વાંસદા તાલુકાના પૂર્વ વિસ્તારના ખંભાલિયા ગામેથી ભારતમાલા અંતર્ગત મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે નીકળવાની જાણ તથા માપણીના વિરોધમાં વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં વાંસદા હનુમાનજી મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈ-દિલ્હી કોરિડોર એક્સપ્રેસ વે નીકળવાની હિલચાલ સાથે જે માપણી થઈ રહી છે જેના વિરોધમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં ખંભાલિયા, ઉનાઈ, નાનીભમતી અને રાણી ફળિયામાં રાત્રી સભા કરવામાં આવી હતી. બુધવારે વાંસદા હનુમાનજી મંદિરથી ભારે સૂત્રોચ્ચાર અને બેનર સાથે રેલી નીકળી હતી. જેમાં એક્સપ્રેસ વેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી ડે.મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઇ પટેલે જણાવ્યું હતું કે આ સરકાર અવનવા પ્રોજેક્ટ, અવનવા મોટા રસ્તાઓ બનાવીને આદિવાસી ખેડૂતોની જમીનો હડપવા માંગે છે. હાલ પણ નેશનલ હાઇવે 56 કાર્યરત છે પરંતુ માનીતી કંપનીઓને ટોલ ટેકસની એજન્સી આપવા માટે એક્સપ્રેસવે બનાવી રહી છે. આ મુંબઈ-દિલ્હી કોરિડોર માટે આ વિસ્તારના લોકો એક ઇંચ પણ જમીન આપવાના નથી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ એસોસિએશનના પ્રમુખ મનિષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ એક્સપ્રેસ વેને કારણે નાના ખેડૂતોની જમીનો જશે અને પાયમાલ થઇ જશે, જે કોઈપણ સંજોગોમાં થવા દઈશું નહીં. ધરમપુરના કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે સફારી પાર્ક એ પ્રવાસન વિભાગના નામે સરકાર આદિવાસીઓને ખતમ કરવાનું કામ કરે છે.
આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ ગાવિત, બારકુભાઈ રાઉત, બારૂકભાઈ, ચંપાબેન, હસમુખભાઈ, સરપંચ રાકેશભાઈ, જીતુભાઈ, ગણપતભાઇ અને કમલેશભાઈ પટેલ, રાજીતભાઈ પાનવાલા, ધર્મેશભાઈ ભોયા વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.