કોર્ટનો હુકમ:વાંસદા કોર્ટે બોગસ લાયસન્સ આપનારને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. 3500નો દંડ ફટકાર્યો

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ બીજાના લાયસન્સ ઉપર પોતાનો ફોટો ચોંટાડી દઇ પોતાની ઓળખ છૂપાવી દીધી હતી

વાંસદા કોર્ટે બોગસ લાયસન્સ આપનારને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. 3500નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તાપી જિલ્લા વ્યારા તાલુકાના બાલપુર ગામના શૈલેષભાઇ શિંગાભાઈ ગામીતે 29મી સપ્ટેમ્બર 2010ના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી. નંબર 6/2010ના અકસ્માત કેસમાં હાજર થયા હતા. પોલીસે ડ્રાઈવિંગ લાયસન્સની માંગણી કરતાં શૈલેષભાઈ ગામીતે સુનિલ ફતેસિંહ ચૌધરીના નામનું લાયસન્સ ઉપર પોતાનો પાસપોર્ટ ફોટો લગાડી ડ્રાઈવિંગ લાયસન્સની ઝેરોક્ષ રજૂ કરી પોતાનું નામ સુનીલ ફતેસિંહ ચૌધરી જણાવ્યું હતું.

પોલીસે અસલ લાયસન્સની માંગણી કરતા આરોપીએ જણાવ્યું હતું કે રિન્યુ કરવા આપી હોવાનું હકીકત જણાવતા તે ગુનામાં ત.ક. અમલદારે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ વાંસદા કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે સુનિલ ફતેસિંહ ચૌધરીને સમન્સ ઇસ્યુ કરતા ત્યારે અસલ સુનિલ ફ્તેસિહ ચૌધરી હાજર થયો હતો. તેણે ગુનો નહી આચર્યાનું તેમજ આ ફોટો શૈલેષભાઇ ગામીતનો હોવાનું જણાવ્યું હતું. કોર્ટ તે બાબતે પોલીસને યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું.

પોલીસે ખરેખર ફોજદારી અને ગુનો થયો હોવાનો રિપોર્ટ કર્યો અને શૈલેષભાઈ ગામીતે પોતાનો ફોટો સુનીલ ફતેસિંહ ચૌધરીના લાયસન્સની ઝેરોક્ષ નકલ પર લગાડી ખોટુ નામ ધારણ કરી ખોટા લાયસન્સનો સાચા તરીકે ઉપયોગ કરી ભારે વાહનો ચલાવતા હોવાનું જણાયું હતું. વાંસદા પોલીસે ઈ.પી.કો.કલમ 465,468,471,177 તથા 144 મુજબ હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ રામજીભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

ગુનાની પૂર્તતા મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરતા વાંસદા કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકારી વકીલ પવન શાહની દલીલોના આધારે વાંસદા કોર્ટના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ.જી.મલાણીએ આરોપી શૈલેષભાઈ ગામીતને તકસીરવાન ઠરાવી 3 વર્ષની કેદ અને રૂ. 3500ના દંડની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...