વર્ષે સરકારમાં રજૂઆત કરી છે એટલે બની જશે તેવા ઠાલા આશ્વાસનો આપી હથેળીમાં ચાંદ દેખાડે છે પરંતુ હજુ સુધી કામ થયું નથી.

વહેલી તકે આ નદી ઉપર કોઝવે કમ પુલ બનાવવામાં નહીં આવશે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવું પડશે એવી આ વિસ્તારના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લા પંચાયતથી લઇ સરકાર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો ગ્રામવાસીઓ કરતા આવ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.

રાજકારણીઓ વચન આપે છે, કામ કરતા નથી
અમારા વિસ્તારની અંબિકા નદી પર આવેલો કોઝવે કમ પુલ છેલ્લા કેટલાય વર્ષોથી બનાવવામાં આવતો નથી. વર્ષોથી રજૂઆત કરવામાં આવતી રહી છે, પરંતુ તેનું કોઇ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી. જેને લઈ વાટી ગામના લોકો ચોમાસાની સિઝનમાં હાલાકી ભોગવે છે.

ચોમાસાની સિઝન પૂર્ણ થતાની સાથે સ્વખર્ચે નદી પર માટી નાંખી રસ્તો બનાવી આવાગમન કરે છે. રાજકારણીઓ માત્ર વચનો આપી જાય છે પરંતુ કામ કરતા નથી. વહેલી તકે કોઝવે કમ પુલનું કામ શરૂ કરાવે એવી અમારી માંગ છે. > રતિલાલ બિરારી, માજી સરપંચ, ખરજઈ, તા.વાંસદા

સરકાર લોકોની હાલાકી વહેલી તકે દૂર કરે
વાંસદા તાલુકાના વાટી ગામના લોકો વરસાદની સિઝનમાં અંબિકા નદીમાં પાણી આવતા વાંસદાથી સંપર્ક તૂટી જાય છે. લોકોએ 30 કિલોમીટરનો ફેરો ખાઈને વાંસદા જવું પડે છે. જેને લઈ સમય-નાણાંનો બગાડ થાય છે. સરકાર આ કોઝવેની ગ્રાન્ટ માટે વિચાર કરી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી માંગ ઉઠી છે. હવે રજૂઆત કરીને પણ થાક્યા છે ત્યારે આંદોલન જ એક માર્ગ દેખાય રહ્યો છે.> બાલુભાઈ પટેલ, સરપંચ, વાટી-કાળાઆંબા ગ્રુપ ગ્રા.પં., વાંસદા

અન્ય સમાચારો પણ છે...