સરકારની સહાયથી વંચિત:સરા ગામે વિધવા મહિલાના પુત્રના બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી, હવે ચોમાસામાં છત ગુમાવવાની ચિંતા

ઉનાઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મહિલા મકાન બનાવવામાં પણ સક્ષમ નથી

વાંસદા તાલુકાના સરા ગામે વૃદ્ધ વિધવા મહિલાનું ઝૂપડું ધરાશાયી થવાના આરે છે. લાકડાઓના ટેકાના સહારે ઝૂપડું ટકી રહ્યું હોય મહિલા દ્વારા તંત્રને જાણ કરવા છતાં તંત્ર દ્વારા દરકાર સુદ્ધાં લેવામાં આવી નથી. વાંસદા તાલુકાના સરા ગામે ઝાડી ફળિયામાં કાંતાબેન પટેલ પોતાના પુત્ર અને બે પૌત્રો સાથે રહે છે. ગરીબીમાં જીવી રહેલા કાંતાબેનના વર્ષો પહેલા પતિ મૃત્યુ પામ્યા હતા. એક પુત્રના સહારે જીવી રહેલા કાંતાબેન વર્ષોથી આવાસથી વંચિત છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મકાન બનાવી શકવામાં સક્ષમ નહીં હોય જૂનું પુરાણું માટીના લીંપણવાળા ઘરમાં રહે છે.

તેમના પુત્રને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી છે અને બન્ને અભ્યાસ કરે છે. જોકે અમુક કારણોસર તેમના પુત્રની પત્ની બાળકોને મૂકી જતી રહી હોય જેનો આજદિન સુધી કોઈ પત્તો નથી. જેથી બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હોય અને આજે માથે રહેલી છત પણ ગુમાવવાનો વારો આવ્યો છે. કાંતાબેનનો પુત્ર હાલમાં 150થી 200 રૂપિયા સુધીની મજૂરીકામ કરે છે, જેથી ઘરમાં બે ટંકનું જમવાનું પણ પૂરું નથી થઈ શકતું મકાન બનાવવાની વાત તો દુર જ રહી. હાલમાં એમનું ઝૂપડું લાકડાના ટેકાના સહારે ઉભું છે અને જે પડુ પડુ થઈ રહ્યું છે.

કાંતાબેનના જણાવ્યા પ્રમાણે અનેકવાર આવાસ માટે રજૂઆત કરવા છતાં આવાસ આપવામાં આવ્યું નહીં હોય હાલમાં આવેલા ભારે વરસાદના પગલે ઘરમાં અનેક જગ્યાએ પાણી ટપકતું હોવાથી આખી રાત ઊંઘી શક્યાં ન હતા. આજુબાજુના ભીંતડા પણ તૂટી ગયા હોય ઘરમાં પલંગ પણ નહીં હોય જમીન પર પથારી કરી બાળકોને સુવડાવતા હોય રાત્રી દરમિયાન જીવ જાનવરોનો પણ ભય સતાવી રહ્યો છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરતા તંત્ર દ્વારા જણાવાયું કે ઝૂપડું તૂટી જાય પછી સહાય મળવાપાત્ર હોય છે. જો રાત્રિ દરમિયાન ભારે વરસાદને કારણે ઝૂપડું તૂટી જાય ઝૂપડામાં સુતેલા માસૂમ નિર્દોષ બાળકો ભોગ બને તો નવાઈ નથી એવું પ્રતીત થઈ રહ્યું છે. તંત્ર ઝૂપડું તૂટી કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું હોય એવુ પ્રતીત થઈ રહ્યું છે.

કુદરતી હોનારતમાં ધરાશાયી થાય તો સહાય મળવાપાત્ર છે
ભારે વરસાદના સમયે અમે કાંતાબેનના મકાનની મુલાકાત લીધી મકાનની પરિસ્થિતિ જોઈ હતી. અમે એમને સ્થળાંતર કરવા માટે કહ્યું હતું પરંતુ એ લોકો સ્થળાંતર કરવા ના પાડી રહ્યા હતા. બાદમાં મકાનના ફોટા પાડી અમે ઉચ્ચાધિકારીઓને આ બાબતે જાણ પર કરી હતી પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુદરતી હોનારતમાં મકાન ધરાશાયી થાયતો સહાય મળવાપાત્ર છે. એમનું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ છે જે ક્રમ પ્રમાણે એમને પણ આવાસનો લાભ મળશે. >સુનિલભાઈ પી.ભોયા, તલાટી, સરા

યુદ્ધના ધોરણે આવાસની પ્રક્રિયા પૂર્ણ કરી લાભ અપાશે
અમારી તલાટી સાથે વાતચીત થઈ છે પરંતુ હાલમાં તલાટીઓની હડતાલ ચાલી રહી હોવાને કારણે વધુ માહિતી મળી નથી. હડતાળ પૂરી થતાની સાથે તલાટીને આ બાબતે યોગ્ય નિરાકરણ કરવાની તેમજ જર્જરિત ઝૂંપડામાંથી આ પરિવારને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવશે તેમજ યુદ્ધના ધોરણે આવાસની પ્રક્રિયા પૂર્ણ કરી લાભ અપાશે. >પીયુષભાઈ પટેલ, નાયબ મામલતદાર, વાંસદા

અન્ય સમાચારો પણ છે...