માગણી:મોટીવાલઝરના ઉપસળ પાટીયા ખાતે એ.ટી.એમ.ની માંગણી ઉઠી

વાંસદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્કમાં 3 હજારથી વધુ ખાતાધારકોને પડતી મુશ્કેલી

વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામના ઉપસળ પાટીયા ખાતે લોકો દ્વારા એ.ટી.એમ.ની માંગણી કરવામાં આવી રહી છે. મોટીવાલઝર ગામે બરોડા ગ્રામીણ બેંક આવેલ છે પરંતુ એ.ટી.એમ. ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખડકાળા, પાલગભણ, જામનફળિયા, મોટીવાલઝર, નાનીવાલઝર, ઉપસળ ગામના લોકો દ્વારા મોટીવાલઝર ખાતે આવેલ બરોડા ગ્રામીણ બેંકએ બેંક ઓફ બરોડાની સાથે સંયુક્ત હોવાથી બેંક ઓફ બરોડાના એ.ટી.એમ.ની માંગણી કરવામાં આવી રહી છે.

આ અગાઉ પણ ગામના લોકો દ્વારા અરજી કરી એ.ટી.એમ.ની માંગણી કરવામાં આવી હતી, પરંતુ બેંક મેનેજર બદલાઈ જતા રજુઆત અટકી પડી હતી. હાલ બરોડા ગ્રામીણ બેંકમાં આ વિસ્તારના આશરે 3000થી વધુ ખાતા હોય મોટીવાલઝર ખાતે એ.ટી.એમ મુકવામાં આવે તો સ્થાનિક લોકોને ઘણી સરળતા રહે એમ છે.

પૈસાની જરૂર હોય તો વાંસદા કે કંડોલપાડા જવું પડે છે
હું એસ.એમ.સી.માં નોકરી કરું છું, મારા બાળકો શાળામાં ભણે છે, ગમે ત્યારે પૈસાની જરૂર હોય તો એ.ટી.એમ.માંથી ઉપાડવા વાંસદા કે કંડોલપાડા જવું પડે છે, મોટીવાલઝરમાં એ.ટી.એમ. હોય તો લોકોને સારું પડે એમ છે. - વિજયભાઇ પરભુભાઈ પટેલ, ઉપસળ

તહેવારોના સમયે હાલાકી ભોગવવી પડે છે
મોટીવાલઝર ઉપસળ પાટીયા ખાતે ઘણી બધી દુકાનો આવેલી છે, જ્યાંના વેપારીઓને પણ તહેવારોના સમયે બેંકમાં રજા હોય એવા સમયે પૈસા બેંકમાંથી કે એ.ટી.એમ.માંથી ઉપાડવા માટે હાલાકી ભોગવવી પડે છે. જો અહીંયા એ.ટી.એમ.ની સુવિધા મળી જાય તો સૌને સરળતા રહે. - નિકેતભાઈ ચીમનભાઈ પટેલ, સ્થાનિક, મોટીવાલઝર

અન્ય સમાચારો પણ છે...